સમસ્યા:રામબાગની લાઇનમાં ભંગાણથી 3 દિવસ પાણીનો કકળાટ રહેશે

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામ પાલિકાની એક સાંધેને તેર તુટે તેવી હાલત
  • લાઇનની મરંમત થતાં પુરવઠો પુર્વવત શરૂ કરી દેવાની જાહેરાત

ગાંધીધામ નગરપાલિકામાં ઉનાળો, ચોમાસું કે શિયાળો બારે માસ જુદા જુદા કારણોસર પીવાના પાણીનો કકળાટ રહેતો હોય છે. રામબાગ ખાતેની લાઇનમાં ભંગાણ પડતાં ત્રણ દિવસ સુધી પાણીના વિતરણને અસર પડશે તેવી પાલિકા દ્વારા જાહેરાત કરવાની નોબત આવી છે. લાઇનની મરંમત બાદ પાણીનો પુરવઠો યથાવત જે તે શિડ્યુલ મુજબ કરાશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. પાલિકામાં એક યા બીજા કારણોસર લોકોના કામો અટવાઇ રહ્યા છે. જેને લઇને લોકો તો પરેશાન થઇ રહ્યા છે. જ્યારે બીજી બાજુ કોઇને કોઇ કારણોસર અડચણો પણ આવી રહી છે.

દરમિયાન તાજેતરમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીની યાદીમાં જણાવાયા મુજબ રામબાગ હેડ વોટર વર્કર્સ ખાતે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે. ત્રણ દિવસ સુધી પાણી હળવા દબાણથી વિતરણ કરવામાં આવશે. નાગરીકોને પાણીનો કરકસર પુર્વક ઉપયોગ કરી સહકાર આપવા અનુરોધ કરાયો છે. લાઇન રીપેર થતાં પાણીનો પુરવઠો પુર્વવત શરૂ કરાશે.

ઉલ્લેખનીય છેકે, પાલિકાની કેટલીક લોકઉપયોગી સેવાઓમાં એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ અવારનવાર સર્જાઇ રહી છે. તાજેતરમાં પણ નર્મદાની પાઇપલાઇનના લીકેજને કારણે લાંબા સમય સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાયેલી રહી હતી. આ સ્થિતિમાં સુધારો આવ્યા પછી આ પાછો પુન: પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...