કાર્યવાહી:કારમાં મોંઘા શરાબની ડિલિવરી દેવા આવેલા બે 35 બોટલ સાથે ઝડપાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોહી. ના કેસમાં ઝડપાયેલા વ્યક્તિને સાથે રાખી પોલીસે છટકું ગોઠવ્યું
  • ​​​​​​​ગાંધીધામમાં 81 હજારના દારુના જથ્થા સાથે કાર, મોબાઈલ મળી કુલ 11 લાખનો મુદામાલ જપ્ત

ગાંધીધામમાં પોલીસે મોંઘી દારુની બોટલો સપ્લાય કરતા શખ્સને ઝડપવા છટકુ ગોઠવીને બે વ્યક્તિઓને દારુની 35 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. કુલ 81 હજારની કિંમતનો દારુ આ કાર્યવાહીમાં ઝડપાયો હતો. ગાંધીધામ એ ડિવિઝન મથકના પીઆઈ એમ.એમ. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે ગત રોજ પોલીસે રમત ગમત સંકુલમાં દારુનું વેંચાણ કરતા એક શખ્સને મોંઘી દારુની ચાર બોટલ સાથે ઝડપ્યો હતો. જેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો હોવાની પુછપરછ કરતા તેણે ભરત પરમાનંદ સુખવાણી પાસે થી મેળવ્યાનું જણાવ્યું હતું.

મુળ સુધી પહોંચવા માંગતી પોલીસે તેને બોલાવીને તેણે જથ્થો ક્યાંથી મેળવ્યાની પૃચ્છા કરતા અમિત ઝાનું નામ બહાર આવ્યું હતું અને ભરતે જો તે કહેશે તો દારુની બોટલો દેવા આવશે તેવી કેફીયત આપતા પોલીસે છટકુ ગોઠવીને ભરતને અમિતને બોલાવવા કહ્યું હતું. જેથી ક્રોમા ચાર રસ્તા પાસે તેને બોલાવતા કાળા કલરના કાચ વાળી કાર આવીને ઉભી રહી હતી, જે ફરી ત્યાંથી ચાલી ગઈ અને હોટલ શીવ ગ્રાન્ડ સામે આવવા ભરતને કહ્યું હતું. જેથી ત્યાં પહોંચતા કાર હોટલ સામેજ ઉભેલી જોવા મળી હતી,

જ્યાં પોલીસની ટીમોએ ધસી જઈને કારમાં રહેલા અમિત દિવાકર ઝા (ઉ.વ.38) (રહે. બાગેશ્રી, વરસામેડી) અને ધેવારામ ઓબાજી રબારી (ઉ.વ.38) (રહે. બ્રુસબેરન કંપની, ઝોન) ને ઝડપી પાડ્યા હતા. કારની ડીકી માંથી મોંઘી વિદેશી અલગ અલગ બ્રાન્ડની 35 દારુની બોટલ મળી આવી હતી.

જેની 81 હજાર કિંમત ગણી, કાર અને બે મોબાઈલ સહિત કુલ 10.99 લાખનો મુદામાલ કબ્જે કરીને બન્ને વિરુદ્ધ પ્રોહી. એક્ટ તળે ગુનો દાખલ કર્યો હતો. નોંધવું રહ્યું કે એક દિવસ અગાઉજ ટાગોર રોડ પર પણ પોલીસે કારમાંથી દારુનો મોટો જથ્થો ઝડપ્યો હતો. 31મી નજિક આવતા પ્યાસીઓ પોતાની વ્યવસ્થા કરવામાં લાગ્યા છે ત્યાં પોલીસે નિયમ પાલન માટે પણ કમર કસી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...