દોડધામ:કંડલા પોર્ટમાં 5 કલાક સુધી હડકંપ રહ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ...જ્યારે વિસ્ફોટકની સંભાવનાથી દોડધામ મચી
  • ડીપીટીની જેટી નં. 16ની નીચે શંકાસ્પદ બેગ મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્કોવ્ડ બોલાવી, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
  • બોટ કે કોઇ વાહનની ખાલી ટાંકી હોવાના રિપોર્ટથી શ્વાસ હેઠા બેઠા ઃ સ્નીફર ડોગ્સની પણ મદદ લેવાઈ

દેશના નં. 1 પોર્ટ ડીપીટીમાં શનિવારના સવારે સહુ કોઇના કપાળ પર ચીંતાની લકીરો ઉભરી આવી હતી, જ્યારે સીઆઈએસએફ દ્વારા જેટીના નીચેના ભાગે વાયરો ધરાવતું એક શંકાસ્પદ બેગ નજરે ચડ્યુ હતું અને તેમાંથી નિકળતા રંગીન વાયરો તેને કોઇ બોમ્બ કે વિસ્ફોટક હોવાની સંભાવનાને બળ આપતા હતા. જે આધારે સવારના 10 વાગ્યાથી એલર્ટ સાથેનો ચાલુ થયેલો ઘટનાક્રમ બપોરના 3 વાગ્યા સુધી ચાલ્યો, જેમાં અંતે સ્થળ પર ધસી આવેલી બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડે તે કોઇ જોખમી પદાર્થ ન હોવાનો રિપોર્ટ આપ્યો હતો. દરમ્યાન આ જેટી અને તેના આસપાસની તમામ ગતીવીધીને અગમચેતીના પગલા રુપે બંધ કરી દેવાઈ હતી.

જેટી નં. 16નું એ સ્થળ જેના નીચેથી સંદીગ્ધ બેગ મળી : સંદીગ્ધ બેગ, જે બાદમાં બોટની ટાંકી હોવાનું સામે આવ્યું
જેટી નં. 16નું એ સ્થળ જેના નીચેથી સંદીગ્ધ બેગ મળી : સંદીગ્ધ બેગ, જે બાદમાં બોટની ટાંકી હોવાનું સામે આવ્યું

શનિવારના વહેલી સવારે સીઆઈએસએફની ટીમે જેટી નં. 16ની નીચેના ભાગમાં એક બેગ જેવી દેખાતી વસ્તુને જોઈ, જે કાળા રંગની હતી અને તેમાંથી બે થી ત્રણ અલગ અલગ રંગના વાયર નિકળતા દેખાતા હતા. વાયરના કારણે તે શંકાસ્પદ વસ્તુને ગંભીરતાથી લઈને સીઆઈએસએફની ટીમે તાત્કાલીક તેમના ઉચ્ચ અધિકારીઓને પોર્ટ પ્રશાસન, પોલીસ, આઈબી સહિતના વિભાગોને જાણ કરીને તેમની પાસે રહેલા સ્નીફર ડોગની ટીમને સ્થળ પર ઉતારી હતી. સવારના 11 વાગ્યા સુધીમાં સ્નીફર ડોગ્સ થકીજ કોઇ સંદિગ્ધ વસ્તુ ન હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

પરંતુ સંદેહનો સંપુર્ણ ખાત્મો કરવા માટે પોલીસની મદદથી ભુજમાં સ્થિત બીડીડીએસની ટીમને બોલાવાઈ હતી. જેમણે બપોરના બે વાગ્યા આવીને એક કલાક સુધી નિરીક્ષણ કરીને સંદેહાત્મક બેગ ને કાઢીને ખોલીને તપાસતા તે કોઇ વિસ્ફોટક ન હોવાનું સ્પષ્ટ થતા સહુએ રાહતનો દમ ખેંચ્યો હતો. ખરેખર તો આ વસ્તુ કોઇ બોટ કે વાહનની ઈંધણની ટાંકી હોવાનું સામે આવ્યું હતું. જેમાં કેટલું ઈંધણ બચેલુ છે, તે દર્શાવવા વાયરોનો ઉપયોગ કરાતો હતો.

દરમ્યાન માનવ જીવન સૌથી મહત્વનું હોવાના સિદ્ધાંતના આધારે પોર્ટ પ્રશાસન, પોલીસ, સીઆઈએસએફ સહિતના વિભાગોએ સ્થળ પર ધસી જઈને અગમચેતીના પગલા રુપે જેટી નં.16 અને તેના આસપાસનો વિસ્તાર ખાલી કરાવી સંપુર્ણ ગતીવીધી રોકાવી દીધી હતી. ડીવાયએસપી ડી. એસ. વાઘેલાએ જણાવ્યું કે મનુષ્યના જીવથી વધુ કિંમતી કશું ન હોઇ શકે, તેથી જો કોઇ અઘટીત દુર્ઘટના બને તો તેના માટે પણ તમામે તૈયાર રહેવું જોઇએ.

પોર્ટ પ્રશાસનના ઓમપ્રકાશ દાદલાણીએ આવી કોઇ પરિસ્થિતિનો સામનો કરવા આપણે કેટલા તૈયાર છીએ, તેનો પણ અંદાજો આ ઘટનાએ આપી દીધો અને પોર્ટ પ્રશાસનના મરીન, ફાયર સહિતના વિભાગો અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાને મહત્વપુર્ણ ગણાવી હતી.

અફવાનું બજાર ગરમાયું, સોશ્યલ મીડિયા પર સંયમ માટે અપીલ કરાઇ
કંડલામાં શંકાસ્પદ પદાર્થ ઝડપાયાની અને તેની તપાસ ચાલતી હોવાની વાતને સોશ્યલ મીડીયામાં કોઇ તપાસ વીના તે બોમ્બ હોવાનો અને તેના કારણે પોર્ટ આખુ અને આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવાતો હોવાના ફોટા, વીડીયો ં વાઈરલ થવા લાગ્યા હતા. જે ધ્યાને આવતા સુરક્ષા એજન્સી, પોલીસ અને પ્રસાર માધ્યમો દ્વારા 1998ના ગેસ લીકેજની અફવાથી સબક લઈને એન્ટી સંદેશાઓનો પણ મારો ચલાવીને લોકોને કોઇ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા તેની સચ્ચાઈ ચકાસવા અને અફવા ન ફેલાવી સંયમ રાખવાની અપીલ કરાઈ હતી.

દરીયામાં પણ સીઆઈએસએફની બોટે પેટ્રોલીંગ કરી નાની બોટોને દુર જવા કહ્યું
જ્યાં સુધી સંદેહાત્મક વસ્તુ કોઇ વિસ્ફોટક કે કોઇને ઈજા પહોંચાડનારો પદાર્થ નથી તે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તે વિસ્તારની આસપાસના એરીયાને ખાલી કરાવવાની ગતીવીધીમાં, દરીયામાં પણ સીઆઈએસએફની બોટને સતત પેટ્રોલીંગમાં રાખીને નાની બોટ કે અન્ય કોઇ ભુલ થી તે વિસ્તાર તરફ ન આવે તેનું ધ્યાન રખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...