ઘરની ધોરાજી:મંજુરી ન હોય તેવા કામો પર હવે રોક લાગશે

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ વગર કેટલાક કામો શરૂ કરાવ્યા હતા : ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન વગેરેની બેઠકમાં લેવાયો નિર્ણય
  • પાલિકાની બારોબારી પદ્ધતિ બાદ જે તે કામોમાં સક્ષમ ઓથોરિટી લીલીઝંડી આપે તો જ આગળ વધાશે

ગાંધીધામ નગરપાલિકામાં કેટલાક કિસ્સામાં બારોબારી પદ્ધતિ અજમાવીને જે તે કામની જરૂરીયાત ન હોવા છતાં મંજુરી આપી દેવામાં આવતી હતી અને બારોબાર કામ થઇ પણ જતા હતા. દરમિયાન આ બારોબારી પદ્ધતિની સિસ્ટમ બંધ કરીને ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સત્તાપક્ષના નેતાએ એન્જિનિયરો તથા થર્ડ પાર્ટી સાથે યોજેલી બેઠકમાં મહત્વના નિર્દેશ આપીને જ્યાં સુધી આવ્ા કામોમાં મંજુરી આપવામાં ન આવે ત્યાં સુધી ન કરવા તાકીદ કરી હતી. હવે આ મુદ્દે કેટલી સફળતા મળે છે તે સમય આવ્યે ખ્યાલ આવશે. કારોબારી સમિતિના ચેરમેનને જાણ કરવાની રહેશે અને તેની મંજુરી પછી જ આગળ વધવા જણાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

પાલિકાના વર્તૂળોમાંથી મળતિ માહિતી મુજબ અવારનવાર મુજબ વિકાસ કામને લઇને પ્રશ્નો ઉભા થતા હોય છે. જે તે વિસ્તારમાં થતા કામોમાં કેટલીક વખત કોઇ નગરસેવક કે અન્યની ભલામણને લઇને મંજુરી ન હોવા છતાં પછી આપશે તેમ કહીને કામ કરાવી લેવામાં આવે છે. જોકે, અતિ આવશ્યક હોય તેવા કિસ્સામાં આ બાબતે છૂટછાટ આપવી જોઇએ તે યોગ્ય છે. પરંતુ કેટલીક વખત પાછલા બારણેથી આવી રીતે કામ કરાવીને કેટલાકને ઘી કેળા કરાવવાની વૃતિ પણ દાખવવામાં આવતી હોવાનો ચણભણાટ અવારનવાર ઉઠે છે.

ભાજપના જ કેટલાક નગરસેવકો દ્વારા તેમના વિસ્તારમાં કામ થતા નથી તેવો કકળાટ આ આઠ મહિનાથી કરી રહ્યા છે. જુદા જુદા વોર્ડમાં આવી સ્થિતિ ઉભી થતી હોય છે. જેને લઇને વિકાસનું સંતુલન ખોરવાઇ જાય તેવી સ્થિતિ પણ ઉભી થતી હોય છે. કેટલાક વોર્ડમાં આડેધડ કામો લઇ લેવામાં આવે છે અને બાહુબલી હોય તેવા સભ્યોના વોર્ડમાં કામો વધારે થતા હોવાનો ચણભણાટ પણ ઉઠતો હોય છે. દરમિયાન તાજેતરમાં ઉપપ્રમુખ બળવંત ઠક્કરની ચેમ્બરમાં કારોબારી સમિતિ ચેરમેન પુનીત દુધરેજીયા, પક્ષના નેતા વિજયસિંહ જાડેજાએ પાલિકાના એન્જિનિયર અને થર્ડ પાર્ટીની એજન્સીને બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી.

તંત્ર સેન્ડવીચ ન બને તે જોવું પડશે
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ભાજપમાં જે રીતે પક્ષની છબી ખરડાય તેવા કેટલાક કામો કે કાર્યક્રમો થયા છે જેને લઇને જિલ્લાનું મોવડી મંડળ પણ આક્રમક મુડમાં હોય તેવું જણાય છે. ગોડ ફાધરોના ઇશારે મહત્વની બાબતોમાં અને લોકોના સુખ સુવિધાના કામો વધુ થાય તે દિશામાં આગળ વધવા તૈયારી કરવામાં આવી રહી છે. બે જૂથ વચ્ચેની લડાઇ અને સંઘર્ષને લઇને વહીવટી તંત્રને ખો ન નિકળે તે પણ જોવું પડશે.

કીપોસ્ટ સમાન ઇજનેર વિભાગ નબળો
ભાજપના એક વર્તૂળો એવો પણ ચણભણાટ કરી રહ્યા છે કે કેટલાક કિસ્સામાં પાલિકાનો ઇજનેર વિભાગ નબળો પડી રહ્યો છે. અનુભવનું ભાથું ઓછું હોવાની સાથે સાથે અગાઉની બોડી દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તેને લઇને પણ કર્મચારીઓમાં અસંતોષ હોય તેવું જણાઇ રહ્યું છે. આવા સંજોગોમાં ઇજનેર વિભાગને વધુ સમક્ષ બનાવવાની સાથે સાથે તેને કેટલાક કિસ્સામાં વિશ્વાસમાં રાખીને આગળ વધી લોકોના કામો વ્યવસ્થિત રીતે સમયસર પૂર્ણ થાય તે દિશામાં પાલિકાના પદાધિકારીઓએ આગળ વધવું પડશે.

Bતોતિંગ બહૂમતિ આપીને 47 જેટલી વિક્રમસર્જક કહી શકાય તેવી બેઠકો મેળવીને ફરી એક વખત ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા પરંતુ સત્તાપક્ષમાં જ કોઇનો કાબૂ ન હોવાને લઇને કેટલીક વખત અનેકવિધ પ્રશ્નો ઉભા થયા છે અને જેને લઇને ભાજપની પ્રતિષ્ઠા પણ કહેવાય છે કે દાવમાં લાગી હોય તેવું જણાઇ રહ્યું છે. અનેકવિધ ફરિયાદો સંબંધિત બાબતો પ્રશ્ને ઉચ્ચકક્ષાએ કરવામાં આવ્યા છતાં મગનું નામ મરી પાડવા કે કોઇ પગલા ભરવામાં મોવડી મંડળ દ્વારા તૈયારી કરવામાં આવી હોય તેવું જણાતું નથી. જેને લઇને કેટલીક વખત છૂટો દોર પણ કેટલાક લોકોને મળતો હોય તેવો તાલ સર્જાય છે. જેથી શહેરના વિકાસની સમતુલાને પણ અસર પડતી હોય તેવું ચિત્ર આકાર પામી રહ્યું હોય આ બાબતે પણ સંગઠનથી લઇને જિલ્લાના મોવડી મંડળ દ્વારા કંઇક પગલા ભરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...