અગાઉ મુન્દ્રામાં રમણીય નજારા સાથે લોકોને હરવા ફરવા માટે એક માત્ર સ્થળ હતું તે ભૂખી નદીના પટની છેલ્લા બે દાયકાથી ઔદ્યોગિકરણ બાદ શકલ ફરી ગઈ છે. જે જગ્યા નગરજનોની ઓળખ સમાન હતી ત્યાં હાલ આડેધડ થયેલા અતિક્રમણ તથા ગંદકીના ગંજ વાતાવરણ ડહોળવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
નગરના વિકાસ પહેલાં જુના બંદર તરફ જતાં માર્ગમાં આવતો અને ડાકબંગલા નજીક ચોમેર સ્વચ્છ રેતી થી પથરાયેલો ભૂખી નદીનો પટ સમી સાંજે લોકો માટે ફરવા નું સ્થળ બની રહેતો જે છેલ્લા બે દાયકાથી વસ્તી વધારા બાદ પ્રતિદિન અત્યંત દયનિય હાલતમાં ફેરવાઈ જતાં નગરનો બુદ્ધિજીવી વર્ગ તેની દરકાર ઈચ્છી રહ્યો છે.
દુષિત પાણી ઠલવાતાં મચ્છરોનો ઉપદ્રવ
નગરના અનેક નિચાણ વાળા વિસ્તારોમાંથી ગટરનું દુષિત પાણી નદીમાં છોડવામાં આવતાં ત્યાં થતા મચ્છરોના ઉપદ્રવે લોકોને બાનમાં લીધા છે.તાજેતરમાં ફેલાયેલા વાઇરલ તાવના વાયરામાં પણ મહદઅંશે નદીની ગંદકી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું હતું. નદીમાં બાવળોના કટિંગ સાથે તેની સફાઈ પણ આવશ્યક બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ડાકબંગલા નજીક અનધિકૃત દબાણો એ માઝા મૂકી
એક તરફ સુધરાઈ દ્વારા નગરના કોટ અંદરના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા છૂટક લારીધારકો ને આઝાદ મેદાનમાં ખસેડાયા જયારે નગરના પ્રવેશદ્વાર પર આવેલા ડાકબંગલા નજીક નદીના પટમાં કપડાં ના વિક્રેતા તથા નોનવેજનું વેંચાણ કરતાં લોકોએ આડેધડ દબાણ ખડકી દીધા છે.વળી તેના કારણે તમામ વપરાયેલો કચરો ત્યાં એકત્રિત થતાં નદીના પટની સુંદરતા હણાઈ ગઈ છે ત્યારે હવે લોકો પાલિકા એક્શન મોડમાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
નદીના પટમાં હંગામી સ્ટોલ ઉભા કરાશે
નદીના પટની સફાઈ સુધરાઈ નું આગામી લક્ષ્ય હોવાની લાગણી સાથે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે ટૂંક સમયમાં ત્યાં વેપાર કરતાં દબાણકારો વિરુદ્ધ નોટિસ બહાર પાડી તેમના માટે નિતી નિયમો ઘડ્યા બાદ હંગામી ધોરણે સ્ટોલ ઉભા કરાશે તેમ જણાવ્યું હતું. બારોઇ રોડના ફેરિયાઓનું સ્થળાંતર કરી નદીના પટમાં આવેલા છૂટક વેપારીઓ માટે ગતિવિધિ હાથ ધરવા પર ભાર મુક્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.