ઘોરાડ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે અને આજે સમગ્ર દુનિયામાં ઘોરાડની કુલ સંખ્યા 100 થી પણ ઓછી બચી છે. સમગ્ર દુનિયામાં ગુજરાતનું સ્થાન ઘોરાડ બાબતે અનન્ય છે. કચ્છમાં માત્ર અબડાસા અને માંડવીમાં આ પક્ષી બચી જવા પામ્યા છે અને તેની હાલની સંખ્યા માત્ર 4 થી 5 જેટલી જ બચી છે જેમાં હાલમાં નર પક્ષી તો વર્ષ 2018 થી જોવા મળેલ નથી.
અનેક વૈજ્ઞાનિક અભ્યાસ સાબિત કરી ચૂક્યા છે કે ઘોરાડ કુળના પક્ષીઓની નજર નબળી હોવાથી તેઓ ઊડતી વખતે સામે રહેલા વિજળીના તારને જોઈ નથી શકતા. આથી તેની સાથે અથડાઈને મૃત્યુ પામે છે. ભારતીય વન્યજીવ સંસ્થાન અને ધ કોર્બેટ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર માત્ર અબડાસામાં જ દર વર્ષે અંદાજે 30,000 જેટલા પક્ષીઓ આ વિજળીના તારો સાથે ટકરાઈને મરે છે.જ્યારે રાજસ્થાનમાં અંદાજે એક લાખ જેટલા પક્ષીઓ દર વર્ષે વિજળીના તાર સાથે ટકરાઈને મૃત્યુ પામે છે.
નામદાર સુપ્રીમ કૌટ દ્વારા એપ્રિલ 2021માં ઘોરાડના સંરક્ષણ બાબતે જે વિજતારોની લાઇનો અંડરગ્રાઉન્ડ કરવા આદેશ કરાયો તેના લગભગ એક વર્ષ પછી પણ કોઈ વીજ કંપનીઓએ આ બાબતએ કંઇપણ પગલાં લીધા નથી. તેઓ પાવરલાઇનો પણ જમીન નીચે નથી લઈ ગયા કે આ લાઈનો પર બર્ડ-ડાઇવર્ટર પણ નથી લગાવાયા.ઘોરાડ બાબતે વનવિભાગ અને વીજકંપનીઓ બેદરકારી ભર્યું વલણ અપનાવી રહ્યાં છે અને નામદાર સર્વોચ અદાલતના આદેશનો પણ અનાદર કરી રહ્યા છે.
આ બાબતે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરનાર કચ્છના જાણીતા પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમી નવીનભાઈ બાપટે જણાવ્યું કે અમારે સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર જ ત્યારે પડી જ્યારે સરકારે આ બાબતે સમયસર પગલાં ન લીધા. છેલ્લા બે દાયકાઓથી આ બાબતે સ્થાનિક અને રાજ્ય કક્ષાએ અનેક રજૂઆતો છતાં કંઈ જ નથી થયું. અને હાલમાં પણ જુઓ શું થઈ રહ્યું છે? ઘોરાડ અને તેના વિસ્તારોને તો જાણે અવગણવામાં આવી રહ્યાં છે. અમે કોઈ પણ પ્રકારનાં વિકાસનો કે વિજળના ઉત્પાદનનો વિરોધ નથી કરી રહ્યા. ગામ લોકો અને ખેડૂતોને વીજળી મળવી જ જોઇએ. અમે તો માત્ર વિજળીના તારોને એવી રીતે લઈ જવાની વાત કરીએ છીએ જેથી ઘોરાડ અને તેની સિવાયના પણ અન્ય પક્ષીઓને નુકસાન ન થાય. મને શંકા છે કે શું સંલગ્ન વીજકંપનીઓ લોકોને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી રહી છે?
અંદાજે વર્ષ 2012-13માં ગેટકો કંપની દ્વારા ખડીરમાં 65 કિલોવોલ્ટની 10 કિ.મી.ની લાઈન ફ્લેમિંગો પક્ષી માટે અંડરગ્રાઉન્ડ કરવામાં આવેલી. તેમજ હાલમાં પણ આ જ કંપની દ્વારા કુણાઠિયા ગામ પાસે ધોરાડ માટે બીજી એક 66 કે.વીની લાઈન અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. જો એક સરકારી કંપની દ્વારા આટલું સુંદર કાર્ય થઈ શકતું હોય તો પ્રાઇવેટ કંપનીઓ શા માટે બેદરકારી દાખવી રહી છે? બાપટે જણાવ્યું કે હું ગેટકોના આ કાર્યને બિરદાવું છું અને અન્ય કંપનીઓને તેની પાસેથી શીખ લેવા જણાવું છું.શું ગુજરાત સરકાર માત્ર સિંહ માટે જ કટિબધ્ધ છે? શું નલિયામાં બચેલી ચાર અંતિમ માદા ઘોરાડ કે જે વિધવાઓ જ ગણી શકાય તેના માટે સરકારને કોઈ જ ચિંતા નથી? શું તેને ઉડવા માટે સુરક્ષિત આકાશ પણ ન મળે?.બચી ગયેલા ધોરાડનું ભવિષ્ય સરકાર, પ્રજા, વનવિભાગ, વીજકંપનીઓ અને નામદાર સર્વોચ અદાલતના હાથમાં છે.
લુપ્ત થતી પ્રજાતિને બચાવવાની સાથે પ્રજનન અર્થે નર ઘોરાડ લઇ આવવા જરૂરી
સર્વોચ્ચ અદાલતમાં ઘોરાડ માટે જાહેરહિતની અરજી કરનારા ભારતના નિવૃત આઇએએસ અધિકારી, “વન્યજીવ કાયદો-1972 ના શિલ્પકાર ડો, એમ. કે. રણજીતસિંહજીએ જણાવ્યું કે “આ દેશનું બંધારણ અનન્ય છે કે જેમાં દેશના દરેક નાગરિકને દેશની પ્રકૃતિના સંરક્ષણ કરવા માટે મળેલા હક્ક અને ફરજનો પણ ઉલ્લેખ છે. અને ઘોરાડની બાબતમાં તો વિકાસ ન થવો જોઈએ તેવો કોઈ પ્રશ્ન જ નથી. અહીં તો મુદ્દો માત્ર વિજલાઈનોને જમીન નીચેથી લઈ જવાનો છે, આવું નહિ થાય તો ઘોરાડને આપણે જાણીજોઇને વિલુપ્તિ તરફ ધકેલશુ. અને એવું થયું તો કદાચ ઈરાદાપૂર્વક વિલુપ્ત કરવામાં આવેલી ભારતની એ પ્રથમ પ્રજાતિ હશે” આવું ન થાય તે માટે ઘોરાડના રહેઠાણ વિસ્તાર બચવા જરૂરી છે અને તો જ ભવિષ્યમાં અહીં માદાઓ માટે રાજસ્થાનથી નર કે પ્રજનન કેન્દ્રમાં ઉછરેલા ઘોરાડ લાવીને છોડી શકાશે.
ઘોરાડને મારનાર વીજકંપનીઓ પર કાયદેસર પગલા કેમ નહીં?
નવીનભાઈ બાપટે જણાવ્યું હતું કે,વર્ષ 2014માં એક અને પછી ફરીવાર એજ વિજળીના તારની લાઇનમાં 2017 માં બીજું, એમ ફૂલ બે. ઘોરાડને મારનાર વીજકંપનીઓ પર કાયદેસર પગલા કેમ લેવાયા નથી? છેલ્લા એક દાયકામાં અંદાજે 10 થી વધુ ધોરાડ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કચ્છ એમ ત્રણ રાજ્યોમાં વિજળીના તારો સાથે ટકરાઈને માર્યા ગયા છે. એક અભ્યાસ અનુસાર દર વર્ષે અંદાજે 18 જેટલા ધોરાડ વિજતારોથી ટકરાઈને મૃત્યુ પામી રહ્યાં છે. તો શું સિંહ અને ધોરાડ માટે વનવિભાગનો અલગ અલગ કાયદો છે? શા માટે આ કંપનીના માલિકો અને ઉચ્ચ અધિકારીઓ મુક્ત કરી રહ્યા છે? જમીનના માલિક ખેડૂત પર તો તરત પગલા લેવાય છે.
ભારતમાં ઘોરાડ કુળના 3 પક્ષી છે તેવું એકમાત્ર સ્થળ અબડાસા
સમગ્ર ભારતમાં ઘોરાડ કુળના ત્રણ પક્ષીઓ હૂબારા, ખડમોર અને ઘોરાડ એક જ સ્થળે જોવા મળતા હોય તેવું એક માત્ર સ્થળ અબડાસા છે. આથી આ વિસ્તારને વધુ સુરક્ષિત અને સુયોગ્ય કરવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.