પ્રમુખની ચેમ્બરમાં ટોળાનો હલ્લો:પાણી ન મળતાં રહીશોએ થાળી વગાડી પાલિકાને ઢંઢોળી, નગરપાલિકાના શાસન સામે ફરી એક વખત ઉભા થયેલા પ્રશ્નો

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખુદ ભાજપના નગરસેવકોએ પાલિકાની નીતિ પર માછલાં ધોયા
  • આદિપુરની પરિસ્થિતિ વધુ વિકટ બની

ગાંધીધામ નગરપાલિકા ની અણ આવડતનો ભોગ શહેરનાં લોકો બની રહ્યા છે. નર્મદાનું પાણી ન આવતા ઊભી થયેલી સ્થિતિમાં વોર્ડ નંબર 1, 2 અને 10ના રહીશોના ટોળાએ પાલિકા કચેરી ગજવી હતી.પાલિકાના વહીવટદારોના ગેર વહીવટને કારણે ઊભી થયેલી સ્થિતિમાં લોકોને પાણી પહોંચાડવામાં નઆવતા લોકોના ટોળા ભર ચોમાસે પણ પાલિકા કચેરીમાં દોડી આવ્યા હતા.

પાલિકા પ્રમુખની ચેમ્બરમાં રજૂઆત કરવામાં આવ્યા પછી ચિંતન બેઠક યોજીને વાતોના વડા કરી સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે બાબતે ગંભીરતા દાખવવી જોઈએ તે પણ રાખવામાં આવી હોય ન તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સાંજના સમયે પણ આદિપુરના વોર્ડ નંબર 1 ના વધુ એક ટોળાએ હલ્લાબોલ કરી થાળી વગાડીને તેના વિસ્તારમાં પાંચ પાંચ મહિનાથી પાણીની સમસ્યા વકરી રહી છે તેનો ઉકેલ લાવવા પાલિકાને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. ચિફ ઓફિસરની ચેમ્બરમાં આક્રોશ સાથે લોકોએ પાણી મળતું ન હોવાની ફરિયાદ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.

ચિફ ઓફિસર દર્શનસિંહ ચાવડા અને કારોબારીના ચેરમેન પુનિત દુધરેજીયાએ સમસ્યાનો હલ લાવવાની ખાતરી આપી હતી. નગરપાલિકા ને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું હોવા છતાં કોઈને કોઈ કારણોસર પાલિકા લોકોને પાણી પૂરું પાડવા માટે નિષ્ફળ જઇ રહી છે .આજે ગઈકાલે ખોરવાયેલા પાણીના શિડ્યુલમાં વધારો થયો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં પાણી વિતરણનો વારો હતો ત્યાં ચારથી પાંચ કલાક કેટલાક વિસ્તારોમાં પાણી નિયત સમય કરતાં મોડુ પહોંચ્યું હતું .કેટલાક વિસ્તારોમાં પાણી પુરતુ મળ્યું ન હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

જે તે સમયે પાણી ના આયોજન માટે વિચારણા કરવી જોઈએ તે કરવામાં ન આવતા હાલ લોકો તેનો ભોગ બની રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નર્મદાનું પાણી ગઈકાલે ઓછું આવતા પાણીના વિતરણ વ્યવસ્થાની કામગીરીમાં અડચણ આવી હતી. કેટલાક વિસ્તારોમાં જ્યાં પાણી વિતરણ નો વારો હતો ત્યાં પાણી પુરતા પ્રમાણમાં આપવું જોઇએ તેને બદલે કાપ આપવાની નોબત આવી હતી. જયારે કેટલાક વિસ્તારો ને સાચવી લેવા માં આવ્યા હોય તેવી સ્થિતિ પણ ઉભી થઈ હતી.

જોકે ગાંધીધામમાં તો તો પણ પાણીમાં બહુ મોટી ફરિયાદ ઉઠી ન હતી ,પરંતુ આદિપુર તેની વ્યાપક અસર પડી હતી. ભાજપના નગરસેવકોએ આ વિસ્તારમાં પાણી મળતું ન હોવાના મુદ્દે આજે ફરી એક વખત આક્રોશ વ્યક્ત કર્યો હતો. ‌દરમિયાન આદિપુરના વિસ્તારના લોકોના ટોળાઓ એ આવીને પાલિકા કચેરી ને માથે લેવાનો પ્રયત્ન કર્યો હતો. એકથી દોઢ કલાક સુધી લોકોના ટોળાઓ એ ઉગ્ર રજૂઆતો નો મારો ચલાવીને નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો .

પાલિકા પ્રમુખ ઈશિતા ટિલવાણીની ચેમ્બરમાં પાણીનો પ્રશ્ન કેવી રીતે હલ કરવો તે બાબતે વિચારણાઓ કરવામાં આવી હતી .જે તે વિસ્તારમાંથી આવેલા લોકોએ પણ પ્રમુખની ચેમ્બરમાં ધસી જઈને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

આ તબક્કે પાલિકા ની કારોબારીના ચેરમેન પુનિત દુધરેજીયા,હતા પક્ષના નેતા વિજયસિંહ જાડેજા, નગરસેવકો ભરત પ્રજાપતિ, મહેશ ગઢવી,લીના ધારક, રાજુભાઈ ધારક તથા પાણી સમિતિ ના ચેરમેન સંજય ગર્ગ અન્ય આગેવાનો અને રહીશોએ ચર્ચા વિચારણા કરી હતી . પાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા પણ જોડાયા હતા .જે તે વિસ્તારના વાલમેન ને બોલાવીને પણ સૂચનાઓ આપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

પાલિકાના શાસનમાં ગાંધીધામ સાથેનું સંતુલન ખોરવાતાં આદિપુરને અન્યાયની બૂમ
નગરપાલિકાની વર્તમાન બોડીમાં આદિપુર નું કદ પ્રમાણે વજન ઘટાડી દેવાની નીતિ અપનાવીને ભાજપે મહત્વની કોઈ કહી શકાય તેવી સત્તા આપી નથી. અગાઉ ગાંધીધામ અને આદિપુરમાં વચ્ચે સંતુલન સાધી ને હોદ્દાની વહેચણીમાં કોઈ અન્યાય ન થાય તે માટે પગલાં ભરવામાં આવતા હતા. પરંતુ આ વખતે આદિપુર નો કાંકરો કાઢી નાખવામાં આવ્યો છે તેમ કહી શકાય. એક માત્ર સત્તા પક્ષના નેતાનું પદ સમ ખાવા પુરતું આદિપુરને આપવામાં આવ્યું છે . બીજી તરફ એક જ વોર્ડમાંથી પાલિકાના પ્રમુખ ઈશિતા ટિલવાણી અને ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરની પસંદગી કરી ભાજપનાં મોવડી મંડળે અપનાવેલી નીતિ સામે જે તે સમયે ભાજપમાં અસંતોષ જોવા મળ્યો હતો.આદિપુરનું વજન ન હોવાથી તેને અન્યાય કરવામાં આવી રહ્યાની ફરિયાદ પણ વધી રહી છે. ખુદ ભાજપના નગર સેવકો દ્વારા અવાર નવાર પાણીના મુદ્દે ફરિયાદ કરવામાં આવ્યા છતાં પાલિકાના પદાધિકારીઓ કાંઇ ઉકાળી શક્યા નથી તેમ કહી શકાય. જે તે સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવા જોઇએ તે પણ પાછળથી વિલંબથી લેવામાં આવતા જે તે નગરસેવકોને તેના વિસ્તારમાં લોકોને મોઢું બતાવવું ભારે પડી રહ્યું છે.શરમથી માથું ઝુકાવીને નગરસેવકોને તેના વિસ્તારમાં નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક લાખથી વધુ વસ્તી ધરાવતા આદિપુરમાં જે રીતે ભાજપે મત લીધા તેની સરખામણીમાં હોદા આપવા જોઈએ તેમાં કચાસ રાખી હોય તેમ જણાય છે.જેને લઈને પણભાજપના એક જુથમાં રોષ જોવા મળે છે.

પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે નગર સેવકોની બેઠક યોજાઇ
સામાન્ય રીતે જે-તે સમસ્યાઓનો ઉકેલ લાવવા પદાધિકારીઓએ સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવા અથવા ટેલિફોનિક વાતચીત કરવામાં આવતી હોય છે. અહીં પદાધિકારીઓને બદલે વોર્ડ ન઼બર – 1 અને 2 ના નગરસેવકો પર જવાબદારી નાખી દીધી હોવાથી આ નગરસેવકોની આમ તો જવાબદારી ન હોવા છતાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને મળી આદિપુરને જ્યાંથી પાણી અપાય છે ત્યાં યોગ્ય વ્યવસ્થા કરવા માટે માગણી કરવામાં આવી હોવાના સંકેત પણ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...