વેરા વસુલાત કામગીરી:વેરા માફી યોજનાની દેખાતી અસર, 2 દિવસમાં 23 લાખની આવક થઇ

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાલિકામાં યોજના લાગુ પડ્યાના પહેલાજ દિવસે બન્ને સેન્ટર થઈને 21 લાખની વસુલાત
  • ઓછા દિવસોને ધ્યાને રાખીને રવિવારે પણ કામ ચાલુ રાખ્યું, પણ ઈન્ટરનેટ ખોરવાયેલુ રહેતા કામકાજ બાધિત

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વિશેષ સભા યોજીને રાજ્ય સરકારની વેરા વ્યાજ, પેનલ્ટી માફી યોજનાનું અમલીકરણ શનિવારથી કરાયું હતુ, લાગુ કર્યા ના બે દિવસમાં 23 લાખની આવક થઈ હતી. યોજના 31મી માર્ચ સુધીનીજ હોવાથી રવિવારે પણ કામ ચાલુ રખાયું હતું,પરંતુ ટેક્નીકલ કારણોસર તેમા બાધા આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા ‘આઝાકીના અમૃત મહોત્સવ’ અંતર્ગત નગરપાલિકાઓમાં જુના લેણાંની રિકવરીને બળ મળે અને જુના હિસાબ કિતાબ પુર્ણવીરામ તરફ આગળ વધે તે ઉદ્દેશ્યથી વેરા વસુલાત માફી યોજનાની જાહેરાત કરાઈ હતી. જેમાં જુના જેટલા પણ વર્ષોના વેરાઓ બાકી હોય અને તેના પર વ્યાજ, પેનલ્ટી ચડી ચુકી હોય, તે તમામ માફ કરી દેવાશે અને માત્ર મુખ્ય મુદલજ જમા કરાવવાની રહેશે. જેના ઠરાવને નગરપાલિકાએ વિશેષ સત્ર બોલાવીને પારીત કર્યો હતો, જેને રાજકોટ નિયામકની મંજૂરી માટે મુકાયા બાદ ગત શુક્રવારે તેની મંજૂરી આવી જતા શનિવારથી ગાંધીધામ નગરપાલિકા દ્વારા લાગુ કરી દેવાયો હતો, જેની અવધી 31મી માર્ચ સુધીની નિશ્ચિત કરાઈ છે.

વસુલાતના પ્રથમ દિવસ શનિવારે ગાંધીધામ આદિપુરમાં કુલ મળીને 21 લાખની વેરા વસુલાત થઈ હતી. સામાન્ય સંજોગોમાં તે 5 લાખ પણ માંડ સ્પર્શતી હોય છે ત્યારે આને યોજનાને મળતા સારા પ્રતિસાદ તરીકે જોવામાં આવી રહ્યું છે. તો બીજા દિવસે એટલે કે રવિવારે પણ કામકાજ ચાલુ રખાયું હતું, પરંતુ તેમાં બીએસએનએલનું ઈન્ટરનેટ દિવસના મોટા ભાગના સમયગાળામાં બંધ રહેતા કામકાજ અટકી પડ્યું હતું, પરંતુ આ વચ્ચે પણ રવિવારે ગાંધીધામમાં 50 હજાર જેટલું તો આદિપુરમાં દોઢ લાખ જેટલી વસુલાત થઈ હતી. આમ માત્ર બે દિવસમાં ગાંધીધામ નગરપાલિકામાં નવી યોજના લાગુ કર્યા બાદ 23 લાખની વસુલાત કરાઈ હતી.

યોજનાથી માટે ઉત્સાહ ખરો, પણ અપેક્ષા અનુસાર ખરેખર પ્રતિસાદ છે?
ગાંધીધામ નગરપાલિકા કેમ્પસમાં વેરા વસુલાત માટે લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા સાથે તેમની સગવડ માટે મંડપ, પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આવકમાં વધારો જરૂર થયો છે પણ ઉભા કરેલી વ્યવસ્થા બે દિવસ સુધી ખાલીખમ જોવા મળી હતી. જોકે નાગરિકોનો અચાનક વધુ પ્રમાણમાં ધસારો થાય તો તેમને પરેશાન ન થવું પડે તે માટે ઉભી કરાયેલી વ્યવસ્થાને પણ આવકારદાયક હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...