સેવા:આ શિક્ષિકાએ કોવિડ સેન્ટરોમાં જઇ અનેક દર્દીઓનું મનોબળ વધારી જાણે નવા પ્રાણ પૂર્યાં

ગાંધીધામ8 મહિનો પહેલાલેખક: અર્પણ અંતાણી
  • કૉપી લિંક
  • કોરોના કાળના બે વર્ષમાં કચ્છમાં આ રીતે સારવાર પ્રથમ વખત જોવા મળી
  • લગ્ન પહેલાં કરેલા નર્સિંગ કોર્ષનો આ સમયે સદ્દઉપયોગ કરી સમાજમાં સારો સંદેશ પહોંચાડ્યો

કોઇપણ મનુષ્યના તમામ કાર્યો ઉપર મનની અસર વધારે હોય છે પણ લોકો શરીર ઉપર અસર થઇ માની હાર માની લેતા હોય છે જો મનને નકારાત્મકતા મુકી સકારાત્મકતા તરફ વાળવામાં આવે તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય છે, આ શબ્દો છે માય છોટા સ્કુલના પ્રિન્સિપાલ પૂજાબેન ઓમપ્રકાશ દાદલાણી જેઓ ગુરૂદ્વારામાં સેવા આપવા જતા ત્યારે ઓક્સિજન માટે આવતા કોરોના દર્દીઓના હારી ગયેલા પરિવારજનોને જોતાં તેમને વિચાર આવ્યો કે તેમણે પોતે પણ લગ્ન પહેલાં નર્સિંગનો કોર્સ કરેલો છે અને પૂજાબેન એક વાત બખૂબી સમજે છે કે જો માણસનું મન મજબૂત બનાવી દેવાય તો ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકે છે.

બસ તેમણે ગુરૂદ્વારામાં જ એક હારી ગયેલી વ્યક્તિનું કાઉન્સેલિંગ કર્યું અને આશ્ચર્ય વચ્ચે તે સ્વસ્થ થતાં તેમણે બીજા લોકોને વાત કરતાં લોકો હવે સામેથી તેમનો સંપર્ક કરી રહ્યા છે. પૂજાબેન દાદલાણી કોરોના ગ્રસ્ત હારી ગયેલા દર્દીઓનું મનોબળ વધારી સાજા કરી રહ્યા છે. કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારે સારવારનો પ્રયોગ અને તે પણ અસરકારક સાબિત થઇ રહ્યો છે.

ઉત્સાહ વધારનારા ગીતો ગાઇ દર્દીને મજબૂત કર્યા
શિક્ષક સમાજને બદલી શકે એ વાતને સાર્થક કરતા પૂજાબેન કોવિડ દર્દીઓ પાસે જઇ પ્રેરક વાતો પણ કરે છે અને ઉત્સાહ વધે તે પ્રકારના ગીતો પણ ગાઇ દર્દી અને તેમના પરિવારજનોને મજબૂત બનાવે છે અને આ કાર્યમાં તેમને સારા પરિણામો પણ જોવા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પૂજાબેન દાદલાણી જણાવે છે કે, લોકો મનથી વિચારી લે છે કે હવે શું થશે ? તેના બદલે જો ઇશ્વર ઉપર ભરોસો રાખી મગજમાંથી નકારાત્મક વીચારો દૂર કરી સકારાત્મક વિચારો કરે તો કોઇ પણ રોગમાંથી મુક્તિ મળી શકે છે એવા અનેક દાખલા છે. તમને જે સમસ્યા છે તેનો ઉકેલ ન હોય તો તેને પડતી મુકી દઇ સારા વિચારો અને કાર્યો કરવાથી 100 ટકા સારૂં પરિણામ જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...