કરુણાંતિકા:અશ્વ હરીફાઈમાં ઘોડો થાંભલા સાથે ભટકાયો ને અસવાર નીચે પટકાતા મોત આંબી ગયું

માંડવી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાંભલા પાછળ દેખાતો ઘોડો વેગથી આવતો હતો, ને જોશભેર ભટકાઇ પડ્યો. - Divya Bhaskar
થાંભલા પાછળ દેખાતો ઘોડો વેગથી આવતો હતો, ને જોશભેર ભટકાઇ પડ્યો.
  • માંડવીના ત્રગડી - ગુંદીયાળી વચ્ચે સર્જાઈ વિચિત્ર કરુણાંતિકા
  • યુવાનના અણધાર્યા મૃત્યુથી ગમગીની, લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

માંડવીના ત્રગડી - ગુંદીયાળી વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં રવિવારે વિચિત્ર કરુણાંતીકા સર્જાઈ હતી. જેમાં અશ્વ હરીફાઈમાં ઘોડા પરથી પડી જતા અસવાર યુવાનને મોત આંબી ગયું હતું.આશાસ્પદ યુવાનની અણધારી વિદાયથી પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ત્રગડી - ગુંદીયાળી વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં અશ્વ હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાંથી ઘોડે સવાર યુવાનો ભાગ લેવા માટે આવ્યા હતા. બપોર બાદ યોજાયેલી આ રેસમાં ઘોડો પુરપાટ દોડી રહ્યો હતો ત્યારે ધૂળની ડમરીઓના કારણે અચાનક વીજ થાંભલા સાથે ટકરાઈ ગયો અને તેના પર સવાર યુવાન રાજદિપસિંહ જાડેજા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.

આ યુવાનને સારવાર નસીબ થાય તે પહેલા જ મોત આંબી ગયું હતું.આ બનાવથી ભારે ચકચાર સાથે શોક છવાઈ ગયો હતો. હતભાગી યુવાન અશ્વપ્રેમી હોવાનું પણ જાણવા મળ્યું છે. હરીફાઈમાં સર્જાયેલી આ કરુણ ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા છે.અલબત્ત માંડવી પોલીસમાં તપાસ કરતા આ બનાવ અંગે કોઈ નોંધ દાખલ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.દરમ્યાન આ ઘટનાનો લાઈવ વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...