તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થપાટ:19માંથી 17 બેઠક પર વિજય સાથે ભાજપે માંડવી તા.પં. જાળવી રાખી

માંડવી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 બેઠક ગુમાવાની સાથે કોંગ્રેસની કારમી હાર, માત્ર બે સીટ પર વિજય
  • ભાજપથી નારાજ અપક્ષે તલવાણા બેઠક અંકે કરતાં માન્ય પક્ષો ચોંક્યા

વર્ષ 2015માં માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 11 અંકે કરનારા કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ બળવો કરતાં 9 સીટ સાથેના ભાજપને સમર્થન આપ્યું હતું પરિણામે ભાજપને 5 વર્ષ શાસન કરવાની તક મળી હતી. પક્ષાંતરના આ પ્રકરણથી મતદારો ખફા હોય તેમ આ વખતે 17 બેઠકો પર ભાજપને સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસના ફાળે માત્ર બે સીટ આવતાં કારમી હાર ખમવાનો વારો આવ્યો હતો. આ ચૂંટણી દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત રૂપે ભાજપથી નારાજ અપક્ષે તલવાણાની બેઠક કબજે કરી હતી.

કોંગ્રેસ પાસેથી 9 બેઠક છીનવી લેનારા ભાજપને 17 સીટ મળતાં આ વખતે કોઇ તોડ ફોડ વિના તાલુકા પંચાયતનું સુકાન સાંપડ્યું છે. બીજી બાજુ ટિકિટ માટે દાવેદારી કરનારા મૂળ ભાજપના વિક્રમસિંહ કલુભા જાડેજાએ તલવાણાની બેઠક પર અપક્ષ તરીકે ઝુકાવીને વિજય મેળવ્યો હતો. તેમણે ભાજપના જ કનુભા બચુભા જાડેજાને પરાસ્ત કર્યા હતા. આ સીટ પર ભાજપ કરતાં કોંગ્રેસમાં વધુ મત પડ્યા હતા પણ છેવટે અપક્ષે મેદાન માર્યું હતું.

ગત ટર્મમાં 11 બેઠકો પર સમર્થન આપવા છતાં સત્તા આરૂઢ ન થઇ શકનારી કોંગ્રેસ પાર્ટી પ્રત્યે મતદારોએ રોષ વ્યક્ત કર્યો હોય તેમ આ વખતે પાર્ટીના મહામંત્રી અરવિંદસિંહ જાડેજા અને ગઢશીશા (2) બેઠક પર કલ્પનાબેન વાસાણી વિજેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતની 20 બેઠક પર 53 જેટલા ઉમેદવારોએ ઝુકાવ્યું હતું જેમાં ભાજપ તરફે મોટા પાયે મતદાન થતાં કોંગ્રેસનું ધોવાણ થયું હતું. પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારતાં કોંગ્રેસના જિલ્લા મંત્રી અને પાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ પૂનિત જોશીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ઇવીએમ બદલાઇ જતા બબાલ સર્જાઇ
તાલુકા પંચાયતના મતોની ગણતરી વેળાએ ભૂલથી જિલ્લા પંચાયતનું ઇવીએમ આવી જતાં કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વાંધો લેવાયો હતો. જો કે, તંત્ર દ્વારા આ ક્ષતિ સુધારી લેવાતાં અને પોલીસે દરમિયાનગીરી કરતાં મામલો ગરમાય તે પહેલાં થાળે પાડી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...