વિપક્ષે મજા માણતા વ્યંગ કર્યા:માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ પ્રમુખ અને સેનિટેશન ચેરમેન બાખડી પડ્યા

માંડવી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે સાંસદ વિનોદ ચાવડાને મત ન આપ્યાનો અને હુમલો કરાવ્યાનો આક્ષેપ
  • અન્ય નગરસેવકોએ પણ અવાજ ઉપાડતા ભાજપમાં જ વિપક્ષનો અખાડો

નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ખુદ પાલિકા પ્રમુખ અને સેનીટેશન શાખાના ચેરમેન બાખડયા હતા અને આ વાકયુદ્ધમાં અન્ય નગરસેવકો પણ જોડાતા ભાજપમાં જ વિપક્ષ જેવો અખાડો જોવા મળ્યો હતો આ લડાઈની વિપક્ષે મજા માણતા વ્યંગ કર્યા હતા.

પ્રમુખ તમે તો ગત લોકસભાની ચૂંટણીમાં મતદાન ન કરીને ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને મત નથી આપ્યો અને મારા પર થોડા સમય પહેલા જે હુમલો થયો તેમા તમારો જ દોરીસંચાર છે આવા સણસણતા આક્ષેપો માંડવી નગરપાલિકાની સામાન્ય સભામાં સેનિટેશન શાખાના ચેરમેન જીગ્નેશભાઈ કષ્ટા દ્વારા પાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી સામે કરવામાં આવતા ભારે હલ્લાબોલ મચી જવા પામ્યો હતો.

પ્રમુખ અને ચેરમેન આમને સામને આવી જતા માઇક બંધ કરવાની ફરજ પડી હતી જેને પગલે ભાજપ શાસિત પાલિકામાં શિસ્તના લીરેલીરા ઊડી ગયા છે.સરકારની વિવિધ ગ્રાન્ટની રકમમાંથી ઉપજતા વ્યાજની રકમ સ્વભંડોળમા લઈને અન્ય કામોના ચુકવણા કરવા અંગે આ બબાલ સર્જાઇ હતી.જેને પગલે વિપક્ષી નેતાઓએ હાસ્ય વ્યક્ત કરતા જણાવ્યું કે,સભામાં ભાજપના જ સભ્યો એકબીજાનો વિરોધ કરતા હોવાથી હવે વિરોધ પક્ષની પણ જરૂર નહીં પડે.આ ઝગડાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહેતા દિવસભર ચર્ચાઓ જામી હતી.

પગાર ચૂકવવાના વાંધા તોય કચેરીમાં સગાની ભરતી
નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતીમાં સગા વ્હાલાઓની ભરતી કરવામાં આવી છે.એકતરફ પાલિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના વાંધા પડતા હોય તો પાલિકામાં વધારાના કર્મચારીઓની છુટ્ટી કરવી જોઈએ એવી વાત શોપ એન્ડ એસ્ટાબિલ્સ ચેરમેન જશુબેન પટેલે સામાન્ય સભામાં મૂકી હતી.

કારોબારી સમિતિ વિસર્જિત કરી નાખો
કારોબારી સમિતિમાં જે નિર્ણય લેવામાં આવે છે તે સામાન્ય સભામાં દૂર કરવામાં આવે તો કારોબારી સમિતિનો કોઈ મતલબ જ નથી જેથી સમિતિનું વિસર્જન કરી નાખવું જોઈએ તેવું પાણી પુરવઠાના ચેરમેન ગીતાબેન પંકજ રાજગોરે કહ્યું હતું.

4 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવશે
રૂ.ચાર કરોડના ખર્ચે ટોપણસર તળાવ પાસે મ્યુઝિયમ બનાવવામાં આવશે. ખેતરપાળના મંદિરથી તાંબિયા વાડીની ડ્રેનેજ લાઈન માટે અગાઉ પાંચ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજની સભામાં વધુ 35. 70 લાખ મંજુર કરી નવી પાઇપ નાખવામાં આવશે.નગરપાલિકામાં આવતા દિવ્યાંગ લોકો માટે રેમ્પ બનાવવા રૂ.2.25 લાખ ફાળવવામાં આવ્યા છે શહેરમા જુદી જુદી જગ્યાએ મહાનુભાવોની પ્રતિમાઓ ફરતે આકર્ષક લાઇટ લગાવવા માટે રૂ.5 લાખ ખર્ચ કરવામાં આવશે.

ખરીદી માટે સમિતિ બતાવાઈ
પાલિકા દ્વારા ચીજ-વસ્તુઓની ખરીદી કરવા એકસૂત્રતા જાળવવા માટે સમિતિ બનાવવામાં આવી જેમાં ચીફ ઓફિસર અધ્યક્ષ, હેડ ક્લાર્ક સભ્ય સચિવ, એકાઉન્ટિંગ સભ્ય, ઇજનેર સભ્ય, સેનિટેશન ઇસ્પેક્ટરને સભ્ય તરીકે નિમણુંક અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...