અકાળે મોત:કચ્છમાં 7 જીંદગી અપમૃત્યુના ખપ્પરમાં હોમાઇ જતા અરેરાટી

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમ અને મંગળવારના દોઢ જ દિવસમાં ત્રણ વ્યક્તિની આત્મહત્યા: જાણે કાળચક્ર ફર્યું હોય તેમ ચાર પુરૂષ ત્રણ મહિલાઓના અકાળે મોત થયા
  • મોટી તુંબડીમાં પતિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું, બીજા દિવસે વિયોગમાં પત્નીએ એસીડ પી જીવ દઇ દીધો
  • એકજ દિવસમાં બે વર્ષના પુત્ર અને પાંચ વર્ષની દીકરીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી

મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ખાતે બનેલી કરૂણ ઘટનામાં સોમવારે સવારે પતિનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં વિયોગમાં સાંજે ઝેરી દવા ગટગટાવનાર પત્નીનું આજે મોત થતા એકજ દિવસમાં બે વર્ષના પુત્ર અને પાંચ વર્ષની માસુમ પુત્રીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત બનાવ 16/8ની સાંજે મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ખાતે બન્યો હતો.

જેમાં ગજોડ સ્થિત મોમાયાકૃપા એન્ટરપ્રાઇઝ નામક પેઢીમાં ફરજ બજાવતા સવુભા નવુભા જાડેજા નામક યુવાનને હૃદયરોગનો હુમલો આવતા તેને ભુજ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાં 17/8 ના રોજ તેનું મોત નીપજ્યું હતું.જે કરૂણ બનાવને પગલે આઘાત જીરવી ન શકનાર સવુભાની પત્ની લીલાબા એ પોતાના ઘરે તુંબડી ખાતે પતિના વિયોગમાં રાત્રે એસીડ ગટગટાવી લેતાં તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરતાં તુંબડી મધ્યે શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ સંદર્ભે તુંબડીના રહેવાસી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદુભા જાડેજાએ પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે સાત વર્ષના લગ્ન ગાળા દરમ્યાન હતભાગી દંપતીને સંતાનમાં એક પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ થઇ હતી જે અનુક્રમે બે અને પાંચ વર્ષના છે. જેમણે એકજ દિવસમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. જેને લઇ તેના દાદા દાદી અને કાકા સમેત પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

જખૌના દરિયામાં બોટમાંથી પડી જતાં વલસાડના માછીમારનું મોત
અબડાસા તાલુકાના જખૌ દરિયામાં અનપૂર્ણા નામની બોટમાં સોમવારે માછીમારી કરવા ગયેલા મુળ વલસાડના હાલ જખૌ બંદરે રહેતા જયેશભાઇ ભાઇલાલભાઇ નાયકા (ઉ.વ.28) અકસ્માતે બોટ પરથી દરિયામાં પડી ગયા હતા. દરમિયાન આસપાસના માછીમારોએ જયેશભાઇને બહાર કાઢ્યા હતા. અને સારવાર માટે તાત્કાલિક નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જખૌ મરિન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ વુમન પીએસઆઇ પી.કે.વારોતરીયાએ હાથ ધરી છે.

ચીરઈમાં દાઝી ગયેલી પરીણિતાએ સારવાર દરમ્યાન દમ તોડ્યો
ભચાઉના નાની ચીરઇમાં દાઝી ગયેલી મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે નાની ચીરઈ ગામે રહેતા 25 વર્ષીય ચંદ્રિકાબેન રામજીભાઈ બઢિયા પોતાના ઘરે ચા બનાવતા હતા, ત્યારે કેરોસીનનો ડબ્બો ગેસ પર પડતા આગ વિકરાળ થઈ હતી. જેમાં શરીરે દાઝી જતા ચંદ્રિકાબેનને પ્રથમ ભુજ અને બાદમાં અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

અંજાર-મુન્દ્રા રેલ્વે લાઈનમાં ટ્રેન હડફેટે અજાણ્યા શખ્સનું મૃત્યુ
અંજારથી મુન્દ્રા જતી રેલવે લાઈનમાં બ્રીજ નં. 37 પાસે દેવળિયા નજીક ટ્રેન હડફેટે આવી જવાથી અજાણ્યા પુરુષનું મોત થયું હતું. અંજાર પોલીસમાં સ્ટેશન માસ્તર સંજય પ્રસાદે જાણ કરી હતી કે, અંજાર - મુન્દ્રા રેલવે લાઈનમાં ટ્રેન હડફેટે આવી જવાથી કોઈ અજાણ્યા પુરુષનું મોત થયું હતું. જેથી 108 દ્વારા હતભાગીને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

કિડાણામાં એક જ દિવસમાં ગળેફાંસો ખાવાની બે ઘટનાથી ગામમાં અરેરાટી
કિડાણા ગામમાં સોમવારના દિવસે બે અલગ કિસ્સામાં યુવાન અને પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણતા ગામમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી હતી. તા.18/10ના બપોરના અરસામાં મૈત્રી સોસાયટીના એકતાનગરમાં રહેતા 27 વર્ષીય અફતાબ મોહમદ બજરુદીન અંસારીએ ઘરમાં દુપટ્ટા વડે પંખામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. તો બીજો કિસ્સો કિડાણાની રામ સોસાયટીમાં બપોરના અરસામાં 27 વર્ષીય પરિણીતા પ્રવિણાબેન જીતેંદ્રભાઈ પરમારએ પંખામાં રસ્સી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેમનું લગ્ન જીવન 10 વર્ષનું હતું ત્યારે પોલિસે બન્ને પ્રકરણમાં અકસ્માત મોત નોંધીને તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...