વિકાસ:સંકુલની જીવાદોરી સમાન ઓસ્લો ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરાશે

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓસ્લો ફ્લાય ઓ‌વર બ્રિજની ડિઝાઇન આ રીતની છે. - Divya Bhaskar
ઓસ્લો ફ્લાય ઓ‌વર બ્રિજની ડિઝાઇન આ રીતની છે.

ગાંધીધામના ટાગોર રોડ પરના ઓસ્લો ખાતે ફ્લાયઓવર બ્રિજના બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત તા.7 ઓક્ટોબરના કરવામાં આવશે. સાથે સાથે નખત્રાણાના રસ્તાઓનું રિસફેસીંગના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. ઇ-કાર્યક્રમ અંતર્ગત થનાર ખાતમુહૂર્તને લઇને ગાંધીધામ-આદિપુરમાં વહીવટી તંત્રમાં ધમધમાટ ચાલી રહ્યો છે. અંજારની માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા પણ આ બાબતે કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે.

ગાંધીધામ- આદિપુરની વધી રહેલી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઇને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. ઘરે ઘરે વાહનની સંખ્યા વધી રહી છે તેની સામે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જરૂરી બન્યું છે. લાંબા સમયથી ગાંધીધામ- આદિપુર વચ્ચે અવરજવર કરવા જીવાદોરી સમાન બનેલા ટાગોર રોડ પર ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. આડેધડ ગતિ નિયમન રાખવામાં ન આવતા કેટલાક વાહન ચાલકોને લઇને લોકોના જીવન પર જોખમ પર તોળાઇ રહ્યું છે અને નાના મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે. દરમિયાન સંકુલના વધી રહેલા વિકાસને ધ્યાનમાં લઇને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓસ્લો સર્કલ પર ફ્લાયઓવર બનાવવા જાહેરાત કરવામાં આવી હતી. મહેસાણાની કોઇ પેઢીને એક વર્ષ માટે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે. રાધે એસોસિએટ નામની એજન્સી એક વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનું છે.

ટ્રાફિકની સમસ્યા હળવી થશે
ટાગોર રોડની ચેઇનેજ 7/400 ની છે. ઓસ્લો સર્કલ પાસે ચાર લેન ફ્લાયઓ‌વર બ્રિજ બનાવવાનો હોવાથી બ્રિજ બનતાં આદિપુર- ગાંધીધામ શહેરનો તેમજ દીન દયાળ પોર્ટ તરફની ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવો અંદાજ છે. 2707લાખના ખર્ચે નિર્માણ થનાર આ બ્રિજને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...