કોરોના વાઇરસ:કોરોના પાછળ પાલિકાએ 24 લાખ ખર્ચ્યા

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામે પગલા ભરવા 25 લાખની રકમ આપી હતી, જેમાંથી 13 લાખ તો દવા છંટકાવ પાછળ જ ખર્ચાઇ ગયા!
  • જાહેર માર્ગ, સરકારી કચેરીઓ વગેરેને સેનિટાઇઝ કરાઇ

કોરોનાના પગલે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી. ગાંધીધામ નગરપાલિકાને 25 લાખની રકમ આપવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 24.30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે. પાલિકાએ 13 લાખ જેટલો ખર્ચ તો કેમીકલ, દવા છંટકાવ વગેરે પાછળ કર્યો છે. 

કોરોનાના પગલે ગાંધીધામ નગરપાલિકાને ભાગે કપરી કામગીરી આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં સેનિટાઇઝેશન કરવાની સાથે સાથે માસ્ક વિતરણ, લોકોને સમજાવી શકાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયત્ન વગેરે બાબતે તબક્કાવાર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રોના દાવા મુજબ નગરપાલિકાને સરકારે આપેલી 25 લાખની રકમમાંથી જુદો જુદો ખર્ચ કર્યો હતો. જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં મોટા ભાગનો ખર્ચ કેમીકલ અને દવા છંટકાવ પાછળ કરાયો હોવાનું જણાઇ રહ્યું છે. શહેરના રસ્તાઓ, બિલ્ડીંગો, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, એસપી કચેરી, એસટી બસ સ્ટેશન, મામલતદાર કચેરી વગેરે સ્થળો પર પાલિકાએ સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી હતી. સામુદાયીક મંડળ પાસેથી અંદાજે 28 હજારના માસ્કની ખરીદી પણ કરવામાં આવી હતી. જ્યારે 19 હજારના ખર્ચે થર્મલ ગન, ફાયર સેફ્ટીના સાધનો માટે 16 હજારનો ખર્ચ કરાયો છે. 

ઓટોમેટીક સેનિટાઇઝેશન મશીન ડબલું પુરવાર થાય છે
નગરપાલિકામાં આવતા લોકો માટે ફરજીયાત સેનિટાઇઝેશનની વ્યવસ્થા લોકડાઉન પહેલાથી જ કરવામાં આવી હતી. જોકે, અગાઉ જે અરજદાર આવતા હતા તેને કોઇ કર્મચારી દ્વારા હાથો હાથ સેનિટાઇઝેશન કરાવવામાં આવતું હતું. ત્યાર બાદ થોડા સમય પછી સેનિટાઇઝેશન મશીન ઓટોમેટીક લાવવામાં આવ્યું છે જે કોઇને કોઇ કારણોસર બંધ રહેતું હોવાની ફરીયાદો પણ ઉઠે છે. થોડા દિવસ પહેલા આ મશીન દુર પણ થઇ ગયું હતું. ત્યાર બાદ મશીન પરત મુકી દેવામાં આવ્યું હતું. હાલ પણ મશીનમાં કોઇ ગરબડને કારણે અરજદાર ઉભા હોય ત્યારે સેનિટાઇઝેશન થતું ન હોવાની ફરીયાદો પણ ઉઠી રહી છે. 

નાસ્તો, જમવાનો ખર્ચ અધિકારીએ ભોગવ્યો
જાણકાર વર્તુળના જણાવ્યા મુજબ લોકડાઉન ના સમયમાં સફાઇ કામદારથી લઇને પાલિકાના જે કર્મચારીઓ સેવા આપતા હતા તેને ભોજન, ચા-નાસ્તાની વ્યવસ્થા તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા તેમના ખર્ચે કરવામાં આવી હતી. રોજના અંદાજે 150થી વધુ કર્મચારીઓ આ જમવાની વ્યવસ્થાનો લાભ લેતા હતા. આ અધિકારીએ રોડ ઉપર ઉભા રહી તડકામાં સેવા આપતા પોલીસ કર્મચારીથી લઇને અન્ય સહાયકોને માટે લીંબુ પાણીની પણ વ્યવસ્થા કરી હતી. જોકે, અન્ય કેટલીક સંસ્થાઓએ પણ આવી જ રીતે સેવા કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...