મુન્દ્રા તાલુકાના નવીનાળ મુકામે સપાટો બોલાવીને સ્થાનિક પોલીસે ટેન્કર માંથી વિદેશી શરાબની 263 અને બીયરની 79 પેટી સાથે કુલ્લ 13,99,800 નો જથ્થો ઝડપી પાડ્યો હતો.પરંતુ ટેન્કર ચાલક હાથ ન લાગતાં માલ મંગાવનાર અને સંડોવણી ધરાવનાર તત્વોને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મળેલ બાતમીના આધારે મુન્દ્રા તાલુકાના નવીનાળ મુકામે ફિલ્ડીંગ ભરી રહેલી મુન્દ્રા પોલીસને બાવળોની ઝાડીમાં ચમકતી રેડીયમ સાથેનું ટેન્કર જોવા મળતાં ટીમ ત્રાટકી હતી.જ્યાં તેમને જીજે-12 ઝેડ 3669 નંબરની પાસીંગ ધરાવતા ટેન્કરમાંથી વિદેશી બનાવટની દેશી શરાબની રૂ.12,09,400 કિંમતની 3159 બોટલો અને 1,90,400 ના 1904 નંગ બીયર સાથે કુલ રૂ. 13,99,800 કિંમતનો શરાબનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
ઘટનાને પગલે પોલીસે દારૂની હેરફેરમાં વપરાયેલા 15 લાખના ટેન્કર સમેત કુલ 28,99,800નો મુદામાલ કબ્જે કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે બનાવના સ્થળે અન્ય ફોર વ્હીલર વાહનના નિશાન મળી આવતાં સૂચિત જગ્યાએ માલ કટિંગ થતાં પહેલાં બુટલેગરોને ટીપ મળી હોવાથી તે ભાગી ગયા નું અનુમાન લગાવાયું છે.બનાવ ને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક,દારૂ મંગાવનાર ઈસમો તથા સપ્લાય કરનાર તત્વો વિરુદ્ધ આઇપીસીની પ્રોહિબિશન ધારા તળે ગુનો દર્જ કરી સંડોવણી ધરાવતા આરોપીઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.કામગીરીમાં મુન્દ્રા પીઆઇ હાર્દિક ત્રિવેદી સાથે ડી સ્ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.