શિપિંગ ઉદ્યોગમાં સંકટ:આસમાનને સ્પર્શતા વેસલ-કન્ટેનર ભાડાથી ટ્રેડ ડિસ્ટર્બ, નજીકના ભવિષ્યમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના ઓછી

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પહેલાની સરખામણીએ 400%નો જંગી ભાવ વધારો

દેશભરમાં સૌથી મોટા બે પોર્ટ કચ્છમાં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ અને મુંદ્રા અદાણી પોર્ટ આવેલા છે. શિપિંગ સબંધીત તમામ મહત્વપુર્ણ ફેરફારોની સીધી અસર અહીના વ્યવસાય, ઉધોગો અને જનજીવન પર પડે છે ત્યારે લાખો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ વ્યવસ્થા સાથે જોડાયેલા છે તેના પર કોરોના કાળનો ઓછાયો પડ્યા બાદ હજી પણ કળ વળતી ન હોય તેવો તાલ સર્જાયો છે. વેસલ અને કન્ટેનરોના ભાડા આસમાનને સ્પર્શી રહ્યા હોય એટલા વધી ગયા છે, જેના કારણે સર્વિસ પ્રોવાઈડર ક્ષેત્રમાં આવતા મોટા વર્ગની ચાલતી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે અને એકડો ફરી ઘુંટવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કંડલા અને મુંદ્રા પોર્ટથી હજારો કન્ટૅનરોનું વિશ્વભરથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે.

એક દાખલા તરીકે જોતા 2019માં એક કન્ટેનર ભાડુ જે 150 ડોલર હતું, તે આજે 500 ડોલર સુધી થઈ ગયું છે તો કેટલા ગંતવ્ય સ્થાનો માટે 2 થી 3 હજાર ડોલર સુધી આંકડો જઈ રહ્યો છે. વૈશ્વીક સ્તરે જોવા મળી રહેલી આ સ્થિતિની સીધી અસર હવે ગ્રાહક સુધી પહોંચી રહી છે, પ્રોડક્ટ અંતિમ ઉપભોક્તા સુધી પહોંચતા તેના અગાઉના કરતા ડબલ જેટલા ભાવમાં પડી રહી છે. તો કન્ટેનર, શીપની જરુરીયાત અને ખેંચના કારણે તેના લોડીંગ, પ્રોસેસમાં સીએચએ, સર્વેયર, ફોરવર્ડર જેવો સર્વિસ પ્રોવાઈડર વર્ગ પીસાઈ રહ્યો છે. તો કેરીયર વેસલ, કન્ટૅનર લાઈનોને બખ્ખા થઈ ગયા છે. આ ક્ષેત્રના જાણકાર વર્તુળોએ નજીકના ભવિષ્યમાં આ સ્થિતિ સામાન્ય થવાની સંભાવના હાલ તો ઓછી હોવાની જણાવી રહ્યા છે.

કંડલા, ગાંધીધામમાં કન્ટેનર નિર્માણ ટુંક સમયમાં શરૂ થશે
ગાંધીધામના પોર્ટ શીપીંગ અને લોજીસ્ટીક સાથે સંકળાયેલા ઉધોગપતિ આશીષ જોશી દ્વારા આ અંગે સરકાર સાથે ગત વર્ષે કન્ટૅનર નિર્માણ ક્ષેત્રમાં કાર્ય શરૂ કરવાના એમઓયુ હસ્તાક્ષર કરાયા હતા. ટુંક સમયમાં અહિ પણ કન્ટેનર નિર્માણ શરૂ થશે તેમ માલારા ગૃપના સુત્રોએ જણાવ્યું હતું.

આવી પરિસ્થિતિ કેમ થઇ ? જાણો સંભવિત મુખ્ય કારણો

  • કોરોના કાળમાં માલની માંગ ઘટી, જેથી કન્ટૅનર મુવમેન્ટ અટકી અને કેટલાક દેશોમાં તેનું ડમ્પીંગ ચાલું થયું. ચીનએ પણ તેના વિરોધનો જવાબ આપવા કન્ટૅનર ડમ્પીંગ કર્યાની ચર્ચા છે, જેથી કન્ટેનર રોલ આઉટ ન થતા લીક્વીડીટી ખોરવાઈ.
  • માંગ ઘટતા સારી કક્ષાના વેસલ પણ બ્રેકિંગ તરફ ધસતા જહાજોની સંખ્યા ઘટી, કોરોના કાળ બાદ એકાએક માંગ વધી ત્યારે વેસલ ઓછા થઈ ચુક્યા હતા. જેથી માંગ સામે સપ્લાય ઘટતા ભાવો વધ્યા.
  • મહામારી બાદ માર્કેટ ખુલતા કેરીયર કંપનીઓએ મનસ્વી વલણ દાખવીને ભાવો વધારતા રહ્યા, ઈજારાશાહીનો પ્રયાસ કર્યો. સરકારનો આના પર કોઇ સીધુ નિયંત્રણ ન હોવાનો લાભ પણ ઉઠાવ્યો.
  • મોટા પાયે બલ્ક કાર્ગો આયાત નિકાસ કરતો વર્ગ કાર્ગો ઘટતા કન્ટૅનર તરફ વળ્યો, જેથી કન્ટૅનરની માંગમાં અગાઉથી વધેલા ભાવોમાં વધુ પ્રભાવ પડ્યો
અન્ય સમાચારો પણ છે...