રોડની ગુણવત્તા હલકી:અંદાજે અડધા કરોડના ખર્ચે બનાવેલા ગણેશનગરના રોડની ગુણવત્તા હલકી

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને ઢંઢોળવાનો કરાયો પ્રયાસ
  • માર્ગ પર થીકનેસ ઓછી બે લેયરનું કામ પણ નથી થયું

ગાંધીધામ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા કામોમાં અવારનવાર વિવાદો થાય છે. તાજેતરમાં ગણેશનગર વોર્ડ નં.13 વિસ્તારમાં બનાવવામાં આવેલો અંદાજે અડધા કરોડના ખર્ચનો રોડ વિવાદમાં આવ્યો છે. કોંગ્રેસના નગરસેવકો દ્વારા ચીફ ઓફિસરને ઢંઢોળીને આ રોડમાં હલકી ગુણવત્તા સહિતની માગણી કરી 7 દિવસમાં જો યોગ્ય કાર્યવાહી ન થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરતા દોડધામ ગઇ છે.

10 દિવસ પહેલા ગણેશનગર વલીડાડા સર્કલથી મેઇન ચોક રોટરી નગર સુધી અને ગણેશનગર મેદાનમાં આંબેડકર રોડ એફસીઆઇ ગોડાઉન સુધી બનાવવામાં આવ્યો છે જેમાં રોડનું કામ હલકી ગુણવત્તાનું માલસામાન વાપરીને કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે. રોડ પર થીકનેસ સાવ ઓછી 20થી 25 એમએમ ચડાવાઇ છે અને રોડનું કામ બે લેયરમાં થવું જોઇએ તેની જગ્યાએ 25 એમએમ મટેરીયલ ચડાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને રોડ અત્યારથી જ તુટવા લાગ્યો હોય તેવી ફરિયાદ કરી છે. રોડનું કામ કઇ થર્ડપાર્ટીએ કર્યું અને કેવી ગુણવત્તા તથા ડામરનો ઉપયોગ થયો તેનો ટેસ્ટ કરાયો કે નહીં, ટેસ્ટીંગનો રીપોર્ટ લેખીતમાં આપવા પણ માગણી કરાઇ છે.

રોડમાં ડબલ્યુબીએમ 50 અને સીલીકોન 40 એમએમ નાખવાના કામના ટેન્ડરમાં ઉલ્લેખ છે. જે પ્રમાણે કામગીરી કરાઇ ન હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય કોન્ટ્રાક્ટરને કામ આપેલ તેનું પેમેન્ટ રોકી બ્લેકલીસ્ટ કરવા અને આ કામની ઇન્કવાયરી કરી સંબંધિત સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરીને રોડ ફરીથી નવો બનાવવા જયશ્રીબેન અજીત ચાવડા અને અમીત ચાવડાએ લેખીતમાં મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે.

રસ્તાના કામમાં અવારનવાર થાય છે આક્ષેપ
ગાંધીધામ નગરપાલિકામાં એક બાજુ રોડના કામો કરવામાં આવે છે તેમાં અવારનવાર આક્ષેપો થતા હોય છે. ફરિયાદ ઉઠ્યા પછી તપાસના નામે ડિંડક પણ કેટલીક વખત ચલાવવામાં આવે છે ત્યાર બાદ તેનો રિપોર્ટ આપવો જોઇએ તે અપાતો ન હોવાની ફરિયાદો અગાઉ ઉઠી ચુકી છે. વળી, જે તે કામોમાં યોગ્ય પદ્ધતિથી થર્ડ પાર્ટી દ્વારા મોનીટરીંગ કરવું જોઇએ તે પણ થતું નથી.

વોર્ડ નં. 7માં 2020માં સીસીપેવર બ્લોક લગાવવા મંજુરી અપાઇ પણ કામ ન થયું
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ હાલ એક બાજુ પ્રમુખ અને અન્ય કેટલાક લોકોના વિસ્તારના કામો મોટા ભાગે થયા હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. બીજી તરફ કેટલાય વોર્ડના નગરસેવકો રજૂઆત કરે છતાં તેના વિસ્તારના કામો થતા ન હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. અવારનવાર આ બાબતે ફરિયાદો ઉઠ્યા કરે છે પણ પરીણામ આવતું નથી.

મુખ્ય બજાર વિસ્તારમાં વોર્ડ નં.7માં 2020માં પેવર બ્લોક લગાવવા માટે 22-8-20થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ ડીબીઝેડ સાઉથ અને વોર્ડ 12-સીમાં જે તે સમયે નગરસેવકો દ્વારા રજૂઆત કર્યા પછી રોડ માટે મંજુરી અપાઇ હતી પણ આ રોડ થયો ન હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. ગાંધીધામ- આદિપુરના 13 વોર્ડમાંથી 4 કે 5 વોર્ડમાં જ વ્યવસ્થિત કામ વિકાસના થયા હોય તેવું જણાઇ ર હ્યું છે. બાકીના ભાજપના જ નગરસેવકોના વોર્ડ હોવા છતાં તેમના કામો થતા ન હોઇ તો અન્યના કેવી રીતે થશે તે પણ એક પ્રશ્ન છે.

દબાણના નામે નોટિસો અપાઇ?
સૂત્રોના જણાવ્યા મુજબ એક પદાધિકારીના કહેવાથી મુખ્ય બજાર વિસ્તારમાં દબાણના નામે નોટિસ આપવામાં આવી હતી. ત્યાર બાદ કોઇ સમજાવટ થતાં આ નોટિસની અમલવારી કરવાનું માંડી વાળવામાં આવતા શંકા-કુશંકાના વાદળ પાલિકામાંથી ઉઠી રહ્યા છે. કોણે આ બાબતે દબાણ કર્યું અને શું સમજણ થઇ તે અંગે ભાજપના જ કેટલાક નગરસેવકો હાલ ચર્ચાઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...