હુમલો:કીડીયાનગરમાં દયણાની લાઇનમાં બોલાચાલી બાદ યુવાનને ટામી અને લાકડીથી ફટકારાયો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઉમાં ઉછીના પૈસા પરત માગનાર વૃધ્ધ ઉપર પાંચ જણા તૂટી પડ્યા
  • વાગડમાં ​​​​​​​હુમલાના બે બનાવમાં બે ઘાયલ, 9 વિરૂધ્ધ ગુનો નોંધાયો

પૂર્વ કચ્છના વાગડમાં ગામડાઉ ખાતે ઉછીના પૈસા પરત માગનાર વૃધ્ધ ઉપર 5 જણા લાકડીથી તૂટી પડ્યા હોવાની તેમજ રાપરના કીડીયાનગરમાં દયણાની લાઇનમાં અગાઉ કરેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી 4 જણાએ યુવાનને ટામી અને લાકડી વડે ફટકાર્યો હોવાની ઘટના નોંધાઇ છે.

ભચાઉના ગામડાઉ ખાતે રહેતા 60 વર્ષીય પચાણભાઇ વજાભાઇ રબારીએ એકાદ વર્ષ પહેલાં ગામના જ દેવશી હીરા રબારીને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત આપવા બે દિવસ પહેલાં તેમણે દેવશી પાસે એ રૂપિયા પરત માગ્યા હતા. ગત રાત્રે તેઓ ઘરે હતા ત્યારે રૂપિયા પરત માગ્યા હોવાનું મનદુ:ખ રાખી દેવશી હીરા રબારી, દેવા રાણા રબારી, વાળા ભીખા રબારી, દેવીબેન દેવશી હીરા રબારી અને એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યા હતા અને બોલાચાલી કર્યા બાદ લાકડી વડે માર મારી જમણા પગમાં ફ્રેક્ચર તેમજ કપાળ અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમણે સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો રાપરના કિડીયાનગરના વાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય ડાહ્યાભાઇ કુંભાભાઇ મકવાણા (રાજપુત) ગત બપોરે દોઢ વાગ્યે બાઇક પર કીડીયાનગરમાં દયણું દળાવવા ગયા હતા ત્યારે ત્યાં ઉભેલા વીહા કુંભા પરમાર કરશન ભવાન પરમાર, રમેશ સવા પરમાર અને રમેશ પેથા પરમારે તેમને રોકી વિહા પરમારે તેમને મહીના પહેલાં મારા ભાઇ સાથે તારા મોટા ભાઇ વિનોદે કેમ બોલાચાલી કરી હતી કહી ટામી અને લાકડી વડે તૂટી પડ્યા હતા જેમાં તેમને હાથ, પગ માં ઇજાઓ પહોંચી હતી. આડેસર પોલીસ મથકે તેમણે નોંધાવેલી ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...