તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત-અકસ્માતની ઘટનાઓ:કાનમેરમાં પાકના નુકસાનથી વ્યથિત યુવાને ગળે ફાંસો ખાધો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં આપઘાત-અકસ્માતની ઘટનાઓમાં છ માનવ જિંદગી પર પૂર્ણ વિરામ
  • હજી તો દુષ્કાળના ડાકલા વાગવાની શરૂઆત છે ત્યાં યુવા ખેડૂતના આત્યંતિક પગલાથી માતમ

કચ્છમાં હજી તો વરસાદ ન થવાને કારણે દુષ્કાળના ડાકલા વાગવાની શરૂઆત થઇ છે તેવામાં રાપર તાલુકાના કાનમેર ખાતે ઓછા વરસાદ તેમજ પાકમાં થયેલા નુકશાનથી વ્યથિત યુવાન ખેડૂતે ખેતરમાં જ ઝાડમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લઇ જીંદગી ટુંકાવી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં માતમ છવાયો છે.

આ બાબતે આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, કાનમેરના દલિતવાસમાં રહેતા 20 વર્ષીય પ્રવિણભાઇ રઘાભાઇ ચૌહાણે ગત બપોરે પોતાના ટાઢીયાવાડા ખેતરમાં આવેલા લીંબુડીના ઝાડમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.તેમને પલાસવા સીએચસી લઇ આવનાર 60 વર્ષીય છગનભાઇ નાથાભાઇ ચૌહાણે ફરજ પરના તબીબને આપેલી માહિતી આડેસર પોલીસને અપાઇ હતી જેમાં હતભાગી યુવાને કચ્છમાં વરસાદ ન થવાને કારણે તેમજ પાકને થયેલા નુકશાનને કારણે વ્યથિત હોવાને કારણે આ યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.

હતભાગી મૃતક યુવાનના લગ્ન પણ હજી એક વર્ષ પહેલાં જ થયા હતા. હાલ જ્યારે શરૂઆતમાં મેઘાએ કચ્છના લોકો માટે ઉત્સાહ વધારનારૂં વાતાવરણ ઉભું કર્યા બાદ અત્યાર સુધી સાવ વરસાદ ન પડતાં ખાસ કરીને ખેડૂતો અને અબોલ જીવોની હાલત ખરાબ થઇ ગઇ છે. કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ ઉઠી રહી છે. તેવામાં હજી તો દુષ્કાળના ડાકલા વાગવાની શરૂઆતમાં જ વરસાદ ન પડવાને કારણે પાકમાં થયેલા નુકશાનથી વ્યથિત યુવા ખેડૂતે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હોવાની ઘટનાએ પરિસ્થિતિની ગંભીરતા છતી કરી છે. હાલ આ ઘટનાથી પરિવાર, સમાજ અને મિત્ર વર્તુળમાં માતમ છવાયો છે. આ બનાવમાં આડેસર પોલીસ મથકના પીએસઆઇ જી.એ.ઘોરીએ વધુ તપાસ હાથ ધરી છે.

મીરજાપરમાં પાણીના ટાંકાંમાં પડી જતાં 5 વર્ષના માસૂમ બાળકનું મોત
ભુજ તાલુકાના માનકુવા ગામે રહેતા અરૂણાબેન જયંતિભાઇ ચાવડાનો 5 વર્ષીનો બાળક સૌર્ય મંગળવારે સાંજે 6 વાગ્યાના અરસામાં મીરજાપરમાં મહાદેવનગરમાં રમતા રમતા અચાનક શંકરના મંદિર પાસે આવેલા પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયો હતો. જેને તાત્કાલિક ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી પીએસઆઇ વાય.પી.જાડેજાએ હાથ ધરી છે.

જારજોગમાં જંતુનાશક દવા પી લેનાર યુવાને દમ તોડ્યો
નખત્રાણા તાલુકાના જારજોગ ગામની વાડી વિસ્તારમાં ગત 20 ઓગસ્ટના રાત્રે અગમ્ય કારણોસર જંતુ નાસક દવા પી લેનાર ભરતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.28) નામના યુવકને ભુજ જી.કે.માં ખસેડાયો હતો. જ્યાં પાંચ દિવસની સારવાર દરમિયાન હતભાગીએ અંતિમ શ્વાસ લીધો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુન્દ્રાના નાની તુંબડીમાં સર્પે દંશ દેતાં વૃધ્ધનો જીવ ગયો
મુન્દ્રા તાલુકાના નાની તુંબડી વાડી વિસ્તારમાં ભરનંદરમાં રહેલા જાફર હુશેન કોલી (ઉ.વ.80)ને વહેલી પરોઢે 4 વાગ્યે હાથની આંગળીમાં સર્પ દંશ મારતાં તેની ગંભીર અસર તળે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં સારવાર દરમિયાન સવારે સાડા આઠ મૃત્યુ થયું હતું. પોલીસે બનાવની નોંધ લઇ કાર્યાવહી કરી છે.

ખોડિયારવાંઢમાં ઝેરી જંતુ કરડ્યા બાદ રાજકોટમાં પ્રૌઢે દમ તોડ્યો
રાપરના ખોડિયારવાંઢમાં રહેતા 45 વર્ષીય વેલાભાઇ હાજાભાઇ ડાભીને ગત તા.5 જુનના રોજ વાંઢના બસ સ્ટેશન પાસે ઝેરી જંતુ કરડી ગયા બાદ પ્રથમ રાપર ત્યારબાદ મોરબી અને ત્યાંથી રાજકોટ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા જ્યા઼ તા.11/6 ના તેમણે દમ તોડ્યો હતો. આ બાબતે બાલાસર પોલીસ મથકે કાગળ આવ્યા બાદ અકસ્માત મોત નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ગાપુરમાં ડાયાબિટીસથી પીડીત વૃદ્ધે હિંચકાના કડામાં દોરડુ બાંધીને આત્મહત્યા કરી
માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે નવાવાસમાં રહેતા 82 વર્ષીય ખમુભાઇ મુળજીભાઇ મહેશ્વરીના વૃધ્ધને ડાયાબિટીસની બિમારી હોઇ આંખોમાં ઓછું દેખાતું હોવાથી બિમારીથી કંટાળી જઇને બુધવારે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં હિંચકો બાંધવાના કડામાં દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...