ફરિયાદ:રાપરમાં હત્યારાએ વકીલને મારી નાખવાની આપી ધમકી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાકાના ખૂન કેસમાં મદદની ખુન્નસ રાખતો હોવાનું જણાવાયું

રાપરમાં દર્શન કરવા જઇ રહેલા વકીલને રોકી હત્યાના ગુનેગારે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ધારાશાસ્ત્રીએ રાપર પોલીસ મથકે નોંધાવી છે. રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ઘનશ્યામ સોસાયટીમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 58 વર્ષીય ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઇ ગીરધરલાલ પૂજારા ગત રાત્રે 9 વાગ્યે સત્સંગ હોલ ખાતે દર્શનાર્થે નિકળ્યા હતા. તેઓ સત્સંગ હોલ નજીક પહોંચ્યા ત્યારે એક અજાણ્યા મોટરસાઇકલ ચાલકે સત્સંગ હોલ સામે બાઇક ઉભું રાખ્યું હતું. તે જ સમયે પાછળથી એક્ટિવા લઇને અયોધ્યાપુરી વિસ્તારમાં જ રહેતો દિનેશ કાંતિલાલ ઠક્કર ત્યાં આવ્યો હતો અને તેણે અજાણ્યા ઇસમને કહ્યું હતું કે આ વ્યક્તિને જોઇ લે બરોબર આનું ખૂન કરવાનું છે. અજાણ્યા ઇસમે તેમને નામ પૂછતાં તેમણે પોતાનું નામ જણાવ્યું હતું.

આ બોલાચાલી થઇ રહી હતી ત્યારે જ દર્શન કરવા આવેલા વિશાલ હરિલાલ ઠક્કર આવતા જ બન્ને જણા ચાલ્યા ગયા હતા. આ દિનેશ કાંતિલાલ ઠક્કરે અગાઉ ફરિયાદી ઘનશ્યામભાઇના કાકા શાંતિલાલ વીરજીભાઇ રામાણીનું ખૂન કર્યો હતું અને આ હત્યાના કેસમાં તેઓ મદદરૂપ થતા હોઇ ખૂન્નસ રાખી આ ધમકી આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે બે જણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...