અભિયાન:મુખ્ય માર્ગ પરની વર્ષો જુની ખંડિત મૂર્તિ, મલબા હટાવાયા,ટાગોર રોડની સુંદરતા માટે બીડું ઝડપી શરૂ કરાઇ કવાયત

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોડની બન્ને સાઇડ વૃક્ષારોપણ કરવાનું પણ અભિયાન : દબાણ હટે તો ઘણી સમસ્યાઓ હલ થશે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રવેશવાના મહત્વના રોડ પૈકી ટાગોર રોડ પર બ્યૂટિફિકેશનની કામગીરી શરૂ કરવાના હેતુથી તબક્કાવાર પગલાં ભરવાની કામગીરી હાથ ધરી છે. આજે રોડની સાઇડ પર વર્ષોથી પડી રહેલી ખંડિત મૂર્તિઓ અને મલબા હટાવવા મૂર્હત કાઢવામાં આવ્યું હતું. આ કામગીરી નિહાળવા લોકો એકત્ર પણ થયા હતા. જો કે, પાલિકાની આ કામગીરીની સાથે સાથે માર્ગ અને મકાન વિભાગ સાથે બેઠક યોજીને અગાઉ જે રીતે દબાણો હટાવવામા઼ આવ્યા હતા તે રીતે મોટાપાયે ઓપરેશન કરવામાં આવે તો ટાગોર રોડ પર થતી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો પણ થશે તેવો આશાવાદ લોકો રાખી રહ્યા છે.

કંડલાથી ગાંધીધામ હાઇવેના વચ્ચે પસાર થતા ડીપીટી ઓફિસથી આગળના રસ્તાથી આદિપુર સુધી વિસ્તરેલા ટાગોર રોડ પર અનેક વિધ સમસ્યાઓનો અજગરી ભરડો લેવામાં આવ્યો છે. અગાઉ ખખડધજ બનેલા રોડને અંદાજે 9 કરોડના ખર્ચે હાલ નવિનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ સારા રોડને લઇને કેઠલાક વાહન ચાલકો બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોના જાનમાલ માટે જોખમરૂપ બની રહ્યા છે. દરમિયાન પાલિકાને આપવામાં આવેલી સૂચનાના પગલે મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાની સૂચનાથી દબાણ શાખાએ આજે ટાગોર રોડ ઉપર પડેલી દેવી-દેવતાઓની ખંડિત મૂર્તીઓ અને મલબો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સૂત્રોના દાવા મુજબ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત નાળાઓ ઉપર તેમજ રોડની સાઇડ પર આડેધડ ઉગેલા બાવળને પણ દૂર કરવામાં આવનાર છે.

પાલિકા,પોલિસ અને પીડબલ્યુડીનું સંકલન થવું જોઇએ
ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર સર્વિસ રોડ બિસ્માર બની ગયો છે. રોડની મરમ્મત માટે અવાર નવાર રજુઆતો પણ કરવામાં આવી છે. પરંતુ પરિણામ આવ્યું નથી. બન્ને બાજુના સર્વિસ રોડની હાલત ખરાબ હોવાથી ફરજિયાત પણે આ રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકો અકસ્માતને નોતરૂં આતે તેવી સ્થિતિનું નિર્માણ પણ કરતા હોય છે. નવા વર્ષે લોકોને પીડબલ્યુડી ટનાટન રસ્તાની ભેટ આપે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.

દરમિયાન આ રોડ ઉપર પાલિકા, પોલિસ અને પીડબલ્યુડી વચ્ચે સંકલન સાધી જિલ્લા કલેક્ટર દ્વારા ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે જરૂરી પગલા ભરવાની પણ જરૂર છે. આ બાબતે તાકિદે કામગીરી કરવામાં આવે તે માટે નેતાઓએ પણ દબાણ લાવે તે સમયની માંગ છે. તબક્કાવાર પગલાં ભરીને પ્રવેશદ્વાર સમા રોડ ઉપર લોકોને સારી સુવિધાઓ મળે તે માટે તંત્ર કટિબધ્ધ બને.

અન્ય સમાચારો પણ છે...