મન્ડે પોઝિટિવ:પુત્રી જન્મ થશે તો ગોસ્વામી મહિલા મંડળ તેના ઘરે જઇ પૂજન કરી અને 1111 રૂપિયા આપશે ભેટ

માંડવી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીમાં ‘સમાજની વ્હાલી દીકરી યોજના’સામાજિક રીતે રાજ્યમાં પ્રથમ પહેલ
  • મહિલા મંડળને અેક વર્ષ પૂર્ણ થતાં કરાયેલી ઉજવણીમાં જાહેરાત

માંડવીમાં દશનામ ગોસ્વામી મહિલા મંડળને અેક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી પ્રસંગે “સમાજની વ્હાલી દીકરી યોજના” અમલી બનાવી સમાજમાં દીકરીના જન્મ પ્રસંગે મહિલા મંડળ દ્વારા પૂજન કરી, રૂ.1111નું કવર અપાશે.માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળ ગોસ્વામી સમાજના ઘેર વર્ષ 2022ના પ્રારંભથી દીકરીનું અવતરણ(જન્મ) થશે તેમના ઘેર મહિલા મંડળ જઈ દીકરીનું પૂજન કરી રૂપિયા 1111 “સમાજની વ્હાલી દીકરી યોજના” હેઠળ રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરાતા સમાજનો ઉત્તરદાયિત્વ અનોખી રીતે બજાવી સામાજિક રીતે રાજ્યની પ્રથમ પહેલ અન્યો માટે પ્રેરણાદાયક બની રહેશે.

શહેરના દશનામ ગોસ્વામી મહિલા મંડળને એક વર્ષ પૂર્ણ થતાં કેક કાપીને ઉજવણી કરવાના અવસરે મહિલા મંડળના પ્રમુખ કમલાબેન વીરેન્દ્રગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, માંડવી ગોસ્વામી સમાજના સભ્યોના ઘેર દીકરીનું અવતરણ થશે અને તેની જાણ મંડળને થશે એટલે સંસ્થાની બહેનો તેમના ઘેર જઈને જન્મ લેનારી દીકરીનું પૂજન કરશે અને “સમાજની વ્હાલી દીકરી યોજના” હેઠળ રૂપિયા 1111નું કવર દીકરીના હાથમાં આપશે. અા નવતર પહેલ રાજ્યની પ્રથમ હોવાની જાહેરાત કરાતા ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી.

માંડવી ગોસ્વામી સેવા સમાજના પ્રમુખ હરેશપુરી કેશવપુરી, મહામંત્રી દર્શનગિરિ રાજેશગિરિ, ગુંસાઈ પંચ ટ્રસ્ટના ચેરમેન કમલગિરિ કેશવગિરિ, તારાબેન રાજેશગિરિ, મહિલા મંડળ અને સલાહકાર સમિતિના તથા ગોસ્વામી સેવા સમાજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના મોવડીઅોઅે યોજનાને બિરદાવી અાપ્યું દાન
કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના મોવડીઅોઅે યોજનાથી પ્રભાવિત થઇ ‘સમાજની વ્હાલી દીકરી યોજના” ના ફંડ માટે ભાવનાબેન હરેશપુરી તરફથી રૂ.5000, પ્રતાપભારથી જીવણભારથી 5000, મદનગિરિ શંકરગિરિ 5000, અરુણાબેન ધર્મેન્દ્રગિરિ 2100, કોમલબેન સંજયપુરી 2000 અને પ્રિષાબેન મુકેશગિરિ ગોસ્વામીઅે રૂ.2000ના દાનની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...