ઠંડી સામે રક્ષણ:ગાંધીધામમાં ઠંડીના ચમકારાથી ગરમ વસ્ત્રોની બજારમાં તેજી

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિબેટીયન પરિવારોએ દિવાળી પહેલા જ ધામા નાખ્યા હતા

ગાંધીધામ-આદિપુરમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. સાંજ પછી જોરદાર પવન પણ ફુંકાઇ રહ્યો છે. ઠંડીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રોની માંગમાં વધારો થઇ રહ્યો છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે મામલતદાર કચેરી પાસે તિબેટીયન પરીવારોને ગરમ વસ્ત્રોના વેચાણ માટે અપાતી જગ્યામાં દિવાળી પહેલા જ આ પરીવારો આવીને ગરમ વસ્ત્રોનું વેચાણ શરૂ કરી દીધું છે. બે દિવસથી આ સ્થળ પર ગરમ કપડાનો ઉપાડ વધ્યો હોવાનું અનુમાન છે અને જેને લઇને વેપારીઓના ચહેરા પર રોનક પણ જોવા મળી રહી છે. જ્યારે શહેરના અન્ય મુખ્ય બજારની ગરમ કપડાંની દુકાનો ઉપરાંત ધાબળા સહિતના વેચાણ છૂટક રીતે કરતા લોકોને પણ ગરમ વસ્ત્રોની ખરીદીનો દોર શરૂ થતાં રાહત થઇ રહી છે.

શહેરમાં એક બાજુ છેલ્લા કેટલાય સમયથી ચિકનગુનીયા, ડેન્ગ્યુ સહિતની બિમારીના વાવડ વધી રહ્યા છે. આ બિમારીને કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા પણ જોવા મળી રહ્યા છે. તેમાં દિવાળી પછી થોડોક સુધારો પણ થયો છે. પરંતુ દવાખાનાઓમાં દર્દીઓની ભીડ હજુ હળવી થતી નથી જોવા મળતી. બેવડી ઋતુના સમયને કારણે લોકો વધુ માંદગીમાં સપડાયા હતા. દરમિયાન હવે ઠંડીનો ચમકારો પણ શરૂ થતાં શરદી, તાવ સહિતની બિમારી માથું ઉચકે તેવી શક્યતા છે. ગરમ કપડાંથી શરીરનું રક્ષણ કરવા લોકો પ્રવૃત બની રહ્યા છે.

જંતુનાશક દવાનો છંટકાવ જરૂરી
શહેરના જુદા જુદા વિસ્તારમાં હજુ પણ બિમારીના વાવડ જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સાથે ફોગીંગની કામગીરી પણ વધુ વેગવાન બનાવવાની જરૂર છે. મચ્છરજન્ય રોગને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યોગ્ય રીતે સફાઇની સાથે સાથે જરૂર પડે તો બે કે ત્રણ વખત જે તે વિસ્તારોોમાં ફોગીંગની કાર્યવાહી થાય તે માટે પાલિકાએ કમર કસવી જોઇએ. પાલિકા દ્વારા આ બાબતે યુદ્ધના ધોરણે પગલા ભરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...