વોઇસ કોલ આવતાં દોડધામ:યુવાન ટ્રાન્સપોર્ટરનું અપહરણ કરી 25 લાખની ખંડણી માગવામાં આવી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી નિકળ્યા બાદ પિતા અને પત્નીને વોઇસ કોલ આવતાં દોડધામ
  • સૂત્રોના જણાવ્યા મુજબ દેવાને કારણે આ તરકટ રચ્યું હોવાનું ખુલ્યું

ગાંધીધામમાં કોલસાની લે-વેચ અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવકનું અપહરણ કરી અજાણ્યા શખ્સોએ 25 લાખની ખંડણી માગતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ હતી.ઘરેથી ગાડી લઇને નિકળ્યા બાદ યુવકના પિતા અને પત્નીને વોટસએપ પર વોઈસ મેસેજ મોકલી ખંડણી મગાયા બાદ આ બાબતે પોલીસને જાણ કરી ફરિયાદ પણ નોંધાવાઇ હતી પરંતુ આ યુવાને દેવામાં ડૂબેલા હોઇ જાતે તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

ગળપાદર ભવાનીનગરમાં રહેતાં ભીખાભાઈ શંકરભાઈ ગોહિલે અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ માટે પોતાના વતન પાટણના પંચાસર ગામે ગયેલા હતા અને આ બાબતે જાણ થતાં ભીખાભાઈ તાબડતોબ રાત્રે ઘરે દોડી આવ્યાં હતા. ઘરે આવીને પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે જયદીપ શુક્રવારે સવારે 11.30 વાગ્યે તેની બ્રેજા કાર લઈને ઑફિસે જવા નીકળ્યો હતો. ત્યારબાદ સાંજે તેના અપહરણ-ખંડણીનો મેસેજ મળ્યો હતો.

ગઈકાલે સાંજે પોણા 8ના અરસામાં તેમને તેમના પુત્ર જયદીપના મોબાઈલ વોટસએપ પરથી એક વોઈસ મેસેજ મળ્યો હતો. વોઈસ મેસેજમાં અજાણી વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે ‘જયદીપ અમારી પાસે છે. કાલે 3 વાગ્યા સુધીમાં 25 લાખ તૈયાર રાખજે. નહિં તો તારા દીકરાની લાશ મળશે’ આ જ મેસેજ જયદીપના મોબાઈલ પરથી તેની પત્નીને પણ મોકલાયો હતો. ભીખાભાઈ મધરાત્રે પોલીસ મથકે દોડી જતાં પોલીસ પણ દોડતી થઇ હતી. બનાવ અંગે પોલીસે આજે પરોઢે અજાણ્યા શખ્સો સામે આઈપીસી 365, 384, 114 હેઠળ ફરિયાદ નોંધી હતી.

ભીખાભાઈ પોલીસને જણાવ્યું કે તેમણે વળતો મેસેજ કરી અપહરણકારોને રૂપિયા આપવાની તત્પરતા દાખવી જયદીપ જોડે વાત કરાવવા જણાવ્યું હતું. ત્યારે અપહરણકારે પૈસા આપવા આવવાની જરૂર નથી, હવાલો કરી દેજો તેમ શેઠે જણાવ્યું હોવાનો વળતો જવાબ આપ્યો હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. પરંતુ આ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવાને પોતે દેવામાં ડૂબેલો હોઇ જાતે જ અપહરણ, ખંડણીનું તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...