3.50 લાખ લોકોનો ‘વિકાસ’ રૂંધાયો!:કામો થતા ન હોવાનો સભ્યોએ ઉકળાટ દર્શાવ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપના કાર્યાલય પર ચારેક કલાક સુધી ચાલેલી મેરેથોન ચિંતન બેઠક
  • ધારાસભ્ય, પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો સાથે પ્રભારી, ઝોન પ્રભારીએ ચર્ચા કરી

ગાંધીધામ નગરપાલિકાના વિકાસ કામમાં અડચણ આવી રહી છે તેની પાછળ કયા પરીબળો કામ કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય છે. બીજી તરફ સત્તાપક્ષના 47 સભ્યોમાં મોટા ભાગના કેટલાય સભ્યોએ પોતાના વિસ્તારના નાના મોટા કામો થતા ન હોવાને લઇને અગાઉ પણ અવાજ ઉઠાવ્યા પછી આજે પ્રભારી અને ઝોન પ્રભારી સાથે યોજાયેલી બેઠકમાં કામ થતા ન હોવાનો કકળાટ કર્યો હોવાની વિગત મળી રહી છે.

3.50 લાખ લોકોનો વિકાસ રૂધાઇ રહ્યો છે. ત્યારે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ બન્ને પક્ષે આમને સામને આક્ષેપો પ્રતિઆક્ષેપો સાથે દલીલો કરવામાં આવી હતી. અલબત આ હુંસાતુસીના રાજકારણમાં હાલ તો લોકોના કામ અટવાઇ રહ્યા છે તેનો પણ પડઘો કેટલાક સભ્યોએ પાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોવું એ રહ્યું કે, આ નિરીક્ષકો જિલ્લા કક્ષાએ કેવો અને ક્યારે રિપોર્ટ આપે છે.

ભાજપના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ નગરપાલિકામાં ભાજપમાં જ અંદરોઅંદરની ખટપટો વર્તમાન બોડી જ્યારથી આવી ત્યારથી શરૂ થઇ ગઇ છે. એક યા બીજા કારણોસર સંકલન સધાતું નથી જેને લઇને પણ અવારનવાર પાર્ટીની આબરૂના લીરેલીરા ઉડી ચુક્યા છે. દરમિયાન કારોબારી સમિતિની બેઠક તાજેતરમાં બોલાવવામાં આવ્યા પછી મુલત્વી રાખવા પાછળ કયું ગણિત કામ કર્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો. આજે ભાજપના મોવડી મંડળ દ્વારા બે આગેવાનોને મોકલીને પરીસ્થિતિનો ક્યાસ કાઢવા નક્કી કરાયું હતું. ઝોન પ્રભારી અને મહામંત્રી અનીરૂદ્ધ દવે તથા પ્રભારી વિકાસ રાજગોરનું આજે ભાજપના કાર્યાલય પર આગમન થયું હતું.

બપોરે આવેલા આ આગેવાનોએ સૌપ્રથમ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સંગઠન પ્રમુખ પંકજ ઠક્કર, મહામંત્રી નરેશ ગુરબાની અને મહેન્દ્ર જુણેજા તથા પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી, કારોબારી સમિતિ ચેરમેન પુનીત દુધરેજીયા, ઉપપ્રમુખ બળવંત ઠક્કર, સત્ત પક્ષ નેતા વિજયસિંહ જાડેજા અને દંડક પપ્પુ ઘેડા સાથે બેઠક યોજી હતી.ઉપરાંત જે તે સમિતિના ચેરમેનો સાથે પણ બેઠક યોજી હતી. સાંજે ચાર કલાકને બદલે અંદાજે 5 કલાકે ભાજપના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

જોકે, પહેલા એવું નક્કી કરાયું હતું કે, સામુહીક રીતે બેઠક બોલાવીને સભ્યોને સાંભળવા પરંતુ ત્યાર બાદ બંધ બારણે ચેમ્બરમાં આ આગેવાનોએ જે તે વોર્ડના પેનલના સભ્યોને સાંભળ‌વાની વ્યુહ રચના કરી હોવાના ભાજપના વર્તૂળોમાંથી સંકેત મળી રહ્યા છે. કેટલાક સભ્યોએ પોતાના વિસ્તારના કામો થતા ન હોવાનો કકળાટ કર્યો હતો. પદાધિકારીઓને પણ કામ કરવું છે પરંતુ કોઇને કોઇ પરીબળને કારણે વિકાસ કામો રૂંધાઇ રહ્યા છે તે બાબતે પણ અન્ય વર્તૂળો દ્વારા કેફિયત રજૂ કરવામાં આવી હોવાની વિગત પણ મળી રહી છે.

જો અને તો વચ્ચે લોકો અટવાઇ રહ્યા છે
ભાજપનો મંત્ર વિકાસનો છે પરંતુ વિકાસની ગાડી પાટા પર આવતી નથી તે હકીકત છે. કોઇને કોઇ કારણોસર આ ઉભી થયેલી પરીસ્થિતિમાંથી ભાજપ ક્યારે બહાર નિકળશે તે જોવું રહ્યું. પરંતુ લોકોના કામો અટવાઇ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કેવી રીતે મત માંગવા તે પણ પરીસ્થિતિ ન સુધરે તો પ્રશ્ન ઉભો થઇ શકે તેમ છે. એક વર્ગ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી રહી છે, મોવડી મંડળ દ્વારા કડક રીતે વલણ દાખવીને કોઇને પણ શેહશરમ રાખવામાં નહીં આવે અને કામો ઝડપી પૂર્ણ થાય તે દિશામાં સૂચના અને મોનીટરીંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...