ગ્રામ પંચાયત ચૂંટણી:ગામના મુખી, સભ્યો માટે આજે મતદાન, 25 હજારથી વધુ મતદારો માટે મતદાનની પ્રક્રિયા માટે લેવાયા પગલા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચનું ગુલાબી, વોર્ડ સભ્ય માટે સફેદ રંગનું બેલેટ પેપર
  • 6 સરપંચ માટે 22 મુરતીયા મેદાને , વોર્ડ સભ્યો માટે પણ ભાવિ મતપેટીમાં સીલ થશે
  • મૈત્રી સ્કૂલના​​​​​​​ મેદાનમાંથી 200થી વધુ કર્મીઓને સંબંધિત સ્થળો પર રવાના કરવામાં આવ્યા

ગાંધીધામ તાલુકાની 6 ગ્રામ પંચાયતોની તા.19ના યોજાનાર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. આજે મૈત્રી સ્કૂલના મેદાનમાંથી જે તે બુથ પર રવાના કરવામાં આવેલા પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના કર્મચારીઓ તેમને ફાળવેલા બુથ પર પહોંચી ગયા હતા. રવિવારે બેલેટ પેપરથી યોજાનાર મતદાનની પ્રક્રિયામાં સરપંચ માટે ગુલાબી અને વોર્ડ સભ્ય માટે સફેદ રંગના બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. 6 ગામના મુખી માટે 22 મુરતીયાઓ અને વોર્ડ સભ્યની બેઠકો માટે મત પેટીમાં 25 હજારથી વધુ મતદારો તેનું ભાવિ મતપેટીમાં સીલ કરશે.

ગાંધીધામ તાલુકાની સાત ગ્રામ પંચાયતો પૈકી ગળપાદરની પંચાયત સમરસ બન્યા પછી બાકીની 6 ગ્રામ પંચાયતોમાં 25 હજારથી વધુ મતદારો માટે મતદાનની પ્રક્રિયા આવતી કાલે હાથ ધરાનાર છે. 42 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જેમાં ચૂંટણીના સ્ટાફની સેવા લેવામાં આવનાર છે. તેને આજે મૈત્રી સ્કૂલથી સવારના સમયે જ રવાના કરી દીધા હતા અને કેટલાક બુથ પર તો આ કર્મચારીઓ પહોંચી પણ ગયા હતા.

મતદાનની પ્રક્રિયાને અનુલક્ષીને ચૂંટણીલક્ષી સાહિત્ય લઇને એસટી બસમાં ઝોનલરૂટ રવાના કરવામાં આવ્યાની સાથે મામલતદાર મેહુલ ડાભાણી, નોડલ ઓફિસર દર્શનસિંહ ચાવડા, નાયબ મામલતદાર હરીશ જોશી વગેરે દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સંબંધિત બાબતો પર સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોમાં પૂર્વ કચ્છના એસપી પાટીલે વિઝિટ લઇને જરૂરી સૂચનાઓ પણ ગઇ કાલે આપી હતી.

આચારસંહિતા ભંગની 2 ફરિયાદ
​​​​​​​જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ચૂંટણીમાં આમને સામને આક્ષેપબાજી કે ફરિયાદો કેટલીક વખત થતી હોય છે. પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પડદા પાછળ ભલે જે તે પક્ષનું બેનર કે સમર્થન હોય પરંતુ બેનર હેઠળ ચૂંટણી લડાતી નથી. તેને લઇને અને અન્ય કેટલીક બાબતોને ધ્યાનમાં લઇને ફરિયાદો ઓછી થતી હોય છે. ગામમાં સંપનું વાતાવરણ જળવાય તે સહિતના મુદ્દે પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની બે ફરિયાદો નોંધાઇ છે. જેમાં અંતરજાળના 2 ઉમેદવારોને આ બાબતે નોડલ ઓફિસર દર્શનસિંહ ચાવડા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

હંગામી કન્ટ્રોલરૂમ શરૂ કરાયો
ચૂંટણીને અનુલક્ષીને મામલતદાર ઓફિસર દ્વારા મૈત્રી સ્કૂલમાં હંગામી રીતે કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થામાં ફોન નં. 02836-299103 ફાળવવામાં આવ્યો છે. ફક્ત ચૂંટણી પુરતી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ક્રોસ વોટીંગની પણ સંભાવના
કેટલાક ગામોમાં પેનલ ટુ પેનલ મતદાન થાય તે માટે પગલા ભરવામાં આવ્યા છે પરંતુ આમ છતાં શેરીના રાજકારણ સમી આ ચૂંટણીમાં વ્યક્તિગત ઓળખાણ કે બાબતોને ધ્યાનમાં લઇને કેટલાક મતદારો મતદાનનો અભિગમ દાખવતા હોય છે. જેને લઇને પેનલ ટુ પેનલ મતદાનની જે તે ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યા છતાં ક્રોસ વોટીંગ કરવામાં આવતું હોય છે. આ વખતે પણ આવી ક્રોસ વોટીંગની સંભાવના નકારી શકાય તેમ નથી. જ્યારે બીજી બાજુ મોડે સુધી જ્ઞાતિ સમુહ કે જે તે ગામના વગદાર આગેવાનોને મનાવીને પોતાના તરફી મતદાન થાય તે માટે કેટલાક ઉમેદવારોએ મોડી રાત સુધી સંપર્કો ચાલું રાખ્યા હતા. વ્યુહરચનાના ભાગરૂપે ઠંડીના પગલે મતદાન પર અસર ન પડે તે માટે પણ વ્યવસ્થા કરીને વ્યવસ્થિત રીતે મતદાન થાય તે માટે કાર્યકરોની ફાળવણી પણ કરીને તેને જવાબદારી સોંપાઇ હોવાના સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...