મુન્દ્રા તાલુકા ના મોટા કપાયામા ભંગારવાડા નજીક ભર બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી હતી. ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતા જાગૃત નાગરિકોએ નજીકમાં આવેલા ઝિન્દાલ સો પાઇપ એકમ ના અગ્નિશામક દળનો સંપર્ક કરતાં ટીમે સ્થળ પર ઘસી જઈ એક કલાકની જહેમત બાદ અગનજ્વાળાઓ પર કાબુ મેળવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મુન્દ્રાથી પાંચ કિ.મી.ના અંતરે આવેલા કપાયા રોડ પર મોટા પ્રમાણમાં સ્ક્રેપના ગોડાઉન આવેલા છે. જ્યાં સમયાંતરે આગ લાગવાના બનાવો સામે આવતા રહે છે.
રાબેતા મુજબ બુધવારે પણ અસહ્ય તાપ વચ્ચે અજાણ્યા કારણોસર એક વાડા નજીક આગ ભભૂકી ઉઠતાં એક તબક્કે આજુ બાજુ દોડાદોડ મચી ગઈ હતી. ત્યારે માર્ગ પરથી પસાર થતા બીજેપીના આગેવાન કુલદિપસિંહ જાડેજાનું ધ્યાન જતાં તેમણે ત્વરાએ ઝિન્દાલ સો પાઇપ ના અગિનશામક દળનો સંપર્ક કર્યો હતો. ફાયર ફાઇટરની ટીમે એક કલાક સુધી જહેમત ઉઠાવી અગનજ્વાળાઓ પર કાબુ મેળવ્યો હતો.આગ ને કારણે વધુ પડતો કચરો બળીને સ્વાહા થયો હતો જયારે જાનમાલની નુકસાની ટળી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.