તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:મુન્દ્રાના હડડાખુડીમાં રોજબરોજ છલકાતી ગટરે આસપાસના મહોલ્લાવાસીઓને બાનમાં લીધા

મુન્દ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદુષિત પાણીની દુર્ગંધ વરસાદી સીઝનમાં રોગચાળો ફેલાવે તે પહેલાં કાયમી ઉકેલની માંગ ઉઠી

મુન્દ્રા ગ્રામપંચાયતમાંથી સંયુક્ત પણે નગરપાલિકામાં તબ્દીલ થયા બાદ વિવિધ વેરાઓમાં તો સુધરાઈ એક્ટ પ્રમાણેનો વધારો ઝીંકી દેવાયો છે.પરંતુ ગજવામાંથી કર રૂપે નાણાં સરી ગયા બાદ તેનો ફાયદો પ્રજાને બદલે હાલ પાલિકાના ઠેકેદારોને વધુ થતો હોવાનું નગરના હડડાખુડી વિસ્તારમાં રોજબરોજ છલકાતી ગટર જોઈને પ્રતીત થઇ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ નગરની તાલુકા પંચાયત કચેરી સામે આવેલ સૂચિત વિસ્તારમાં અઢી દાયકા પહેલા મૃત પશુઓનો નિકાલ કરવામાં આવતો જેને ત્યાં ગીધ ફોલી ખાતા માટે તેને હડડાખુડી તરીકેની ઓળખ આપવામાં આવી હતી.પરંતુ નગરનો ઔદ્યોગિક વિકાસ થતાં અહીં પણ ચોમેર રહેણાંકની સોસાયટીઓએ આકાર લઇ લીધો છે.

આ બધા વિસ્તારોને જોડતી ગટર લાઈન છેલ્લા ઘણા સમયથી એકાંતરે ક્ષતિગ્રસ્ત થતાં તેનું દુર્ગંધયુક્ત પ્રદુષિત પાણી દૂર સુધી વહી નીકળતું હોવાથી આસપાસની સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.અને વરસાદી સીઝનમાં રોગચાળો ફેલાય તે પહેલા સમસ્યાનો કાયમી ઉકેલ ઝંખી રહ્યા છે.

ગટર સફાઈમાં લાખો રૂપિયા ખર્ચ્યા, સ્થિતી જૈસે થે તૈસે
ગત સુધરાઈની સામાન્ય સભાવેળાએ પાલિકા દ્વારા મળતીયાઓને વિવિધ ઠેકાઓની વાટણી કરી આપવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.ત્યારે સુધરાઈ ગટર સફાઈ પાછળ પણ પ્રતિમાસ ઠેકેદારોને સાત આંકડામાં રકમ ચૂકવતી હોવા છતાં સ્થિતી જૈસે થે હોવાનું સામે આવ્યું છે ત્યારે છલકાતી ગટર મુદ્દે સુધરાઈના ઈજનેર જીગરસિંહ જાડેજાએ લાઈનની દુરસ્તીકરણ ચાલુ હોવા પર પ્રકાશ પાડી તેને ટૂંક સમયમાં રાબેતા મુજબ કરી આપવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...