માંગ:સંકુલને વિકસાવવાનો મુદ્દો પુન: ઉખળ્યો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રના શિપિંગ મંત્રાલય સાથે અન્ય મિનીસ્ટ્રીનો પણ સમાવેશ કરાયો
  • ગેઝેટ પ્રસિદ્ધ થતાં સંકુલના વિકાસનો પ્રશ્ન છેડાયો : CSR હેઠળ વધુ કામ થવા જોઇએ

મહારાવ દ્વારા જમીન આપવામાં આવ્યા પછી જે તે સમયે સંકુલને વિકસાવવાથી લઇને સુવિધાઓ આપવા માટે દીન દયાળ પોર્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. જે તે તબક્કે અપાયેલી જવાબદારી પછી કેટલીક સુવિધાઓ આપવામાં આવી હતી અને હજુ સ્માર્ટ સિટી સહિતની કેટલીક યોજનાઓ અભેરાઇએ ચડાવી દેવાઇ છે.

સંકુલનો વિકાસ થાય તે માટે જે રીતે પગલા ભરાવવા જોઇએ તે ભરાતા નથી તેવા સંજોગોમાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટમાં શિપિંગ મંત્રાલયનું નામ બદલાવી પોર્ટ પરીવહન બંદર અને જળ મંત્રાલય કરવામાં આવ્યું છે. જેમાં પણ દીન દયાળ પોર્ટની જવાબદારી સંકુલના વિકાસ માટે છે તેવો ઉલ્લેખ કરવામાં આવતાં ફરી એક વખત લોકોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

દીન દયાળ પોર્ટ દ્વારા જે સુવિધાઓ આપવી જોઇએ તે સુવિધા આપવામાં આવતી ન હોવાને લઇને ફરિયાદો પણ ઉઠતી રહી છે. માત્ર જમીનોનો વહીવટ કરાતો હોવાની છાપની બીજી બાજુ સંકુલના જુદા જુદા વિકાસના કામો પણ દીન દયાળ પોર્ટે કર્યા છે. સીએસઆર હેઠળ લોક ઉપયોગી સેવાઓ પુરી પાડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ ડીપીટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. સંકુલના વિકાસની ગતિ ન અવરોધાય તે માટે પગલા ભરવા જોઇએ તે ભરાતા નથી તેવી પણ ફરિયાદો ઉઠતી હોય છે.

બીજી બાજુ નબળી નેતાગીરીને કારણે જોઇએ તેવી જુદી જુદી બાબતોમાં લોક ઉપયોગી સેવાઓ પુરતા પ્રમાણમાં મળતી નથી તે પણ હકીકત છે. ખુદ દીન દયાળ પોર્ટના કર્મચારીઓને પ્લોટ ફાળવવા માટે લાંબા સમયથી માગણી થઇ રહી છે. ડીપીટીના ઓફિસર એસોસિએશનના મહામંત્રી રવિભાઇ મહેશ્વરીએ શિપિંગ મંત્રાલયના એક્ત્રીકરણના નિર્ણયને આવકારીને કર્મચારીના બાકી રહી ગયેલા પ્લોટ, જમીન સહિતના પડતર પ્રશ્નો ઉકેલાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

પાલિકા, ડીપીટી વચ્ચે સંકલન થાય તો વિકાસની હરણફાળ ભરી શકાય
ગાંધીધામ- આદિપુરના લોકોને લોકઉપયોગી સેવાઓ પુરી પાડવામાં આવે તે માટે મહત્વની ગણાતી બાબતોમાં જમીનનો પ્રશ્ન મહત્વનો છે. જુદી જુદી યોજનાઓમાં જમીન ન હોવાથી તેની અમલવારી થતી નથી અને કેટલીક વખત નગરપાલિકા દ્વારા ડીપીટીમાં પણ તબક્કાવાર રજૂઆતો કરીને જમીનની માગણી કરવામાં આવી છે.

પરંતુ આ બાબતે ડીપીટીએ જોઇએ તેવું સાનુકુળ વલણ દાખવ્યું ન હોવાનો કલબલાટ પણ પાલિકાના વર્તુળોમાં ઉઠે છે. લોકઉપયોગી સુવિધાઓ વધુને વધુ વિકસે અને લોકો તેનો પુરતા પ્રમાણમાં લાભ લઇ શકે તે માટે દીન દયાળ પોર્ટ અને પાલિકા વચ્ચે સેતુ બનીને ભાજપના આગેવાનોએ સંકલન સાધવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...