રકારી નાણાંનો વ્યય:મુન્દ્રામાં ઇજારો ન અપાતા હોર્ડિંગ્સક્ષેત્રે અરાજકતા, સરકારી પ્રચારનું બોર્ડ જમીન પર આવી ગયું !

મુન્દ્રા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 100 મીટરના દાયરામાં બે એંગલ પર અન્ય બે દેખાતાં સરકારી નાણાંનો વ્યય સ્પષ્ટ નજર આવ્યો

એક તરફ સરકાર પોતાની યોજાઓનો ધૂમ પ્રચાર પ્રસાર કરવા કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે. ત્યારે બીજી તરફ ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં પાંચ વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીરો સાથે મા અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી અવગત કરતું હોર્ડિંગ રસ્તાની સાઈડ પર ભોંયભેગુ અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજીટલ ક્રાંતિનું બોર્ડ એકજ જગ્યાએ એક પર એક દેખાઈ આવતાં સુધરાઈના અણઘડ વહિવટ થકી થતો સરકારી નાણાંનો વ્યય સ્પષ્ટપણે નજર સમક્ષ તરી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગેબી કારણોસર આજ પર્યંત સુધરાઈના સત્તાધીશો દ્વારા હોર્ડિંગના ઈજારેદાર નિયત કરવામાં ન આવતા પાલિકાની તિજોરીને લાખોનો માર પડી રહ્યો હોવાના આક્ષેપો વિપક્ષ અનેક વાર કરી ચૂક્યું છે. પરંતુ પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં નગરના શાસ્ત્રી મેદાન પાસે જમીન પર અને તેનાથી ફક્ત સો મીટરના અંતરે બીજું હોર્ડિંગ લગાડી દેવામાં આવતાં ચોક્કસપણે વેઠ ઉતારવામાં આવી હોવાનું જણાઈ આવે છે.

બીજી તરફ બારાતુઓથી ધમધમતા ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે જાહેરાતના હોર્ડિંગનો મુખ્ય પોઇન્ટ આવેલો છે. જે હાલની સ્થિતિમાં તદ્દન નધણિયાતો છે તે જગ્યાએ પણ એક સમાન બોર્ડ એક ઉપર એક ટિંગાડી સુધરાઈના સત્તાધીશોએ તેમને પ્રજાલક્ષી કાર્યોના પ્રચારમાં ખાસ રસ ન હોવાનો ખુલ્લો સંકેત આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ચોમેર થી ઉઠતો એકજ સવાલ.... હોર્ડિંગ્સનો ઈજારો આપવામાં સુસ્તી શા માટે ?
મુન્દ્રાને સુધરાઈનો દરજ્જો મળ્યો તેને એક વર્ષ નજીકનો સમયગાળો થવા આવ્યો.ત્યારે ફક્ત વિકાસકાર્યોની જાહેરાતો કરી મનમાં મુરકાઈ લેતાં સત્તાધીશોએ મળેલી બે સામાન્યસભામાં હોર્ડિંગના ઇજારા સબબનો મુદ્દો તો ઉઠાવ્યો.ત્યાર બાદ વિવિધ ઠેકાઓની મળતિયાઓને વાટણી પણ થઇ ગઈ .પરંતુ સૂચિત ઠેકો આપવામાં દાખવાયેલી સુસ્તી અનેક પ્રશ્નાર્થો ખડા કરી જાય છે.