વિવાદ:માંડવી સેવા સદનમાં ભાજપ યુવા મોરચાની બેઠક બોલાવતા વિવાદ

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય અધિકારી વિરુદ્ધ કચ્છ કલેકટર કડક કાર્યવાહી કરે અેવી માંગ
  • શું માંડવી પાલિકા હવે ભાજપની ‘કમલમ્’ બની ? કોંગ્રેસનો સવાલ

માંડવી નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ યુવા મોરચા દ્વારા પેજ સમિતિ અને પરિચય બેઠકનું આયોજન કરાયું હતું, જેથી, કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી માનસી શાહે સતાપક્ષ તેમજ અધિકારીઓ સામે વિરોધ નોંધાવતા સવાલ કર્યો છે કે, શું હવે માંડવી નગરપાલિકાએ ભાજપનું કાર્યાલય “કમલમ” બની ગયું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માંડવી નગરપાલિકા ચીફ ઓફિસરનું મૌન એ સાબિત કરી રહ્યું છે કે, તેઓ પ્રજાના નહિં પણ ભાજપના સેવક છે. નગરપાલિકા ભવનનું ઉપયોગ પ્રજાકીય કાર્યો માટે કરી શકાય છે. સરકારી મિલકતનો ઉપયોગ પોતાના પક્ષના કાર્યક્રમ માટે કરી શકાય નહિં. આ વાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ સત્તાના મદમાં ભૂલી ચૂક્યા છે. તેઓને એટલું જ્ઞાન હોવું જરૂરી છે કે નગરપાલિકાએ સરકારી પ્રોપર્ટી છે, ના કે તેમની પ્રાઇવેટ પ્રોપર્ટી કે જયારે મન ફાવે ત્યારે પક્ષની બેઠકો કરવી. આવો કોઈ અધિકાર તેમની પાસે નથી. ઉપરાંત ચીફ ઓફિસરને જાણે આટલી સામાન્ય જાણકારી ન હોય તેમ આ મુદે મૌન ધારણ કરી બેઠા છે.

આ પ્રકારે સત્તાના મદમાં આવી, પક્ષની મીટીંગો માટે સરકારી સંપત્તિનો ઉપયોગ કરનાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મૌન ધારણ કરી ભાજપની સેવા કરનાર ચીફ ઓફિસર વિરુદ્ધ કચ્છ કલેકટરે કડક કાર્યવાહી કરી સબક આપવો જોઈએ, જેથી આવનારા સમયમાં સત્તાના નશામાં ચુર આવા સત્તાધિશો સરકારી સંપતિનો ઉપયોગ પોતાના પક્ષ માટે કરવાનું બંધ કરે તેવું માનસી શાહે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...