માહિતી માગવી ભારે પડી:માંડવીના નગરસેવકની MLAના કાર્યાલયે ઝાટકણી

માંડવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારી યોજના મુજબ ચાલી રહી છે કે કેમ તેની માહિતી માગવી ભારે પડી
  • વિરોધ પક્ષ જેવી ભૂમિકા ભજવતા હોવાની ફરિયાદ ધારાસભ્ય સુધી પહોંચતા અંતે ઠપકો મળ્યો

માંડવી નગર પાલિકામાં સત્તા પક્ષના નગર સેવકે સ્થાનિકે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને લગતી કેટલીક વિગતો પોતાના લેટરહેડ પર માગી હતી જે ભારે પડી હોય તેમ ધારાસભ્યના કાર્યાલય પર રૂબરૂ બોલાવીને તેમની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો હતો.

લોકોને આધુનિક સારવાર મળે તે માટે શહેરમાં 99 પથારી સાથેની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલી મુકવામાં આવી હતી. હોસ્પિટલ તમામ સરકારી યોજના મુજબ ચાલી રહી છે કે કેમ તેની માહિતી વોર્ડ નંબર છના છેલ બટાઉ યુવાન નગરસેવકે માગી હતી. પ્રથમ વખત કાઉન્સિલર બનવાની સાથે જાણે પાંખ આવી ગઇ હોય તેમ ભાજપના આ કાઉન્સિલરે સરકારી કામગીરીની લેટરહેડ ઉપર માહિતી માંગતા વિરોધ પક્ષ જેવી ભૂમિકા ભજવાઇ હોવાની ફરિયાદ ધારાસભ્ય કાર્યાલય સુધી પહોંચી હતી.

રાવ મળતાં જ યુવા કાઉન્સિલરને એકલા આવવા ધારાસભ્ય કાર્યાલયમાંથી તેડું આવ્યું હતું અને તેઓ હોંશે હોંશે નિર્ધારિત સમયે હાજર થઇ ગયા હતા પણ ધારણા કરતાં વાત અવળી ઉતરી હતી ભાજપના બેનર પર ચૂંટાયેલા છો ત્યારે તમે સરકારી કામની માહિતી માંગીને વિરોધ પક્ષની ભૂમિકા જેવી કામગીરી કરતા શરમ આવવી જોઇએ એવી ઉગ્રભાષામાં ઝાટકણી કાઢવામાં આવી હતી,

સૂત્રોના જણાવ્યા મુજબ પાલિકાની કામગીરી પોતાના વોર્ડ પૂરતી સીમિત હોવા છતાં હદની બહાર જઇને લેટરહેડનો ઉપયોગ કરનારા કાઉન્સિલરને તેની જ હરકત ભારે પડી ગયાનો મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...