નજીવા વરસાદમાં રસ્તો ધોવાયો:આદિપુરમાં એક માસ પહેલાં બનેલો માર્ગ ધોવાયો

આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની કચેરી સામેનો રોડ બનાવાયો હતો, લીપાપોતીની તપાસ જરૂરી : માર્ગ પર પોલીસ, પોસ્ટ ઓફિસ સહિતની કચેરી આવી છે

ગાંધીધામ પાલિકાના જવાબદારોની આદિપુર પ્રત્યેની લાપરવાહી સતત બહાર આવી રહી છે. સતત 12 માસ થી બિસ્માર આદિપુર સ્થિત પાલિકા કચેરીની સામેનો માર્ગ ગત માસે લાંબી માથાકૂટ બાદ નવો બન્યો હતો, પરંતુ નજીવા વરસાદમાં આ માર્ગ માત્ર 1 માસમાં જ ધોવાઈ જતા પાલિકાના વહીવટદારો સામે આંગળી ચીંધી જાય છે. દરરોજ હજારોની અવરજવર ધરાવતા આ માર્ગના 1 માસમાં જ ધોવાઈ જવાના કારણો બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ ઉભી થઇ રહી છે.

આદિપુરમાં પાલિકા કચેરી નજીક જ એક્સિસ બેંકના એટીએમની સામેનો માર્ગ સતત 12 મહિનાથી ખાડાગ્રસ્ત હતો. સતત માંગણી બાદ પણ આ માર્ગની હાલત પ્રત્યે આંખ આડા કાન થયા બાદ ‘દિવ્ય ભાસ્કર’ની પહેલ થતા પાલિકાને શરમ આવી હતી અને નવો માર્ગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ કામની ગુણવત્તા કેવી હતી તેની પોલ 2 દિવસના સામાન્ય વરસાદમાં ખુલી ગઈ છે અને ફરી થી પડી ગયેલા ખાડા તેની સાબિતી આપી જાય છે.

આ માર્ગ પર પોલીસ વિભાગની કચેરીઓ, બીએસએનએલની કચેરી, પોસ્ટ ઓફીસ, કોલેજો આવેલી છે તથા મેઘપર બોરીચીની વસાહતો તરફ જવાનો પણ માર્ગ છે. પરંતુ આદિપુર પ્રત્યે સતત ઓરમાયું વર્તન દાખવનારા ગાંધીધામ પાલિકાના બેજવાબદાર સત્તાધીશો એ મહત્વના માર્ગનું સમારકામ અને નવનિર્માણ પોતાના મળતીયાઓને આપીને કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાનું દેખાઈ રહ્યું છે અને તેનો ભોગ આદિપુરના લોકો બની રહયા છે. આ સ્થિતિમાં કરાર મુજબ જે તે કોન્ટ્રાકટર પાસે રોડ બનાવવા પાલિકા દ્વારા પગલાં ભરવા પડશે.

લાંબા સમયથી ગટરના વહેતા પાણીથી સમસ્યા
આ માર્ગેથી દરરોજ પસાર થતા સેંકડો છાત્રો તથા વિવિધ કચેરીઓના સરકારી કર્મચારીઓને ગટરના દુર્ગન્ધયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે. દુર્ગન્ધથી ત્રાસેલા છાત્રો રૂમાલથી મોઢું અને નાક ઢાંકીને નીકળતા હોય તેવા દ્રશ્યો અહીં રોજિંદા બની ગયા છે. બીએસએનએલની પાસે જ માર્ગ પર છલકાતી ગટરના પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા ત્યારે હવે તૂટેલા માર્ગે સમસ્યા વધારી દીધી છે.

પોસ્ટ ઓફિસ અને બીએસએનએલ કચેરી પાસે પાણીનો ભરાવો
આદિપુરની ભારત સંચાર નિગમ ની કચેરી તેમજ પોસ્ટ કચેરી પાસે પેવર બ્લોક લગાડવાનું યેન કેન પ્રકારે માંડી વાળ્યું છે. તો શું આ બંને કચેરીઓ સરકારી નથી ? અથવા પાલિકાના હદમાં આવતી નથી ? તેવુ આદિપુર- સંકુલના પ્રબુદ્ધ પ્રજાજનો પૂછી રહ્યા છે .આ બંને સરકારી કચેરીઓને પેવર બ્લોક લગાડવામાંથી વંચિત રાખવામાં આવતા ં લોકોને કાદવ કીચડમાં થી પસાર થવું પડી રહ્યું છે તેમ કોંગ્રેસના ગોવિંદ દનિચાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...