તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ક્રિકેટ રમીને બહાર નિકળેલો યુવાન ઇનોવા અડફેટે ઘાયલ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ સંકુલમાં બેફામ વાહન વ્યવહારને કારણે માર્ગ અકસ્માતોની ઘટના રોજિંદી બની ગઇ છે, જેમાં રમત ગમત સંકુલમાં મિત્રો સાથે ક્રિકેટ રમીને બહાર નિકળેલા યુવાનને ઇનોવા કારના ચાલકે અડફેટે લેતાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મેઘપર બોરીચી આતે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 33 વર્ષીય કરણ હરેશભાઇ પહેલાજાની તા.1/8 ના સવારે રમત ગમત સંકુલમાં મિત્રો સાથે ક્રિકેટ રમીને મેદાનના પાછળના ભાગેથી પોતાના ટુ-વ્હિલર પર ઘરે પરત જવા નિકળ્યા ત્યારે જ પૂરપાટ આવેલી ઇનોવા કારના ચાલકે તેમને અડફેટે લેતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. પાછળ આવી રહેલા તેમના મિત્રો વિપુલ તેજવાણી અને મોહિત રામદાલે તેમને જે કાર સાથે અકસ્માત થયો તે જ કારમાં રામબાગ હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમને કમરના ભાગે ફ્રેક્ચર અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓ સારવારમાં હોવાને કારણે આ ફરિયાદ મોડી દાખલ કરાવી હોવાનું જણાવ્યું હતું. આ અકસ્માતની ઘટના નજરે જોનાર લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલક કીશોર વયનો હોવાનું જણાવ્યું હતું. જો ખરેખર એવું હોય તો કાયદો બનાવાયો છે કે જો કીશોર વયના વાહન ચાલક અકસ્માત સર્જે તો તેમને વાહન આપનાર તેના વાલીને સજા કરવી, હાલ આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા કમાનાર એક યુવાનના પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. પોલીસે ઇનોવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મીઠીરોહર પાસે ટ્રેઇલર ટેન્કરમાં અથડાતાં સીપીયુ તેલ ઢોળાયું
મીઠીરોહર પાસે આવેલા તુલસી પેટ્રોલ પમ્પ પાસે તા.1/9 ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ પૂરપાટ આવેલા કન્ટેનર ટ્રેઇલર ચાલકે ટેન્કરમાં ધડાકાભેર પોતાનું વાહન અથડાવી દેતાં ટેન્કરમાં ભરેલું સીપીયુ તેલ ઢોળાયું હતુ. અકસ્માત સર્જી પોતાનું ટ્રેઇલર મુકી નાસી જનાર ચાલક વિરૂધ્ધ ટેન્કર ચાલક અબ્દુલ મુતાલીબ મકબુલમીંયા સૈયદે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
અંજાર GIDCમાં બાઈક ચાલક યુવાનનો હાથ કચડી ટ્રક ચાલક નાસી ગયો

અંજારની GIDC પાસે બાઈક ચાલક યુવાનનો હાથ કચડી ટ્રક ચાલક નાસી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી કેમ્પ એરિયા, ભુજમાં રહેતા મનજીભાઈ ભાણજીભાઈ ભીલની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીનો 22 વર્ષીય ભત્રીજો રાજેશ પોપટભાઈ ભીલ (રહે. કેમ્પ એરિયા, ભુજ) તા. 31/8ના બપોરે પોતાના સસરાના ઘરેથી જમી ભુજ આવવા નીકળ્યો હતો. ત્યારે અંજાર GIDC પાસેની રેલ્વે ક્રોસિંગ વાળી ગોલાઈ પાસે પહોંચતા એક ટ્રકના ચાલકે તેને પાછળથી ટક્કર મારી ખભાથી કાંડા સુધીના જમણા હાથ પર ટ્રકનું ટાયર ફેરવી કચડી નાખી ત્યાંથી નાસી ગયો હતો. જેથી ફરિયાદીને ભત્રીજાને પ્રથમ અંજાર બાદ ભુજ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...