સમસ્યા:સંકુલના લોકોને સમસ્યાઓનો અજગરી ભરડો મુંઝવે છે

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટની ટકોર પછી પણ નગરપાલિકાના પેટનું પાણી હાલતું ન હોવાની સ્થિતિ
  • રસ્તા, પાણી ,લાઇટ, ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવામાં નિષ્ફળતા

ગાંધીધામ નગરપાલિકામાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જોઇએ તેમાં કંઈક અંશે નગરપાલિકાના સત્તાધીશો સફળ થતા હોય તેવું જણાતું નથી. શહેરના જુદા વિસ્તારોના રસ્તાઓ તૂટી ગયા તે લઈને પાણી મળતું હોવા લાઈટ ન હોય કે ગટર ઉભરાવા કે દબાણ સહિતના મુદ્દે રોષ જોવા મળ્યો છે. સત્તાધીશો દ્વારા લોકોના પ્રશ્નો ઝડપી ઉકેલાય તે માટે પગલાં ભરવા જોઇએ તેને બદલે અંદરોઅંદરની લડાઈને લઈને લોકોના કામો પણ અટવાઈ રહ્યા છે. આમ સત્તાધીશોની લડાઈમાં લોકોનો ખો નીકળી ગયો છે.

શહેરમાં લોકોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ કેટલાય વિસ્તારોમાં સમયાંતરે પીવાનું પાણી પૂરું પાડી શકાતું નથી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. ડિસ્કો રોડને લઈને લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી. લોકોને સારા રસ્તા પૂરી પાડી શકાય તે માટે આયોજન કરવામાં પણ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને રસ ન હોય તેવું જણાયું છે.

વળી સમયાંતરે કેટલાક વિસ્તારમાં લાઈટ પણ બંધ હોવાને લઇને લોકોને પાલિકાની કામગીરી સામે આક્રોશ છે. જયારે અન્ય સુવિધાઓમાં પણ પૂરતા પ્રમાણમાં જે રીતે લોકોને સમયસર સુવિધા મળવી જોઈએ તે આપવામાં પાલિકા નિષ્ફળ જઇ રહી છે. એક તબક્કે તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા પણ અવલોકન કરીને પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે કરેલી ટકોર પછી પણ પાલિકાના સત્તાધિશોની ઊંઘ ઊડી ગઈ હોય તેવું જણાતું નથી. સુપરસીડ કરવા સહિતની ટકોર કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. જાગ્યા ત્યારથી સવાર સમજીને પાલિકાના સત્તાધીશોએ જુદા કાર્યક્રમોમાં જે રીતે ફોટો સેશનમાં જે રીતે ઉત્સાહ દેખાડી રહ્યા છે તેવી જ રીતે લોકોના કામમાં લે ઝડપી ઉકેલ આવે તે જરૂરી બન્યું છે.

ઢોરના ત્રાસ સહિતનાં મુદે કોંગ્રેસનો રોષ
પાલિકાના ગેરવહીવટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધીએ શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે લોકો વિવિધ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અનેક વખત રજુઆત કરવામાં આવ્યા છતાં સમસ્યાનો હલ લાવવામાં આવતો નથી. હાઈ ટીડીએસ વાળુ પાણી અને ગટર મિશ્રિત પાણી પી ને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરના રસ્તાને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ કોમેન્ટો થઇ રહી છે.તેમ છતાં ડિસ્કો રોડને હંગામી ધોરણે પણ વ્યવસ્થિત બનાવવામાં ન આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કલેક્ટરના જાહેરનામાના છતાં ધાસચારાનુ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે તેને લઈને ઢોરનો પણ ત્રાસ વધી ગયો છે.

ભાજપના સભ્યોમાં પણ કચવાટ
પાલિકાના સભ્યોમાં પાંચ સભ્યો જ કોંગ્રેસના છે બાકીના 47 સભ્યો ભાજપના હોવાની સાથે વિક્રમસર્જક બહુમતી લોકોએ આપી હોવા છતાં લોકોના કામ કરવામાં કેમ અડચણ આવી રહી છે તે તપાસનો વિષય છે.ખુદ ભાજપના સભ્યોના કામો પણ ન થતા હોવાનો કચવાટ સભ્યોમાં ઉઠે છે. જો ભાજપના સભ્યોના કામો પણ યોગ્ય રીતે ઝડપી થતાં ન હોય તો લોકોના કામો કેવી રીતે થશે તે પણ એક પ્રશ્ન છે. માત્ર દાવા કરીને કામ નહીં ચાલે લોકોને વિકાસની ગાથાની સફર કરાવવા માટે પાલિકાના સત્તાધીશોએ કમર કસવી પડશે.

વેરા વસૂલાતની માહિતી મંગાઈ
શહેરના નાગરિક સમીર દુદાણીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, અગાઉ રોયલ ઇન્ફ્રા રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિસ્તારમાં ઠરાવ નંબર 309, એજન્ડા નંબર 98 તા.30/7/2016 ના સોસાયટીઓના ગટરના જોડાણો કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ બાબતે સુવિધા ઉપલબ્ધ કરાવવી હોય તો કાર્યવાહીની વિગત આપવા માગણી કરી છે. અગાઉ કેસરનગર- અને 2 પાલિકામાં ભેળવાયા બાદ ગટર,લાઇટ અને રોડની સુવિધા પૂરી પાડી હતી. રોયલ ઇન્ફ્રાના પ્રોજેક્ટ 10/6 અને 12/3 નું ટેક્સ એસેસમેન્ટ પાલિકાએ વસૂલવું જોઇએ જેથી પાલિકાનો ખર્ચ ઓછો થાય અને સગવડ પાછળ થયેલો ખર્ચ સરભર થાય.

અન્ય સમાચારો પણ છે...