દિન દયાળ પોર્ટની બોર્ડ મીટિંગ આગામી તારીખ 16મી મેના રોજ બોલાવવામાં આવી છે. જેમાં વાડીનારમાં ચલાવવામાં આવી રહેલ હોસ્પિટલને ખાનગીકરણની પ્રક્રિયામાં આગળ ધકેલી કે કેમ તે સહિતના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. એક બાજુ યુનિયનો દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં મહત્વની સુવિધાઓનું ખાનગીકરણ પાછલા બારણે કરવામા આવી રહ્યું છે તે પ્રત્યે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડીપીટીની 16 તારીખના બોલાવવામાં આવનાર બોર્ડ મિટિંગમાં ફરી એક વખત ટગ ભાડે આપવા સહિતના વિવાદાસ્પદ નિર્ણય મુકવામાં આવ્યાના સંકેત મળી રહ્યા છે.અગાઉ ટગભાડે રાખવાના મુદ્દે એચએમએસે વિરોધ કર્યો હતો. લેબર ટ્રસ્ટી દ્વારા કરાયેલા વિરોધ પછી પણ હજુ આ પ્રક્રિયા આગળ વધી રહી હોય તેમ જણાય છે.અન્ય દરખાસ્તોમાં વાડીનારની જે હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે તેનું ખાનગીકરણ કરવા પણ આગળ વધાય તેમ જણાય છે. ઉપરાંત કંડલામાં જે રહેણાંક વિસ્તારો છે તે રહેવા લાયક ન હોવા છતાં ભય વચ્ચે રહેતા હોવાથી જોખમ પણ વધી રહ્યું છે .
અગાઉ આ મુદ્દે ફરિયાદો પણ થઇ છે અને રહેવાલાયક બિલ્ડીંગનો નિકાલ કેમ લાવવામાં આવતો નથી તેવો પ્રશ્ન પણ કર્મચારીઓએ ઉઠાવ્યો હતો જે અંગે પણ મહત્વની દરખાસ્ત મુકાઇ છે. અન્ય મહત્વની દરખાસ્તોમાં તુણાના કન્ટેનર ટર્મિનલ અને કાર્ગો મલ્ટીપર્પઝ જેટી નિર્માણની યોજના અંગે નીતિ આયોગ દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નોની ચર્ચા કરી સુધારા વધારા કરવા ચિંતન કરવામાં આવે તેવી શક્યતા છે. નવ નંબરની જેટીના રીપેરીંગ કરવા માટે આવેલી બાબતને ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવશે તેમ જણાય છે.
મીઠાની જમીનના બજારભાવ હતા કે તેમાં 2020 થી 2025 માટે સુધારા કરવા પણ નક્કી કરાયું હોય તે અંગે પણ મહત્વનો નિર્ણય લેવાય તેવી વકી છે. ઉપરાંત ગાંધીધામ ટાઉનશીપના પ્લોટના મુદ્દે પણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બોર્ડ મિટિંગમાં 30થી વધુ દરખાસ્તો ઉપર મંજૂરીની મોહર લગાવાશે હજુ અન્ય ખાસ વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.