વિકાસ:શિપિંગમંત્રીના હસ્તે મંગળવારે કંડલામાં 261 કરોડના કામના શિલાન્યાસ કરાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓઇલ જેટી નેટવર્ક સુધારણા, ડોમશેપ સ્ટોરેજ શેડ નિર્માણ વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવા પગલું
  • મંત્રી પ્રથમ વખત આવતા હોવાથી સંકુલના પ્રશ્નો પણ તબક્કાવાર રજૂ થાય તેવી શક્યતા

કેન્દ્રના શિપિંગ મંત્રી પ્રથમ વખત કંડલાની મુલાકાતે આવી રહ્યા છે. કંડલા ખાતે ઓઇલ જેટી એરિયાના હાલના પાઈપલાઈન નેટવર્ક સુધારણા દ્વારા કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો, જુનાં કંડલાખાતે ઓઇલ જેટી નંબર આઠનું બાંધકામ , કાર્ગો જેટીની અંદર ડોમ શેપ, સ્ટોરેજ શેડનું નિર્માણ, વાહનોની બહારની બાજુની પૂર્વ તપાસ માટે પાર્કિંગ પ્લાઝાનો વિકાસ કાર્ગો જેટી વિસ્તાર અને માંડવીના રાવળપીર ખાતે દીવાદાંડીનું ઉદ્દઘાટનના વિવિધ પ્રોજેક્ટ કે જેનો અંદાજીત ખર્ચ 261 કરોડ જેટલો થાય તેનું શીલાન્યાસ કરવામાં આવશે. બંદર ઉપભોક્તાની સુવિધા વધારવા માટે દીનદયાળ પોર્ટ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલામાં આ એક વધારાનું પીછું ઉમેરાશે.

ડીજીપી દ્વારા બંદરને ખાનગી બંદરની સરખામણીમાં ટક્કર આપી શકાય તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. અન્ય બંદરની સરખામણીએ પોર્ટ યુઝર્સને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ચેરમેન એસ.કે. મહેતાની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે અગાઉ મળેલા નંબર વનના બિરૂદને જાળવી રાખવામાં પણ સફળતા મેળવી ચુક્યુ છે. દરમિયાન કેન્દ્રના શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તારીખ 18ના બપોરે કંડલા એરપોર્ટ પર આગમન થશે.ત્યારબાદ ડીપીટીનું પ્રેઝન્ટેશન રાત્રે હિસ્સેદારો સાથે બેઠક યોજી માહિતી મેળવવાનો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે. તા. 19 ના કંડલા ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય, સંસદ સભ્ય વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહેશે. શીલાન્યાસ સમારંભને અનુલક્ષીને તડામાર તૈયારી પણ ચાલી રહી છે.

મોદીના હસ્તે 996 કરોડના ઉદ્દઘાટન/શિલાન્યાસ થયા હતા
વડાપ્રધાન મોદીના હસ્તે અંદાજે 996 કરોડના જુદા જુદા પ્રકલ્પના ઉદ્દઘાટનો, શિલાન્યાસ અંદાજે બે વર્ષ પહેલાં કરવામાં આવ્યા હતા. જે-તે સમયે થયેલા આ કાર્યક્રમમાં ડીપીટીને ડો.આંબેડકર ભવનની ક્ષમતા વધારવા સહિતના સૂચનો બાદ ડિઝાઇનમાં ફેરફાર કરીને ડીપીટીએ કરેલી કાર્યવાહી બાદ આગામી ડિસેમ્બરમાં આ હોલનું કામ પૂર્ણ થશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. કંડલામાં 200 કરોડથી વધુના ખર્ચે આરઓબી બનાવવા માટે પણ કરવામાં આવેલી કામગીરીમાં હાલ વિકાસકામો ચાલી રહ્યા છે. અન્ય ક્ષેત્રે પણ ડીપીટી દ્વારા ધ્યાન રાખીને વિકાસની ગતિને ઓટ ન આવે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા હોવાની વિગત પણ મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...