તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોટા લાયજાની સમસ્યાઓ પણ મોટી : રોડ, પાણી સહિતના પ્રશ્નોથી લોકો ત્રસ્ત

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 ટકા વસ્તી ધરાવતું સનાતન નગર ગટરલાઇનથી વંચિત
  • અગાઉના કુવાનું પાણી પીવાલાયક નથી ને ત્યાં જ બનતો નવો કુવો

માંડવી તાલુકાના મોટા લાયજાની સમસ્યાઅો પણ મોટી હોય તેમ રસ્તા, પાણી અને ગટર સહિતના પ્રશ્નો પેચીદા બન્યા છે.ગામની 70% વસ્તી ધરાવતું સનાતન નગર ગટરલાઈનથી હજુ વંચિત છે, જેથી ચોમાસાના ચાર મહિના ભોયખારો ઊભરાતા લોકોને પારાવાર મુશ્કેલી થઇ રહી છે. વધુમાં ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. નર્મદા તેમજ મઉં યોજના અનિયમિત છે. કુવાના પાણીથી ચા, દૂધ પણ બગડી જવાની ફરિયાદો ઉઠી રહી છે. મફતનગરને તો એ પણ યાદ નથી કે, પીવાનું પાણી છેલ્લે ક્યારે મળ્યું હતું. પાણીના બે કુવા છે, પરંતુ તે પીવાલાયક નથી, તેમ છતાં ત્યાં જ નવો કૂવો બનાવવાનું કામ ચાલુ છે.

પાણીના વહેણ દક્ષિણ-પશ્ચિમ હોય પરંતુ કૂવો ઉત્તર દિશામાં બને છે, જેથી પાણી પાછું ખરાબ મળશે એવું ગામલોકોનું કહેવું છે. થોડા સમય પહેલા 23 લાખના ખર્ચે ખારાવાડા ડેમમાં કૂવો બનાવાયો છે, જેનું પાણી પણ ખારું અાવે છે. પ્રાથમિક શાળાથી બસ સ્ટેશન સુધી ડામર રોડ હતો, જેને વરસાદી પાણીના નિકાલ માટે 5 ફૂટ ખોદી નખાયું છે અને નવા રોડનું કામ પણ ધીમી ગતિઅે ચાલી રહ્યું છે, જેથી સ્થાનિક લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. વધુમાં આ ખોદકામને લીધે 90 જેટલા વૃક્ષો અને વીજ થાંભલા વરસાદમાં પડી જશે તેવી શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

દાતા તરફથી મળેલા સીસીટીવી શોભાના ગાંઠિયા
ગામમાં અસામાજિક પ્રવૃત્તિઅો પર રોક લગાવવા માટે દાતા દિવ્યાબેનના સહયોગથી અડધા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનું યોગ્ય રીતે સંચાલન થતું ન હોવાથી તે હાલે શોભાના ગાંઠિયા બની ગયા છે.

ભીંસરા રોડ પર 15 દિવસ સુધી ભરાતું વરસાદી પાણી
મોટા લાયજા ચાર રસ્તાની નજીક ભીંસરા રોડ પર પંદર દિવસ સુધી વરસાદી પાણી ભરાઇ રહે છે, જેના કારણે સનાતન નગરના ઘરોમાં પાણી ભરાય છે. ચોમાસામાં દુકાનદારો, લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે. રસ્તા પર ભરાતા પાણીના કારણે સતત મોટા અકસ્માતનો ભય રહે છે. અા મુદ્દે બે વર્ષથી રજૂઅાતો કરવા છતાં કોઈ ઉકેલ અાવતો ન હોવાનો અાક્ષેપ પૂર્વ ઉપસરપંચ પચાણ એમ. ગઢવીઅે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...