કાર્યવાહી:માંડવી પાલિકાના જનસેવા કેન્દ્રમાં વીજ ચોરી પકડાઇ

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડીને  ધારા 135 હેઠળ દંડ ફટકારવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. - Divya Bhaskar
પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડીને  ધારા 135 હેઠળ દંડ ફટકારવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
  • એક વર્ષ અગાઉ પાંચ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત કેન્દ્રનું લોકાર્પણ પણ નથી થયું તેવામાં બિનઅધિકૃત વપરાશનું ભોપાળું ખુલ્યું
  • થાંભલામાંથી સીધું વીજ જોડાણ લઇ લેવાતાં દંડ ફટકારાયો

માંડવીમાં પાલિકાએ રૂકમાવતી પૂલ પાસે 5 લાખના ખર્ચે બનાવેલા જનસેવા કેન્દ્રનું લોકાર્પણ થાય તે પહેલાં જ થાંભલામાંથી સીધું વીજ જોડાણ લેવાયું હોવાનું જણાતાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડીને ધારા 135 હેઠળ દંડ ફટકારવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સરકારના જ કેન્દ્રમાં પકડાયેલી વીજ ચોરીનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નાણા પંચની ગ્રાન્ટમાંથી બનેલા આ કેન્દ્રનું એક વર્ષ પહેલાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ તેને લોકોની સેવામા મુકાય તે પહેલાં જ બિન અધિકૃત રીતે વપરાશ થતો હોવાનો ગણગણાટ થયો હતો.

દરમિયાન વીજ કંપનીના વિજીલન્સ વિભાગને ગેરકાયદે વીજ જોડાણ લેવાયું હોવાનું જણાતાં પીજીવીસીએલના જવાબદાર અધિકારી-કર્મચારીએ સ્થળ તપાસ કરતા તેમાં વીજપોલમાંથી સીધું જોડાણ લેવાયું હોવાનું બહાર આવ્યું હતું. શહેર પેટા વિભાગીય વીજ કચેરીના નાયબ ઇજનેર તૃપ્તિબેનના જણાવ્યા મુજબ દંડની રકમ ભરવા અને જો તેમ નહીં થાય તો પોલીસ ફરિયાદ કરવા સહિતની નોટિસ ફટકારવામાં આવશે.

જનસેવા કેન્દ્રનો ઉપયોગ ઠેકેદાર કરતો હતો
સૂત્રોના કહેવા મુજબ પાલિકાની આ મિલકતનો ઉપયોગ રૂકમાવતી પૂલનું નિર્માણ કરી રહેલા ઠેકેદાર દ્વારા બિન અધિકૃત રીતે કરવામા આવતો હતો. આ અંગે ઉઠેલા આક્ષેપો સાચા માનીએ તો મહેસાણાની ચેતન કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા લોકો માટે બનાવાયેલા કેન્દ્રનો વપરાશ કરાઇ રહ્યો હતો. આ અંગે ચીફ ઓફિસર અને વહીવટદાર સંદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતાં કોઇને પરિસરના ઉપયોગની મંજૂરી આપવામા આવી નથી તે વાતની પુષ્ટિ કરી હતી.

નિરણ કેન્દ્ર પરિસરમાં પણ ઠેકેદારે સાધન -સામગ્રી ખડકી દીધી
પાલિકાના અમુક સત્તાધીશો અને ઠેકેદાર વચ્ચે મીઠો સબંધ હોય તેમ પાણીના ટાંકા પાસે આવેલા સુધરાઇના નિરણ કેન્દ્રમાં સાધન-સામગ્રી અને મશિનો ખડકી દેવાયાં છે. આ મુદ્દે પણ સુધરાઇના મૌન પાછળ અનેક સવાલો ખડા થયા છે. હાલે શાસનધૂરા વહીવટદાર સંભાળી રહ્યા છે ત્યારે તેમના દ્વારા તપાસ કરાય તો આ રહસ્ય પરથી પણ પરદો ઉંચકાય તેમ છે તેવું આધારભૂત સૂત્રો કહી રહ્યા છે.

ઠેકેદારને કબજો કોણે આપ્યો તેની તપાસ થશે : સીઓ
હજુ લોકાર્પણ પણ નથી થયું તેવા આ કેન્દ્રનો કબજો ઠેકેદારને કોના કહેવાથી અપાયો અને રૂમની ચાવી પણ તેને કોણે આપી તે તપાસનો વિષય છે. આ સમગ્ર પ્રકરણમાં પૂરતી તપાસ કરીને સત્ય હકીકત બહાર લાવવામા આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...