ફરિયાદ:માંડવી બીચ સફાઇનો લાખોનો કોન્ટ્રાક્ટ છતાં ગંદકીના ગંજ

માંડવી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 6 કલાકમાં 60 ટ્રેક્ટર કચરો ઉપાડીને ઠેકેદારની પોલ ખુલ્લી પાડી
  • સુધરાઇએ સફાઈ કરીને પ્રવાસન વિભાગમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી

માંડવીના રમણીય બીચની શોભા વધારવા પ્રવાસન વિભાગ દ્વારા લાખોના ખર્ચે સફાઈ માટેનો ટેન્ડર ખાનગી કંપનીને અાપવામાં અાવ્યું છે. પરંતુ ઠેકેદારે સફાઈ કરવામાં લાલિયાવાડી કરતા માંડવી પાલિકાને સફાઇ કરવાની ફરજ પડી હતી ! પાલિકાઅે સેનિટેશનની ટીમ બીચ પર ઉતારીને 60 ટ્રેક્ટર કચરાનો નિકાલ કર્યો હતો તથા બેદરકારી દાખવનારા સફાઇ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની ફરિયાદ પ્રવાસન વિભાગના મંત્રીને ઓનલાઇન કરવામાં આવી છે.

દિવાળીના મિનિ વેકેશનમાં માંડવી બીચ પર અત્યાર સુધી બે લાખ જેટલા પ્રવાસીઓનું આગમન થવા પામ્યું છે. તેવા ટાંકણે ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળતા પાલિકાની સામે સફાઈ અંગે અંગુલી નિર્દેશન કરવામાં આવતું હતું. જેથી ઠેકેદારોથી ખફા થયેલી પાલિકાનાએ યાંત્રિક સાધનો સાથે માનવ ટીમ બીચ ખાતે ઉતારીને 60 ટ્રેક્ટર કચરો ઉપાડીને તેનો ડમ્પિંગ સ્ટેશન ખાતે નિકાલ કરાયો હતો. સાથે સિક્યોર નેચર ક્લબના ભાઈઓ અને બહેનો મેગા સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.

તો પાલિકાના 35 કર્મચારીઓ મળીને છ કલાક ભ્રમણ કરીને 60 ટ્રેક્ટર ગંદકીનો નિકાલ કરાયો હતો. જેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને પ્રવાસન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હોવાનું પાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન જીગ્નેશભાઈ કષ્ટાએ જણાવ્યું હતું.

બીચ સફાઈ અંગે વારંવાર ઠેકેદાર દ્વારા ઢીલાસ મૂકવામાં આવતી હોવાથી પ્રવાસીઓ ગંદા બીચની છાપ લઈ જતા હોય છે. જેથી માંડવી સુધરાઈની છબી ખરડાઇ રહી છે. તેના પગલે ટૂરિઝમ વિભાગ સફાઈ કોન્ટ્રાક પ્રથા બંધ કરીને સફાઈની ગ્રાન્ટ પાલિકાને જો ફાળવવામાં આવે વધારે ઉચિત રહે તેમ છે. પાલિકા પોતાની જવાબદારી સમજીને બીચ સફાઇ અામ પણ કરે જ છે. તેવામાં ક્લીન કરવાની જવાબદારી પાલિકાને સોંપાય તેવી ઉચ્ચકક્ષાએ માંગ કરવામાં અાવી હોવાનું નગર અધ્યક્ષાએ હેતલબેન સોનેજીએ જણાવ્યું હતું.

તમામ સુવિધા પાલિકા અાપે પણ બીચ પર કંઇ ઉપજતું નથી !
નવાઇની વાત અે છે કે માંડવી બીચ પર લાઈટ, પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા પાલિકા અાપે છે. તેમ છતાં બીચ અંગે પાલિકા કોઇ નિર્ણય કરી શકતી નથી. બીચ પર હાઇમાસ્ટ લાઈટ ટાવરનો અને રોડ પરની રોડલાઈટના બિલ પાલિકા ભરે છે. પરંતુ બીચ પર વોટર રાઇડ્સ માટે મંજૂરી કલેકટર અને પોર્ટ પ્રશાસન દ્વારા અપાય છે. તમામ ખર્ચ પાલિકા કરે છતાં પાલિકાનું કઇ ઊપજતું નથી !

અન્ય સમાચારો પણ છે...