કૌભાંડ:બારોઇના ચકચારી જમીન કૌભાંડમાં પ્રજાને ગેરમાર્ગે દોરવાનો થતો પ્રયાસ

મુન્દ્રા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડોને આંબી ગયેલા સ્કેમ ને અભેરાઈએ ચડાવી દેવાની વેતરણ
  • ગ્રા.પં.ના શાસનકાળમાં ગેરરીતિના મૂળિયા, તંત્ર સુધરાઈના ચોપડા ફંફોસે છે

મુન્દ્રા બારોઇ ને સંયુક્ત પણે સુધરાઈ નો દરજ્જો મળ્યા બાદ પ્રકાશમાં આવેલ સો કરોડ થી વધારે ના સરકારી જમીનના કૌભાંડ સંદર્ભે જિલ્લા સમાહર્તાએ સમગ્ર પ્રકરની તપાસ નો આદેશ કર્યાને આજે છ માસ થી વધારે નો સમયગાળો વિતી ગયા સુધી કોઈ સકારાત્મક પરિણામો ન આવતાં સંપૂર્ણ રાજ્ય ના જાયન્ટ સ્કેમ ને પૂર્ણ પણે અભેરાઈ પર ચડાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ મુન્દ્રા બારોઇ ને પાલિકા નો દરજ્જો મળ્યા અગાઉ બારોઇ ગ્રામપંચાયતના શાસન વેળાએ જ કરોડોના કૌભાંડ ને અંજામ આપવાની ભૂમિકા બાંધી લેવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.અને તે વખતે બારોઇ જુથ ગ્રામ પંચાયતમાં તબદીલ થયેલા મહિલા તલાટીની બદલી પણ નાણાંકીય વહીવટ કરી સ્થગિત કરી દેવામાં આવી હોવા બાબત પરથી પડદો ઉંચકાયો છે.ત્યાર પછી બારોઇ ગ્રામપંચાયતની તત્કાલિન બોડી દ્વારા સરકારી વાડાઓ ખાનગી નામે ચડાવા કરાયેલા સહી સમેતના ઠરાવો તથા બીજા તબક્કે સુધરાઈ અમલમાં આવતાં જમીન માફિયાઓને ખૂટતી કડીઓ ની પૂર્તિ કરી આપવાની ગતિવિધી દરમ્યાન અતઃ થી ઇતિ સુધી તમામે વહેતી ગંગામાં હાથ ધોયા છે.છતાં જે સક્ષમ મહેસુલી અધિકારીઓને જિલ્લા કક્ષાએથી તપાસ સોંપવામાં આવી છે.તેઓ કૌભાંડ ના મૂળમાં જઈ બારોઇ ગ્રામપંચાયત ની ભૂમિકા અને ગેરરિતીઓની સનિષ્ઠ તપાસ કરવાને બદલે ફક્ત સુધરાઈના ચોપડા ફંફોસી પ્રજાને ગેરમાર્ગે દોરવા માંગતા હોવાનું ફલિત થયું છે. વિશેષમાં અહીં નોંધનીય બાબત એ છે કે જિલ્લા સ્તરેથી સ્કેન્ડલ અંગે તપાસના આદેશ તો વછૂટ્યા પરંતુ આજ પર્યત તેનું ફોલોઅપ લેવાની તસ્દી કદાચ હજી સુધી કોઈએ લીધી ન હોય તેવું પણ બની શકે.

મુખ્ય તપાસકર્તાએ 187 પાનાના અહેવાલમાં હજી સુધી એક લીટી નથી તાણી
જમીન કૌભાંડ મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સુધરાઈ ના સત્તાધીશોએ આપેલા મંતવ્ય ના આધારે જિલ્લા સમાહર્તાએ સમગ્ર પ્રકરણ ની તપાસ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ પ્રજાપતિ તથા મુન્દ્રા માંડવી વિસ્તારના પ્રાંત અધિકારી ચૌધરીને સોંપી પ્રાથમિક અહેવાલ રજુ કરવાનો આદેશ કર્યો હતો.જેને આજે છ માસ નો સમયગાળો વિતી ગયો હોવા છતાં સુધરાઈની ગતિવિધીઓને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ અંદાજિત 200 પાનાંના અહેવાલમાં મુખ્ય તપાસકર્તા પ્રજાપતિએ હજી સુધી એક લીટી નથી તાણી ઉલ્ટાનું તપાસમાંથી ઇરાદાપૂર્વક ખસી જવા તેમણે ત્રણ માસની મેડીકલ લિવ લઇ લીધેલ હોવાના આક્ષેપો ઉઠ્યા છે.ત્યારે ગૌરાંગ જોશી નો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે નાદુરસ્ત તબિયત ને કારણે ઘણા સમયથી રજા માં હોવાથી તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું ન હોવા પર ભાર મૂકી વધુ માહિતી પ્રાંત અધિકારી પાસેથી લેવા જણાવ્યું હતું .

અહેવાલ જિલ્લા કક્ષાએ સુપ્રત કરી દેવાયો, આગળની કાર્યવાહી ત્યાંથી થશે -સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ
ઉપરોક્ત બાબતે મુન્દ્રા માંડવી વિસ્તારના પ્રાંત અધિકારી કે જી ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે પ્રાથમિક અહેવાલ જિલ્લા સમાહર્તાને સુપ્રત કરાયો હોવા બાબતથી માહિતગાર કરતાં હવે તેના આધારે આગળની તપાસ જિલ્લા સ્તરેથી બે વિભાગમાં તબદીલ થવાનું જણાવ્યું હતું.તે મુજબ હવે ગ્રામપંચાયત અને સુધરાઈ હસ્તક ના વિસ્તારોની સંલગ્ન ખાતાઓ સમીક્ષા કરશે ત્યાર બાદ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી પ્રશાશન દ્વારા કૌભાંડ ના જવાબદારો વિરુદ્ધ ઠોસ પગલાં લેવાનો નિર્ણય લેવાશે તેવું સપાટીએ તરી આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...