કામગીરી:નગરપાલિકાએ મામલતદાર કચેરી આસપાસના 20 દબાણ હટાવ્યા

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દબાણની સમસ્યા હલ કરવા માટે કાયમી ઉકેલ લાવવા સુધરાઇ ક્યારે સળવળશે ?
  • 20થી વધુ લારી ગલ્લા પાલિકાના કાફલાએ દૂર કર્યા : ખાણીપીણી માટે અલગ ઝોન ઉભો કરવાની તાતી જરૂરીયાત

ગાંધીધામ નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરી આસપાસના લારી ગલ્લાના 20થી વધુ દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા. દબાણની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા માટે પાલિકાએ તકેદારી રાખીને યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ તે જરૂરી બન્યું છે.

શહેરમા ફુટપાથ સહિતના સ્થળો પર મોટા પાયે દબાણ કરવામાં આવ્યા છે. દબાણને કારણે લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં કેટલાક દુકાનદારોએ પણ દબાણ કરીને પાલિકાની સમસ્યામાં વધારો કયો છે. આજે મામલતદાર કચેરી આસપાસ જે લાંબા સમયથી લારી ગલ્લાના દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અનુસંધાને આ દબાણ હટાવ્યો હોવાનું અનુમાન રાખવામાં આવેલું છે. ખાણીપીણીની લારી સહિત 20થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા છે.

આ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું .દરમિયાન પાલિકાના દબાણ શાખા દ્વારા મુખ્ય અધિકારી દર્શનસિહ ચાવડા ની સૂચના અનુસંધાને આજે કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ હટાવ ઝુંબેશ હજુ પણ ચાલુ રહે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર દબાણો દૂર કરવામાં આવે તે જરૂરી બન્યું છે. કેટલાક સ્થળે દબાણ વધતા ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે .પાલિકા માં આવેલી નવી પદાધિકારીઓની ટીમ દ્વારા આ દબાણ ની સમસ્યા નો કાયમી ઉકેલ આવે તે દિશામાં પગલાં ભરવામાં આવે તેવી લોકો ઇચ્છા રાખી રહ્યા છે.

ફૂટપાથ પર આવું ચિત્ર લોકોને રોજ જોવું છે
પાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં કેટલીક વખત ફિયાસ્કા સમાન બની જતી હોય છે. મામલતદાર કચેરી પાસે ફૂટપાથ પર ખાણીપીણીની લારી ગલ્લાનો ખડકલો થઇ જતો હોય છે. જેને લઇને ટ્રાફિકની સમસ્યા પણ કેટલીક વખત ઉદ્દભવે છે. આવી જ રીતે ફૂટપાથ પર કોઇ દબાણ ન હોય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. લારી ગલ્લા ધારકો માટે અલગ ખાણીપીણી માટેના ઝોન બનાવવા પણ હિલચાલ થઇ હતી તેવું પણ ઝડપથી થાય તે જરૂરી છે.

રાજકીય દબાણ થી સમસ્યા વકરી
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં દબાણ કરવામાં આવી રહ્યા છે. જે દબાણ થયા છે તેમાં કેટલાક સ્થળો પર તો રાજકીય પ્રેશર હોવાથી પાલિકા દ્વારા પગલાં ભરી શકાતા નથી અને તેને લઈ ને દબાણકારોને પ્રોત્સાહન મળ્યું છે .આ દબાણને જોઈને અન્ય લોકો પણ દબાણ કરવા માટે
પ્રેરાઈ રહ્યા છે.