તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સદનસીબે જાનહાનિ ટળી:ફ્રુટ માર્કેટમાં ફરી એક વખત છતમાંથી ગાબડું પડ્યું

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે છે
  • અવાર નવાર બનતી ઘટનાથી વેપારીઓમાં રોષ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા બેદરકારી રાખવામાં આવી રહી છે. જેને લીધે લોકો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.શહેરમા મુખ્ય ગણાય તેવા વિસ્તારમા આવેલી ફ્રુટ માર્કેટ ખખડધજ થઇ ગઇ હોવા છતાં જર્જરીત ઈમારતમાં પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવતું જ નથી. ધ્યાન આપવામાં ન આવતા નાની મોટી દુર્ઘટનાઓ બની રહી છે .આજે એક જનરલ સ્ટોરની દુકાનની છતનું ગાબડું ધડાકા સાથે ધરાશાયી થયું હતું, જેને લઇને દોડધામ મચી ગઇ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાવા પામી નથી.

પાલિકાની આ શાકમાર્કેટમાં ફ્રુટ માર્કેટમાં આગળના ભાગે જ દુકાન નંબર 7 ની છતની દિવાલનું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતાં જ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકામાં આ બાબતે વેપારીઓ દ્વારા અગાઉ પણ જાણ કરવામાં આવ્યા છતાં ગંભીરતા દાખવવામાં આવતી નથી જેને લઇને વેપારીઓ માં રોષની લાગણી જન્મી છે.

ખખડધજ થયેલી આ ઈમારતમાં આધુનિકરણ કરવા માટે પાંચેક વર્ષ પહેલાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત વેપારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી અને ગ્રાઉન્ડ પ્લસ ટુ નું અદ્યતન બિલ્ડિગ બનાવવા માટે તૈયારી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય નિર્ણય પર લાવીને પગલાં ભરવા જોઈએ તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે.

ગાંધી માર્કેટની સ્થિતિ પણ બદતર
પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરની હાલત બદતર ગણાવાઈ રહી છે. ગાંધી માર્કેટ કે જેમાં અંદાજે 125 થી વધુ દુકાનોથી લઈને અન્ય ઓફિસો આવેલી છે. તે કોમ્પલેક્સમાં પણ અવારનવાર દુર્ઘટના બની રહી છે. જે તે સમયે બનેલી આ દુર્ઘટના પછી વેપારીઓ દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા પછી કોણીએ ગોળ લગાવીને નગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવે છે પરંતુ યોગ્ય રિનોવેશન બિલ્ડિંગનું કરવામાં આવતુ નથી.

ઉલ્લેખનીય છે કે અંદાજે 24 લાખથી વધુ રકમના ખર્ચે ગાંધી માર્કેટ માં રીપેરીંગ કરવાથી લઈને અદ્યતન બનાવવા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા કોઈ કારણોસર આ કામગીરી આગળ ધપતી નથી તેને લઈને પણ ગાંધી માર્કેટના વેપારીઓમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.

પગલાં ભરવામાં આવશે - કારોબારી ચેરમેન
કારોબારી સમિતિના ચેરમેન પુનિત દુધરેજીયાને આ બાબતને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ આ બાબતનું નિરાકરણ આવે તે માટે પગલા ભરવામાં આવશે. વેપારીઓને બોલાવીને નિરાકરણ લાવવા તૈયારી કરવામાં આવશે તેવો દાવો પણ કર્યો હતો.

પાલિકાને કાયમી આવક પણ ઉભી થઈ શકે તેમ છે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા ફ્રુટ માર્કેટને અદ્યતન બનાવવામાં આવે તો નીચેના ભાગમાં ફ્રુટનું વેચાણની સાથે સાથે ઉપરના માળ પર જુદી જુદી ઓફિસો બનાવી શકાય તેમ છે. અંદાજે 100થી વધુ ઓફિસો બને તેવી તેવો અંદાજ પણ સેવાઈ રહ્યો છે.

વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો
વર્ષોથી આ સ્થળ પર વેપાર કરતા વેપારીઓની એવી પણ લાગણી છે કે ત્યાં સુધી અધતન બિલ્ડીંગ તૈયાર ન થાય ત્યાં સુધી વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. બિલ્ડીંગ તૈયાર થઈ ગયા પછી જે તે વેપારીઓને જેટલી જગ્યા હતી તે આને લોકેશન તે જ ધોરણે આપવામાં આવે .

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ વેપારીઓ સાથે આ મુદ્દે અવાર-નવાર ચર્ચા પણ થઈ ચૂકી છે પરંતુ કઈ જગ્યા આપી તે સહિતની બાબતો ને લઈને પાલિકા અવઢવની સ્થિતિમાં હોવાથી આ પ્રોજેક્ટ આગળ ધપી શકતો નથી. પાલિકામાં ભાજપનું શાસન છે અને આ પ્રોજેક્ટ દસ વર્ષથી લબડી રહ્યો છે જે પૂર્ણ કરવા માટે હવે ના નવા શાસકો દ્વારા શું પગલા ભરવામાં આવે છે તેની ઉપર પણ વેપારીઓની મીટ મડાણી છે.

અન્ય સમાચારો પણ છે...