કચેરીએ મોરચો:ટ્રાન્સપોર્ટનગરની રસ્તા, પાણી સહિતની સમસ્યા ઉકેલવા વધુ એક વખત ધા નખાઇ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરને મળીને સમાજવાદી પાર્ટીએ ઢંઢોળ્યા

ગાંધીધામ નગરપાલિકામાં આજે ટ્રાન્સપોર્ટનગરની પડતર સમસ્યાઓ ઉકેલવાના હેતુથી પાલિકા કચેરીએ મોરચો મંડાયો હતો. સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ પાલિકાના પ્રમુખ, ચીફઓફિસર, ઉપપ્રમુખને આવેદન પત્ર આપી સમસ્યાનો નિકાલ લાવવા માટે ઉગ્ર માગણી કરવામાં આવી હતી. અગાઉ પણ જે તે સમયે પત્ર વ્યવહાર કરીને કરેલી માંગણીનો કોઇ ઉકેલ ન આવ્યો હોવા સહિતની બાબતોની દલીલ કરીને અત્યાર સુધી માત્ર ખાતરી જ આપવામાં આવી છે તે યોગ્ય ન હોવાને લઇને તાકીદે આ વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે માગણી કરવામાં આવી હતી.

પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, પાલિકા, ધારાસભ્ય, કલેક્ટર કચેરી વગેરે સ્થળો પર ટ્રાન્સપોર્ટ નગર વિસ્તાર અને તેની આજુબાજુમાં થયેલી અગવડતા વગેરે બાબતે પત્ર પાઠવ્યા છે. આમ છતાં પાલિકા મૌખીક રીતે કામ થઇ જશે તેવી હૈયાધારણા આપે છે પણ આજ સુધી મુશ્કેલીનો હલ આવ્યો નથી. પેટ્રોલપમ્પની પાછળ વાળો સર્વિસ રોડ તથા કેન્દ્રીય વિદ્યાલયને જોડતા રોડને આરસીસી બનાવવાની જરૂર છે. હાઇવે સ્ટ્રીટલાઇટ બંધ હોય તે શરૂ કરવા માગણી કરવામાં આવી હતી. 6 જેટલા સુલભ શૌચાલયની જરૂર હોવાનું પણ જણાવ્યું છે. સાથે સાથે નવી પાણીની લાઇન નાખવા, ગટર લાઇન વગેરે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે. જર્જરીત થયેલી બિલ્ડીંગ ભવિષ્યમાં પડતાં જાનહાનીનો ભય હોય ચકાસણી કરી તપાસ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં સહદેવ યાદવ વગેરે આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...