માગણી ગ્રાહ્ય:બે હોસ્પિટલે ફાયર સેફ્ટીની સુવિધા માટે કામગીરી શરૂ કરી

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલોના સંચાલકોએ મુદ્દત વધારવા કરેલી માગણી ગ્રાહ્ય રખાઇ

રાજ્ય સરકાર દ્વારા અગાઉ સુરત અને રાજકોટમાં બનેલી ઘટનાના અનુસંધાને હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલો વગેરે સ્થળો પર ફાયર સેફ્ટીનીસુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો હતો. જે તે સમયે થયેલી કામગીરીમાં ગાંધીધામમાં બે હોસ્પિટલ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ ન કરાવાતા પાલિકાએ નોટિસ આપીને જો સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો ત્રણ દિવસની મહેતલ આપી સીલ મારવાની ચિમકી આપી હતી. સૂત્રોના દાવા મુજબ બેય હોસ્પિટલના સંચાલકો દ્વારા પાલિકામાં પત્ર પાઠવીને ફાયર સેફ્ટીની સુવિધા માટે સંબંધિત એજન્સીને કામ આપવાથી લઇને ટુંક સમયમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરાશે તેવી ખાતરી આપતા પાલિકાએ તેને ગ્રાહ્ય રાખી છે.

વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સુરત અને રાજકોટમાં લોકોના જીવ ગુમાવ્યાની નોબત આવી હતી. બનેલી આ કરૂણ ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરીને હોસ્પિટલ, શાળાઓ, શોપિંગ મોલ, જાહેર સ્થળો પર ફાયર સેફ્ટીની સુવિધા માટે સૂચના અને પરીપત્રો બહાર પાડવામાં આવ્યા હતા. આ બાબતે નગરપાલિકાએ પણ અગાઉ કામગીરી કરીને 22 જેટલી હોસ્પિટલો અળગ તારવી હતી. જેના સર્વેમાં સંબંધિત હોસ્પિટલોને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ જે તે હોસ્પિટલોએ કરી હતી. કોસ્મોપ્લાસ્ટ અને તપ હોસ્પિટલમાં આ સુવિધા ન હોવાને લઇને પાલિકાએ નોટિસ આપીને ત્રણ દિવસની મહેતલ આપી હતી. ત્યાર બાદ સંબંધિત સંચાલકો દ્વારા પાલિકામાં તેની હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થઇ જશે તે સહિતના મુદ્દે ખાતરી આપી હતી.

ભારતનગરની સ્કૂલે પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરી પાલિકાને જાણ કરી
ભારતનગરની શાળા દ્વારા નગરપાલિકામાં પત્ર પાઠવીને ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી હોવાનો ફોટોગ્રાફ સાથે દાવો કર્યો છે. આ બાબતે સૂત્રોના જણાવ્યા મુજબ જોકે હજુ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતે સૂચના આપવામાં આવી જોઇએ તે હજુ અપાઇ નથી. પરંતુ કેટલીક શાળાઓએ આ બાબતે તૈયારી શરૂ કરી દીધી છે. અને કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...