પાલિકાની લાલિયાવાડી:75 લાખના કામોના ટેન્ડર વર્ક ઓર્ડરના કામ રદ કરવા ઉપ પ્રમુખે ધા નાખી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલના સુત્રધારોએ ભાજપ સંકલન અને સભ્યોને અંધારામાં રાખ્યા!
  • 31/7 સુધી જામનગરની એજન્સી ને પાણીના પમ્પની જાળવણી સહિતના ઠરાવને બદલી નખાયો ?
  • અગાઉના ઠરાવની બારોબારી કરાયાનો કચવાટ: પાલિકાના ઈતિહાસમાં સામાન્ય સભાનું અપમાન

ગાંધીધામ નગરપાલિકા દ્વારા બારોબાર વહીવટ કરી ને લોકોના પૈસા નું પાણી કરવા સત્તાધીશો પાછળ લેતા નથી. ગત સામાન્ય સભામાં કરવામાં આવેલા ઠરાવમાં હેડ વોટર વર્કસ ના સંચાલન અને જાળવણી તથા અન્ય કામો લેવામાં આવ્યા હતા. 31મી જુલાઈ સુધી જ આ એજન્સીને કામ આપવા કરાયેલા ઠરાવ પછી સભ્યોને પણ અંધારામાં રાખીને એક વર્ષ માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવતા પાલિકામાં દોડધામ મચી ગઇ છે . પાલિકાના જાગૃત પ્રહરી અને ઉપપ્રમુખ ના ધ્યાને આ બાબત આવતા વર્ક ઓર્ડર રદ કરવા માટે માગણી કરી છે.

આ માંગણીના અનુસંધાને હવે કેવા પગલાં ભરવામાં આવે છે તે તો સમય આવે ખ્યાલ આવશે પરંતુ હાલના વહીવટદારો પણ અગાઉના શાસકોની નીતિ અપનાવીને તેના પગલે પગલે ટેન્ડર વગર કામ આપવા થી લઈને અન્ય નિર્ણયો લઇ રહ્યા છે .જેને લઇને ખૂદ ભાજપમાં જ કચવાટ જાગ્યો છે .સભ્યોને પણ આમાં અંધારામાં રાખીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય તેવી લાગણી વહેતી થઈ છે. આ બાબતે ભાજપના અન્ય સભ્યો પણ આગળ આવે તો નવાઈ નહી.સુધરાઇમાં નિયમોને નેવે મૂકીને અગાઉના સત્તાધીશો દ્વારા લોકોનાં નાણાં નો સદ ઉપયોગના નામે પેઢી જેવી નીતિ કેટલીક વખત અપનાવવામાં આવતી હતીતેવો કચવાટ વારંવાર ઉઠયો છે.

તેનું અનુકરણ કરવામાં હાલની બોડી પણ કોઈને કોઈ કારણોસર આગળ આવી રહી હોય તેમ જણાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત સામાન્ય સભામાં એજન્ડા નંબર 136 અને 137 માં પીવાના પાણીને લગતી અગત્યની કામગીરી જામનગરની સીએમ જાડેજા એજન્સીને આપવા દરખાસ્ત મૂકવામાં આવી હતી .અંદાજે 75 લાખથી વધુ રકમના ખર્ચે થનારું આ કામગીરીમાં સભામાં એવું ઠરાવાયું હતું કે 31 7 સુધી આ એજન્સીને હેડ વોટર વર્કસ ના સંચાલન અને જાળવણી થી લઈને અન્ય કામો આપી દેવા.

સામાન્ય સભામાં ઠરાવ કરાયા બાદ ટેન્ડર ની વનમાં કોણ પડે તેમ માનીને કે અન્ય કારણોસર પાછળથી સુધારો થયો હોય કે ગમે તેમ સભ્યોને પણ અંધારામાં રાખીને ગત 8મી સપ્ટેમ્બર ના એજન્સીને જુદા બે વખત બે વર્ક ઓર્ડર આપી દેવામાં આવતા નગરપાલિકાની કચેરીના વર્તુળોમાં ગરમી આવી ગઈ હતી. જોકે આ બાબતે ભાજપના સભ્યો કેટલાક અંધારામાં હોય તેવી પણ વાત બહાર આવી રહી છે. ઠરાવમાં પાછળથી સુધારો કેવી રીતે થાય તે પણ એક અગત્યની બાબત ગણી શકાય .આ બાબતે આગામી દિવસોમાં નવાજૂની થાય તો નવાઇ નહિ.

દરમિયાન વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પાલિકાના પ્રહરી એવા ઉપ-પ્રમુખ બળવંતભાઈ ઠક્કરને આ બાબતની જાણકારી મળતા તેઓએ કલેકટર ,કમિશનર સહિતના ને પત્ર પાઠવીને આ વર્ક ઓર્ડર રદ કરવા માંગણી કરી હોવાની વિગત બહાર આવી રહી છે. આ બાબતે ઉપપ્રમુખ ઠક્કરને પૂછતા તેઓએ પણ સમર્થન આપ્યું હતું કે તેમના ધ્યાન ને આ બે વર્ક ઓર્ડર આવતા તેને રદ કરવાની પ્રોસિજર માટે માગણી કરી છે. સદલ ઉભા થયેલા વિવાદ અંગે પાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાનીએ જણાવ્યું હતું કે ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા તોય કોઇ આવ્યું નહતું એટલે આ એજન્સીને કામ આપવામાં આવ્યું છે. આમા કોઇ વિવાદ નથી.

એક એજન્સી પર સુધરાઇ ને કેમ પ્રેમ?
નગરપાલિકાને એક જ એજન્સિ ઉપર આવો પ્રેમ કેમ ઉભરાયો તે એક પ્રશ્ન ઉભો થયો છે. જો ટેન્ડર બહાર પાડી ને કામ આપવામાં આવ્યા હોત તો સંભવત નીચા ભાવે કામ આવ્યુ હોત તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી લોકોના પૈસા નો વધુ સદ ઉપયોગ સાથે બચત થાય તો અન્ય કામમાં તે વાપરી શકાત પણ અહીં આ એક જ એજન્સી પર પાલિકાના કયા પદાધિકારીને કે અધિકારીને પ્રેમ ઉભરાઈ આવ્યો છે તે બાબતે પાલિકાના વધુ અટકળ બાજીઓ શરૂ થઈ ગઈ છે. કેટલીક એજન્સીઓ કામ મેળવવા માટે પાલિકાના પગથિયાં ઘસી રહી છે પરંતુ તેને નાનું કામ પણ અગાઉના શાસકોમાં મળી શક્યું નથી.જે તે સમયે આ બાબતે ટેન્ડર આપવાના મુદ્દે ભાજપના જ કેટલાક કાર્યકરો માં કચવાટ ઉભો થયો હતો.

ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે કોઈને કાયદાનો ડર નથી
સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા નિયમ વિરુદ્ધ અને સરકારની મોટી રકમનું નુકસાન થાય તેવી રીતે પાર્ટી સાથે સેટીંગ કરીને વિના ટેન્ડર કામો આપવામાં આવે છે. મોટી રકમનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પાલિકાના ઉપપ્રમુખ દ્વારા લખવામાં આવેલા પત્રમાં ઘણા કામો આજ રીતે આપી દેવામાં આવે છે કે ને ગેર કાયદેસર પ્રક્રિયા ગણાવીને નગરપાલિકામાં કાયદાનો કોઇ ને ડર ન હોવા નો પણ ઉલ્લેખ કરાયો હોવાનું પણ ભાજપના વર્તુળોમાં થી બહાર આવતા આગામી દિવસોમાં નવાજુની થાય તેવા પણ સંકેત મળી રહ્યા છે.

અગાઉના ટેન્ડર કરતાં 35અને 54% વધારો કરી કરાઈ દલાતરવાડી
નગર પાલિકામાં ચાલતા ઘેર વહીવટને લઇને અગાઉની બોડી જે રીતે વગોવાઇ હતી તે રીતે જ હાલની બોડી પણ વગોવાય છે અગાઉના ટેન્ડર કરતા 35 અને 54% જેટલો વધારો કરીને દલાતરવાડી ચલાવવામાં આવી છે તેમાં અનેકવિધ અટકળ થઇ રહીછે.બીજી તરફ ટેન્ડર બહાર પાડવામાં સમય વધે તો આને વધુ ભાવ આવે તેવી સંભાવના પણ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે સત્ય હકિકત છે હોય તે હાલતો પાલિકા શંકાનાં દાયરામાં આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...