તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માંડવીમાં રૂકમાવતી પૂલનું ભાજપ પહેલાં કોંગ્રેસે લોકાર્પણ કરી નાખ્યું

માંડવી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધમાચકડી મચતાં પોલીસે કાર્યકરોની અટક કરી પછી છોડી મુકવામાં આવ્યા

માંડવીને જોડતા 11.85 કરોડના ખર્ચે નિર્મિત રૂકમાવતી રિવર બ્રિજનું ભાજપ દ્વારા લોકાર્પણ કરાય તે પહેલાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પૂલ પરના અવરોધો દૂર કરીને ઉદ્દઘાટન કરી નાખ્યું હતું. દરમિયાન બનાવના સ્થળે પોલીસ પહોંચી જતાં ધમાચકડી મચી હતી. પોલીસે કોંગી કાર્યકરોની અટક કરીને પાછળથી છોડી મૂક્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરૂ થઇ ગયું છે ત્યારે કોંગ્રેસે શહેર અને તાલુકા સંગઠનની બેઠક બોલાવી હતી જેના સમાપને મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો બાબતે સૂત્રોચ્ચાર કરતી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલીનું સમાપન થયું એ રૂકમાવતી નદી પર નવા બનેલા અને એક માસથી લોકાર્પણની રાહ જોતા પૂલ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા અને શ્રીફળ વધેરીને બ્રિજનું ઉદ્દઘાટન કરી નાખ્યું હતું. આ તકે ધમાચકડી મચતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો હોય તેમ શહેરમાં કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું અને પાર્ટી દ્વારા સફાઇ અને પાણી વિતરણ સહિતના મુદ્દે પાલિકાને આવેદન અપાયું હતું. આમ આગામી દિવસોમાં રાજકીય ગરમાવો જોર પકડે તેવું જણાઇ રહ્યું છે.

ભાજપની હુંસાતુસીમાં લોકાર્પણ અટવાયું હતું
રેલી પૂર્વે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં વિવિધ વસ્તુઓના ભાવમાં થયેલા વધારાનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી હોવાનું જણાવ્યું હતું. પક્ષે પાઠવેલી અખબારી યાદીમાં ભાજપની આંતરિક જૂથબંધીના કારણે બ્રિજનું લોકાર્પણ અટવાયું હોવાથી લોકોપયોગી થતો ન હતો પરિણામે કોંગ્રેસે ઉદ્દઘાટન કરી નાખ્યું હોવાનું જણાવાયું હતું. શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ ખેરાજ ગઢવી, રસિકભાઇ દોશી, મોહન પટેલ સહિતના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...