તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્ટ્રાક્ટરની બેદરકારી:ગટર ચેમ્બરમાં બે કામદારે ગૂંગળાઇને જીવ ગુમાવ્યો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપની સામે સેફ્ટીના સવાલો અનેકવાર ઉઠ્યા છતાં જીવલેણ ઘટનાથી આક્રોશ
  • વેલ્સ્પન કંપનીને સુધરાઇએ આપેલા ગંદા પાણીના પ્રોજેક્ટના મથકે કોન્ટ્રાક્ટરની બેદકારી બહાર આવી

ગાંધીધામ બસ સ્ટેશન નજીક વેલ્સ્પન કંપનીના સુવેજ પી.એસ.વન પમ્પ સ્ટેશનમાં સફાઇ માટે ઉતરેલા એક યુપીના અને ભીમાસરના બે કામદારોના અંદર ગૂંગળાઇ જવાને કારણે મોત નિપજ્યા હોવાની કરૂણાંતિકાથી અરેરાટી ફેલાવાની સાથે આ ઘટનાથી આક્રોશ પણ જોવા મળ્યો હતો.

આ બાબતે જાણવા મળેલી વિગતો મુજબ સવારે 11 થી 12ના અરસામાં ગા઼ધીધામ બસ સ્ટેશન પાસે આવેલા વેલસ્પન કંપનીના પીએસ વન પમ્પ સ્ટેશનમાં ચેમ્બરની સફાઇ માટે અંદર ઉતરેલા યુપી ગૌંડાના 20 વર્ષીય ગુરૂનન્હે પ્રસાદ અને અંજાર ભીમાસર વરસામેડીના 30 વર્ષીય ચાવડા મુકેશભાઇ દયાભાઇ સફાઇ કાર્ય કરી રહ્યા હતા ત્યારે અંદર રહેલા ઝેરી ગેસથી ગૂંગળાઇ ગયા હતા જેમાં બન્ને જણાએ જીવ ગૂમાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પાલીકા, ઇઆરસી અને કંપનીની રેસ્ક્યુટીમ તથા 108 ઇમરજન્સી સેવાની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. પરંતુ બન્ને યુવાન કામદારના મૃતદેહ બહાર કઢાયા હતા. આ ઘટનાથી અરેરાટી ફેલાવાની સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો. જો કે આ ઘટના બન્યા બાદ બન્ને મૃતકોના મૃતદેહ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં જવાબદારો વિરૂધ્ધ ગુનો નોંધાય છે કે કેમ ? હાલ તો કમાનાર સ્વજન ગુમાવનાર પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. સદર બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ વેલસ્પન કંપની દ્વારા કોઇને પેટા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે જે ગૌતમભાઇ નામની વ્યક્તિ છે અને વેલસ્પન કંપનીના વર્તુળો આ બાબતે કોઇ ટિપ્પણી કરવા માગતા ન હોય કે અન્ય કારણોસર સંપર્ક કરવા છતાં થઇ શક્યો ન હોઇ કંપનીનું મંતવ્ય જાણી શકાયું નથી. આ ઘટનામાં સાંજ સુધી બી-ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરાઇ હતી. વધુ તપાસ પીએસઆઇ એન.આઇ.બારોટ ચલાવી રહ્યા છે.

સેફ્ટી વગર કામ કરતા નિર્દોષ કામદારોના મોત માટે કોણ જવાબદાર?
ગટરની ચેમ્બરમાં મેન્યુઅલી સફાઈ કરવા પર સરકારે ૧૯૯૩ થી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં કોઇને કોઇ કારણોસર અગાઉ ચેમ્બરની સફાઇના બહાને કામદારોને કોઇ પણ સેફ્ટીની જોગવાઇ વગર ચેમ્બરની સફાઇ માટે કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ઉતારવામાં આવતા હોય છે , તો કામદારો પણ મજબુરીને કારણે આ કામ કરતા હોય છે ત્યારે આવી ઘટના બને તો જવાબદાર કોણ ?

કંપની અને કોન્ટ્રાક્ટર સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવો જોઇએ
કોંગ્રેસના નગરસેવક સમીપ જોષીએ જણાવ્યું હતું કે, આ કરૂણ ઘટનામાં સાઅપરાધ વધનો ગુનો કંપની અને કોન્ટ્રાક્ટર વિરુધ્ધ દાખલ કરવો જોઇએ. નગરપાલિકાએ 35 વર્ષ માટે આપેલા આ સ્ટેશનમાં સલામતીના સાધનો સહિતની જે શરતો કંપની સાથે નક્કી થઇ છે તેનું કોન્ટ્રાક્ટરે પણ પાલન કરવું જ પડે. અહીં સલામતીના સાધનોનો અભાવ જણાય છે.

આ ઘટનામાં પાલિકાનો કોઇ રોલ નથી - પાલિકા પ્રમુખ
દુર્ઘટના સંદર્ભે ગાંધીધામ પાલિકા પ્રમુખ ઈશિતા ટીલવાણીએ જણાવ્યું કે, પાલિકાનો આ ઘટનામાં કોઇ રોલ નથી. પ્રોજેક્ટ વેલસ્પન કંપનીને આપી દેવાયો હતો જેથી સમગ્ર બાબત વેલસ્પનને લાગે વળગે છે.

અન્ય સમાચારો પણ છે...