અકસ્માત:સતાપર પાસે પગપાળા જતા આધેડને બોલેરોએ અડફેટે લેતાં જીવ ગુમાવ્યો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
તુલસીભાઇ - Divya Bhaskar
તુલસીભાઇ
  • જિલ્લામાં માર્ગ અકસ્માતના જુદા-જુદા બનાવમાં ત્રણ જિંદગી પર પૂર્ણાવિરામ
  • સિનુગ્રા પાસે ખાનગી ટ્રાવેલની બસની ટક્કર લાગતાં બાઇક સવાર પ્રૌઢનું મોત

અંજારના સિનુગ્રા પાસે ટ્રાવેલિંગ બસની ટક્કર લાગતાં બાઇક પર જઇ રહેલા પ્રૌઢનું મોત નિપજ્યું હતું , તો સતાપર નજીક પગપાળા જઇ રહેલા આધેડને બોલેરો ચાલકે અડફેટે લેતાં જીવ ગુમાવ્યો હતો. આમ અંજાર પંથકમાં બેફામ વાહન વ્યવહારને કારણે બે જીવલેણ અકસ્માત સર્જાયા હતા.

અંજારના વીડી ગામ ખાતે રહેતા 20 વર્ષીય જીતેશ તુલસીભાઇ કોલીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા તુલસીભાઇ ગત સાંજે બાઇક પર સિનુગ્રા પાસે જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ આવેલી ફોર્સે કંપનીની ટ્રાવેલિંગ બસના ચાલકે તેમના પિતાની બાઇકને ટક્કર મારતાં માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ અંજાર સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગા઼ધીધામની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા પર઼તુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમના પિતાએ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જી નાસી ગયેલા બસ ચાલક વીરૂધ્ધ તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તો, રતનાલ ગામે રહેતા 32 વર્ષીય રાજેશ કાનાભાઈ વરચંદની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ સોમવારની સવારે ફરિયાદીના આધેડ વયના પિતા કાનાભાઈ વરચંદ ચાલીને ગોવર્ધન પર્વત તરફ જઈ રહ્યા હતા. રોડની સાઈડમાં ચાલતા હોવા છતાં બોલેરો ગાડી નં. જીજે 12 બીડબલ્યુ 4109ના ચાલકે તેમને હડફેટે લેતા શરીરે છોલછામ તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેથી ત્યાંથી પસાર થતા રાહદારી દ્વારા તેમને અંજારની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આધેડે દમ તોડી દીધો હતો. આ બનાવ બાદ સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી. જે બાદ ફરિયાદી પુત્ર દ્વારા બેદરકારી પૂર્વક બોલેરો ચલાવનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

સમાધોઘામાં જીપની ટક્કરથી બાઇક ચાલકનું મોત
સમાધોઘા ગામે રહેતા માણેકભાઇ લધાભાઇ ગઢવી નામનો યુવાન પોતાના મોટર સાયકલથી સોમવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જીંદાલ કંપનીના ગેટ સામેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ આવતી બોલેરો જીપના ચાલકે બાઇક ચાલક માણેકભાઇને અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર મળે તે પૂર્વે મોત આંબી ગયું હતું. મૃતકના મામા ઘનશ્યામભાઇ સ્વરાજભાઇ ગઢવી રહે સમાઘોધાની ફરિયાદ પરથી મુન્દ્રા પોલીસે જીપના ચાલક વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પ્રવાસનની સિઝન છે ત્યારે તકેદારી જરૂરી
અત્રે ઉલ્લેખનિય છે કે, નવેમ્બર માસથી પ્રવાસનની સિઝન હોય છે અને દર વર્ષે બહારથી પ્રવાસછીઓના ધાડા કચ્છમાં આવે છે અને જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરે છે દરમિયાન ભૂતકાળમાં પણ વધેલા વાહન વ્યવહારને કારણે તેમજ બેફામ રીતે કરાતા વાહન વ્યવહારને કારણે જીવલેણ અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે. ધોરડોના રસ્તે એક સાથે નવ મોત થયા હોવાની હચમચાવી નાખે તેવી ઘટના પણ બની છે ત્યારે આ સિઝનમાં તકેદારી વધારવી જોઇએ તેવો સૂર ઉઠતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...